હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આણંદ-કરમસદ રોડ પર જે.કે. લોટસ પાર્ટી પ્લોટમાં ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું
હાઈકોર્ટની મુદત પૂરી થતા એસ્ટેટ વિભાગની કડક કાર્યવાહી :ગેરકાયદેસર બાંધકામ કરનારા તત્વોમાં ફફડાટ

આણંદ-કરમસદ રોડ પર આવેલ જાણીતા 'જે.કે. લોટસ' પાર્ટી પ્લોટમાં વહીવટી તંત્ર દ્વારા આજે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બિલ્ડિંગ યુઝ (BU) પરમિશન અને ફાયર સેફ્ટીના નિયમોના અભાવે અગાઉ સીલ કરાયેલા આ પાર્ટી પ્લોટમાં હાઈકોર્ટની સમયમર્યાદા પૂર્ણ થતાની સાથે જ મહાનગરપાલિકાએ બિનપરવાનગીથી કરાયેલું બાંધકામ તોડી પાડ્યું છે.
આણંદ મહાનગરપાલિકા દ્વારા અગાઉ જે.કે. લોટસ પાર્ટી પ્લોટને નોટિસ પાઠવવામાં આવી હતી. આ નોટિસમાં સ્પષ્ટ જણાવાયું હતું કે પાર્ટી પ્લોટ પાસે જરૂરી બિલ્ડિંગ યુઝ પરમિશન અને ફાયર વિભાગની એનઓસી (NOC) નથી. જરૂરી પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહેતા મનપાએ આ પ્લોટને સીલ કરી દીધો હતો.
આ કાર્યવાહી વિરુદ્ધ પાર્ટી પ્લોટના માલિકો ગુજરાત હાઈકોર્ટના શરણે ગયા હતા. હાઈકોર્ટે રાહત આપતા 1 માર્ચ, 2026 સુધીમાં તમામ જરૂરી પરવાનગીઓ મેળવી લેવાનો આદેશ કર્યો હતો અને તે સમય સુધી મનપા દ્વારા સીલ ખોલવામાં આવ્યું હતું
હાઈકોર્ટે આપેલી 1 માર્ચની મુદત પૂર્ણ થઈ હોવા છતાં સંચાલકો દ્વારા કોઈપણ પ્રકારની બી.યુ. પરમિશન કે ફાયર સેફ્ટીની પરવાનગી મેળવવામાં આવી નહોતી. મુદત પૂરી થતાની સાથે જ સ્ટે હટી જવાથી મહાનગરપાલિકાએ કાયદાની જોગવાઈ મુજબ કલમ 260 હેઠળ કાર્યવાહી શરૂ કરી હતી.
મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા બિનપરવાનગીથી કરાયેલ બાંધકામ દૂર કરવા માટે અંતિમ નોટિસ પાઠવવામાં આવી હતી. જોકે, સંચાલકો તરફથી કોઈ સંતોષકારક પ્રત્યુત્તર કે પુરાવા ન મળતા આખરે ડિમોલિશનનો નિર્ણય લેવાયો હતો.
આજરોજ શુક્રવારે આણંદ મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમ કાફલા સાથે જે.કે. લોટસ પાર્ટી પ્લોટ ખાતે પહોંચી હતી. જે ભાગમાં પરવાનગી વગર બાંધકામ કરવામાં આવ્યું હતું, તેને જેસીબી અને અન્ય સાધનોની મદદથી તોડી પાડવામાં આવ્યું છે. કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જરૂરી તકેદારી રાખવામાં આવી હતી. આ કાર્યવાહી દ્વારા મહાનગરપાલિકાએ શહેરના અન્ય બિનપરવાનગી ધારકોને પણ કડક સંદેશ પાઠવ્યો છે કે કાયદાનું ઉલ્લંઘન ચલાવી લેવામાં આવશે નહીં.
આણંદ મહાનગરપાલિકાની આ આકરી કાર્યવાહીથી ગેરકાયદેસર બાંધકામ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જનતાની સુરક્ષા અને ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરાવવા માટે તંત્ર હવે કોઈ પણ બાંધછોડ કરવાના મૂડમાં નથી તેમ જણાય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
