News of Friday, 13th March 2026
સ્પીપા ખાતે ‘અટલ વ્યાખ્યાનમાળા’ના સાતમા સંસ્કરણમાં રાષ્ટ્ર નિર્માણના વિઝન પર પ્રેરણાદાયી વ્યાખ્યાન યોજાયું
શિક્ષણ દ્વારા સામાજિક પરિવર્તન જ 'વિકસિત ભારત'નો પાયો: ડૉ. ચૈતન્ય દાણી:સુશાસનના અસરકારક અમલીકરણ માટે મુખ્ય વક્તા ડૉ. ચૈતન્ય દાણીએ "TILAK" માળખું રજૂ કર્યું

અમદાવાદના સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા) ખાતે સામાન્ય વહીવટ વિભાગ (ARTD) દ્વારા ‘અટલ વ્યાખ્યાનમાળા’નું સાતમું સંસ્કરણ સફળતાપૂર્વક યોજાયું હતું.
અટલ બિહારી વાજપેયીજીના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે જે.જી. યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ અને પ્રોવોસ્ટ ડૉ. ચૈતન્ય અચ્યુત રમેશચંદ્ર દાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શિક્ષણ અને સુશાસનના માધ્યમથી 'વિકસિત ભારત'ના લક્ષ્યને સાકાર કરવા અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
વ્યાખ્યાન દરમિયાન ડૉ. ચૈતન્ય દાણીએ જણાવ્યું હતું કે શિક્ષણ એ એકમાત્ર એવી શક્તિ છે જે સમાજમાં વ્યાપક પરિવર્તન લાવી શકે છે. અટલ બિહારી વાજપેયીજીના વિચારોને ટાંકીને તેમણે ઉમેર્યું કે આ વિચારધારા જ વડાપ્રધાન મોદીના વર્ષ 2047 સુધીના 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવાનો મુખ્ય આધાર છે. તેમણે વધુમાં જણાવ્યું કે શિક્ષણ એ માત્ર ડિગ્રી મેળવવા પૂરતું સીમિત ન હોવું જોઈએ, પરંતુ તે રાષ્ટ્ર નિર્માણ, ચારિત્ર્ય નિર્માણ અને સંવેદનશીલ નાગરિકોના ઘડતરનું માધ્યમ બનવું જોઈએ.
શિક્ષણ ક્ષેત્રે સુશાસન વિશે વાત કરતા ડૉ. દાણીએ જણાવ્યું કે શાસન વ્યવસ્થાએ હવે ચુસ્ત નિયંત્રણના બદલે પરસ્પર સંવેદના અને સામૂહિક જવાબદારી તરફ વળવું જોઈએ. આજના યુગમાં નેતૃત્વની સાચી વ્યાખ્યા માત્ર સૂચનાઓ આપવી નહીં, પરંતુ વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડવાની છે તેમ જણાવતા તેમણે સુશાસનના અમલીકરણ માટે "TILAK" માળખું રજૂ કર્યું હતું.
આ માળખામાં પારદર્શિતા, સર્વસમાવેશકતા, લાંબા ગાળાનું આયોજન, જવાબદારી અને માયાળુતાના પાંચ સ્તંભોનો સમાવેશ થાય છે. ડૉ. દાણીએ સમજાવ્યું કે સર્વસમાવેશકતા એ સુનિશ્ચિત કરે છે કે પ્રગતિના ફળ 'શહેરી ભારત' અને 'ગ્રામીણ ભારત' બંને સુધી સમાન રીતે પહોંચે.
ટેકનોલોજીના મહત્વ પર પ્રકાશ પાડતા તેમણે ઉમેર્યું કે ટેકનોલોજી વહીવટી વિલંબ ઘટાડવા અને સચોટ નિર્ણયો લેવા માટેનું સશક્ત માધ્યમ છે, પરંતુ તેનો ઉપયોગ માનવીય સ્પર્શ અને શિક્ષક-વિદ્યાર્થી વચ્ચેના સંવાદને જીવંત રાખવા માટે થવો જોઈએ. આ પાયાના સ્તંભો દ્વારા જ એવું શૈક્ષણિક વાતાવરણ ઊભું કરી શકાશે જે દરેક નાગરિકને રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન આપવા સશક્ત બનાવશે.
ઉલ્લેખનીય છે કે મુખ્ય વક્તા ડૉ. ચૈતન્ય દાણી શિક્ષણ અને ઉદ્યોગ જગતમાં 21 વર્ષથી વધુનો બહોળો અનુભવ ધરાવે છે અને તેમણે હજારો વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. એક પ્રતિષ્ઠિત લેખક અને સ્ટાર્ટઅપ મેન્ટર તરીકે સેવા આપતા ડૉ. દાણીને તેમની વિશિષ્ટ સેવાઓ બદલ 'ભારત જ્યોતિ એવોર્ડ' અને 'ભારત ગૌરવ એવોર્ડ' જેવા પ્રતિષ્ઠિત સન્માન પ્રાપ્ત થયા છે.
આ કાર્યક્રમ સ્પીપાના ડાયરેક્ટર જનરલ હારિત શુક્લા અને ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સી.સી. કોટકના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
આ પ્રસંગે સ્પીપાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સી.સી. કોટક, નોલેજ મેનેજર ઋતા ભટ્ટ, જોઇન્ટ ડાયરેક્ટર (રેવન્યુ) એ.એ. ડોડિયા, નાયબ નિયામક (હિસાબ) હાર્દિક પ્રજાપતિ, મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ ધરતી શાહ સહિત સંસ્થાના ઉચ્ચ અધિકારીઓ, તાલીમાર્થીઓ અને શિક્ષણ જગતના મહાનુભાવો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
(8:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
