<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદીનો પ્રારંભ: ખેડૂતો માટે નોંધણી કરાવવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી

ભારત સરકાર દ્વારા પ્રતિ ક્વિન્ટલ ₹ ૨,૪૨૫ ટેકાનો ભાવ જાહેર કરાયો: રાજ્યના ખેડૂતો ૧૩ માર્ચથી ૨૭ માર્ચ ૨૦૨૬ સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકશે, ૪ માર્ચથી ૧૫ મે સુધી ખરીદી પ્રક્રિયા ચાલશે

ગાંધીનગર:રાજ્ય સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે (MSP) ઘઉંની સીધી ખરીદી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા આ સીઝન માટે ઘઉંનો લઘુત્તમ ટેકાનો ભાવ ₹ ૨,૪૨૫ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે. ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે આ ખરીદી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
નોંધણીની મુદતમાં ૧૫ દિવસનો વધારો
અગાઉ ટેકાના ભાવે ઘઉં વેચવા ઈચ્છતા ખેડૂતો માટે ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા ૧ ફેબ્રુઆરી થી ૧ માર્ચ ૨૦૨૬ સુધી નિયત કરવામાં આવી હતી. જોકે, વધુમાં વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે તેવા ઉમદા હેતુથી રાજ્ય સરકાર દ્વારા નોંધણીની સમયમર્યાદામાં ૧૫ દિવસનો વધારો કરવામાં આવ્યો છે. હવે ખેડૂતો ૧૩/૦૩/૨૦૨૬ થી ૨૭/૦૩/૨૦૨૬ સુધી ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે ઓનલાઈન નોંધણી કરાવી શકશે.
ખરીદીનો સમયગાળો અને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન
ઘઉંની પ્રત્યક્ષ ખરીદીની પ્રક્રિયા ૪ માર્ચ ૨૦૨૬ થી ૧૫ મે ૨૦૨૬ સુધી ચાલશે. નોંધનીય છે કે, ખેડૂત ખાતેદારોએ નોંધણી અને વેચાણ સમયે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરાવવું ફરજિયાત રહેશે. જે ખેડૂતોએ સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન કરાવ્યું હશે, તેમને ખરીદી અંગેની જાણકારી SMS મારફતે આપવામાં આવશે.
જરૂરી દસ્તાવેજોની યાદી
નોંધણી માટે ખેડૂતોએ નીચે મુજબના પુરાવાઓ સાથે રાખવાના રહેશે:
 * આધાર કાર્ડની નકલ.
 * અદ્યતન ગામ નમૂનો ૭/૧૨ અને ૮/અ.
 * જો પાકની વાવણી અંગેની એન્ટ્રી ૭/૧૨ કે ૮/અ માં ન થઈ હોય, તો તલાટીના સહી-સિક્કાવાળો વાવણીનો દાખલો.
 * ખેડૂતના નામના બેંક ખાતાની પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ.
ખોટા દસ્તાવેજો સામે કડક સૂચના
તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, દસ્તાવેજ ચકાસણી દરમિયાન જો કોઈ ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું માલૂમ પડશે, તો તેવા કિસ્સામાં ખેડૂતનો ક્રમ રદ કરવામાં આવશે અને ખરીદી માટે તેમને કોઈ જાણ કરવામાં આવશે નહીં. ખેડૂતોએ વધુ વિગત કે મુશ્કેલી માટે હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ અથવા ૮૫૧૧૧૭૧૭૧૯ પર સંપર્ક કરવા જણાવાયું છે.
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના મેનેજિંગ ડિરેક્ટર અને મેનેજર (ફૂડગ્રેઈન) દ્વારા રાજ્યના તમામ ખેડૂતોને આ તકનો લાભ લેવા અને સમયસર નોંધણી કરાવવા અપીલ કરવામાં આવી છે.

(7:07 PM IST)