તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 13th March 2026
વડોદરા:વિદ્યાર્થિનીએ પ્રેમ સંબંધની ના કહી દેતા મોતનેઘાટ ઉતારનાર આરોપીને અદાલતે આજીવન કેદની કરી સુનવણી
છેલ્લા બે વર્ષથી યુવતીને પ્રેમસંબંધ રાખવા માટે શખ્સ કરતો હતો દબાણ:કારમાં જ ગળેટુંપો આપીને કરી કરપીણ હત્યા: યોગ્ય પુરાવાઓને આધારે અદાલતે આરોપીને આકરી સજા ફટકારી

વડોદરા : પ્રેમ સબંધ રાખવાની ના કહેતા ૨૨ વર્ષની વિદ્યાર્થીનીની ઘાતકી હત્યા કરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીને અદાલતે કસુરવાર ઠેરવી આજીવન કેદની સજા તેમજ રૃા.૧ લાખનો દંડ ફટકારી આરોપી જો દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સજાનો આદેશ કર્યો હતો. ન્યાયાધીશે મૃતક યુવતીના પરિવારને વળતર પેટે રૃા. ૯ લાખ ચૂકવવાનો આદેશ કર્યો હતો.
બનાવની વિગત એવી છે કે,આરોપી હરપાલ ઉર્ફે હાદક કિરીટભાઈ પટેલ (રહે.મારૃતિધામ સોસાયટી,વડસર) છેલ્લા બે વર્ષથી મૃતક યુવતી રૃદ્રાને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરી હેરાન કરતો હતો. ૧૮ એપ્રિલ ૨૦૧૫ના રોજ જ્યારે યુવતી તેની આઈ-૧૦ કારમાં ટયુશન ક્લાસ જઈ રહી હતી, ત્યારે આરોપીએ તેની સાથે ઝઘડો કરી વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાછળના ભાગે કારમાં જ દુપટ્ટાથી ગળું દબાવીને કરપીણ હત્યા કરી નાખી હતી. આરોપીએ ત્યાર બાદ કારને અકસ્માતગ્રસ્ત હાલતમાં છોડી દીધી હતી.
આ કેસ સંપૂર્ણપણે પુરાવાઓ પર આધારિત હતો. સરકારી વકીલ એન.યુ.મકવાણા દ્વારા કોર્ટમાં કુલ ૨૬ મૌખિક સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી અને ૩૧ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. સાક્ષીઓમાં મૃતકના પિતા, માતા, અને આરોપી-યુવતીના મિત્રોનો સમાવેશ થતો હતો. ખાસ કરીને આરોપીએ તેના એક મિત્ર સમક્ષ કરેલી ગુનાની કબૂલાત અને એફ.એસ.એલ.ના રિપોર્ટમાં દુપટ્ટાની મજબૂતી અને ગળું દબાવવાના નિશાનો સાબિત થતા કોર્ટે તેને ગંભીર ગણ્યા હતા.
બચાવ પક્ષે દલીલ કરી હતી કે આ એક અકસ્માત છે, પરંતુ તબીબી પુરાવાઓએ સાબિત કર્યું કે મૃત્યુ ગળું દબાવવાને કારણે ગૂંગળામણથી થયું છે.અદાલતે આ કેસમાં કડક વલણ અપનાવતા નોંધ્યું હતું કે આરોપીએ પોતાની ઈચ્છા ન સંતોષાવાને કારણે એક નિર્દોષ યુવતીનું જીવન છીનવી લીધું છે. સમાજમાં દાખલો બેસે તે માટે કોર્ટે આરોપી હરપાલ પટેલને આજીવન સખત કેદ અને એક લાખનો દંડ ફટકાર્યો હતો.
(5:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
