તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th March 2026
ગુજરાત બાર કાઉન્સિલની ચુંટણીમાં ૬૪.૪૮ મતદાન થયું: ૨૭૨૨ મતો અમાન્ય ઠર્યાઃ જીતવા માટે ૧૯૨૯ એકડાના મતો જરૂરી

રાજકોટ : તા.૧૩: ગુજરાત બાર કાઉન્સિલની ૨૩ બેઠકોની યોજાયેલી ચૂંટણીમાં તા. ૬ઠ્ઠી માર્ચે રાજકોટ સહિત રાજયભરમાંથી મોટી સંખ્યામાં વકીલ મતદારોએ મતદાન કરતા રાજ્યભરનું કુલ ૬૪.૪૮ % મતદાન નોંધાયું હતું. તેમાં ૧૮ બેઠકો ઉપર ૭૯ પુરૂષ અને ૫ બેઠકો ઉપર ૨૦ મહિલા વકીલો મળી કુલ ૯૯ ઉમેદવારો મેદાનમાં છે.
મતદાન પૂર્ણ થયા બાદ હાઇકોર્ટના ઓડિટોરીયમ ખાતે સુરક્ષા અને ઉમેદવારોની હાજરીમાં મતગણતરી મંગળવારથી શરૂ કરવામાં આવી છે. તેમાં શોર્ટલિસ્ટની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગઇકાલે ત્રીજા દિવસે માન્ય મતોનું ચિત્ર સ્પષ્ટ થયું હતું. તેમાં રાજયભરમાંથી કુલ ૭૭ હજારથી વધુ વકીલ મતદારો પૈકી ૪૯,૦૦૬ વકીલોના ૬૪.૪૮ ટકા મતદાન પૈકી ૨૭૨૨ જેટલા મત અમાન્ય જાહેર થતાં અમાન્ય મતોની ટકાવારી ૩.૫૮ ટકા નોંધાઈ છે. હવે ૪૬૨૮૪ માન્ય મતોમાંથી ગણતરી શરૂ કરી દેવામાં આવી છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં પ્રેફરેન્શિયલ વોટિંગ સિસ્ટમથી મતદાન થતું હોવાથી એકડાનું બહુ મહત્ત્વ હોય છે. એકડાનો ટ્રેન્ડ કાલે તા. ૧૪ના બપોરે જાહેર થશે એમ મનાય છે.
વિજેતા બનવા માટે કોઇપણ ઉમેદવારે ૧,૯૨૯ એકડા અથવા તો, ૧,૯૨,૮૫૧ પોઇન્ટ મેળવવા જરૂરી રહેશે. મતગણતરી દરમ્યાન સૌથી વધુ એકડા મેળવનાર ઉમેદવારોમાંથી ૧૮ પુરૂષ વકીલોને ચૂંટાયેલા અને વિજેતા જાહેર કરાશે. ત્યારબાદ પાંચ મહિલા ઉમેદવારોની અનામત બેઠક માટે સૌથી વધુ એકડા મેળવનાર મહિલા વકીલોને વિજેતા જાહેર કરવામાં આવશે. જયારે બાકીના બે મહિલા ઉમેદવારો કો-ઓપ્શનની પ્રક્રિયાથી ભરાશે. હાલ સત્તાવાર પરિણામો જાહેર થવામાં હજુ ત્રણ-ચાર દિવસ લાગી શકે છે. મતગણતરી સ્થળ પર વકીલ ઉમેદવારો-ટેકેદારોમાં ભારે ઉત્તેજનાનો માહોલ સર્જાયો છે.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
