<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

BCG જંગઃ૪૯,૦૦૬ મતોનું શોર્ટિંગ પૂર્ણ, કાલે બપોરે જાહેર થશે પ્રથમ પસંદગીના મતોનું પરિણામ

બાર કાઉન્‍સિલ ચૂંટણીઃ ૧,૯૨૯ ‘એકડા' મેળવનાર ઉમેદવાર વિજેતા બનશે, ૨૩ બેઠકો માટે કાઉન્‍ટડાઉન શરૂઃ ૪૬,૨૮૪ માન્‍ય મતો સાથે મતગણતરી ત્રીજા તબક્કામાં, આવતીકાલે ચિત્ર સ્‍પષ્ટ થશે

રાજકોટઃ બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતની પ્રતિષ્ઠિત ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. આજે તારીખ ૧૩/૦૩/૨૦૨૬ ના રોજ મતગણતરીના ત્રીજા દિવસે ચૂંટણી અધિકારી દ્વારા શોર્ટલિસ્‍ટિંગની પ્રક્રિયા પૂર્ણ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

ચૂંટણીમાં કુલ ૪૯,૦૦૬ (૬૪.૪૮%) વકીલ મિત્રોએ મતદાન કર્યું હતું. જેમાંથી ચકાસણીના અંતે ૪૬,૨૮૪ (૬૦.૯૦%) મતો માન્‍ય ઠર્યા છે, જયારે ૨,૭૨૨ મતો અમાન્‍ય જાહેર કરવામાં આવ્‍યા છે.

ચૂંટણી અધિકારીના જણાવ્‍યા અનુસાર, કોઈપણ ઉમેદવારે વિજેતા જાહેર થવા માટે નિર્ધારિત ક્‍વોટા મુજબ ૧,૯૨,૮૫૧ પોઇન્‍ટ અથવા ૧,૯૨૯ પ્રથમ પસંદગીના મતો (એકડા) મેળવવા અનિવાર્ય રહેશે.

હાલમાં ૧ થી ૯૯ તમામ ઉમેદવારોના ‘એકડા' (પ્રથમ પસંદગી) ના સોર્ટિંગની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ તમામ ગણતરી પૂર્ણ થયા બાદ, આવતીકાલે ૧૪/૦૩/૨૦૨૬, શનિવાર ના રોજ બપોરે પરિણામ જાહેર કરવામાં આવશે.

કુલ ૨૩ વિજેતા ઉમેદવારોની જાહેરાત આ મુજબના માપદંડો સાથે કરવામાં આવશેઃ  સૌથી વધુ એકડા મેળવનાર પ્રથમ ૧૮ સામાન્‍ય ઉમેદવારો.

 ત્‍યારબાદ ૫ મહિલા ઉમેદવારોમાં જેમના એકડા વધુ હશે તે મુજબ ૫ મહિલા પ્રતિનિધિઓ.સમગ્ર વકીલ આલમમાં અત્‍યારે ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. 

(3:41 PM IST)