News of Friday, 13th March 2026
પાટણમાં ફાયરિંગમાં યુવકના મોતને લઈ ભારે રોષ : આરોપીઓ પકડાય નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા પરિવારજનોનો ઇન્કાર
સિવિલ હોસ્પિટલે પહોંચેલી પોલીસ ટીમે પરિવારજનો અને સમાજના લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો:પરિવારજનો ન્યાયની માંગ પર અડગ રહી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો

પાટણ શહેરમાં થયેલી ફાયરિંગની ઘટનાએ ભારે તણાવનું વાતાવરણ સર્જ્યું છે. નીલમ સિનેમા નજીક થયેલા ગોળીબારમાં યુસૂફ નામના યુવકનું મોત થતાં પરિવારજનો અને સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાને 24 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આરોપીઓ પોલીસની પકડથી દૂર હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે.
મૃતક યુસૂફના પરિવારજનોએ સ્પષ્ટ કહ્યું છે કે આરોપીઓને ઝડપવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં. આ કારણે ધારપુર સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં પરિવારજનો અને સમાજના લોકો એકઠા થયા હતા. હોસ્પિટલ પરિસરમાં તણાવભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.
પ્રાથમિક માહિતી મુજબ જૂની અદાવતના કારણે ઝહીર ખોખર અને તેના બે સાથીદારો દ્વારા આ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનુ પરિવારજનોએ જણાવ્યું હતું. ફાયરિંગમાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુસૂફને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
ઘટનાને પગલે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચેલી પોલીસ ટીમે પરિવારજનો અને સમાજના લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પરિવારજનો ન્યાયની માંગ પર અડગ રહી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી રહ્યા છે.
(6:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
