તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 14th March 2026
અમદાવાદના ભદ્રકાળી પાસે પાથરણા વાળાને ફરી બેસાડવા પડશે :હાઈકોર્ટનો મોટો ચુકાદો
હાઈકોર્ટે આદેશમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ભદ્ર પ્લાઝા વિસ્તારમાંથી જે પાથરણા વાળાને હટાવવામાં આવ્યા હતા, તેમને આગામી 21 માર્ચ સુધીમાં ફરીથી ત્યાં સ્થાપિત કરવા પડશે

અમદાવાદના ઐતિહાસિક ભદ્ર વિસ્તારમાં પાથરણા પાથરીને રોજગારી મેળવતા નાના ફેરિયાઓ માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) એક મહત્વપૂર્ણ સુનાવણી દરમિયાન પાથરણા વાળાના પક્ષમાં ચુકાદો આપતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કડક સૂચનાઓ આપી છે.
હાઈકોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ભદ્ર પ્લાઝા વિસ્તારમાંથી જે પાથરણા વાળાને હટાવવામાં આવ્યા હતા, તેમને આગામી 21 માર્ચ સુધીમાં ફરીથી ત્યાં સ્થાપિત કરવા પડશે. કોર્ટે નોંધ્યું હતું કે ગરીબ પરિવારોની રોજીરોટી આ પાથરણા સાથે જોડાયેલી છે, તેથી તેમને લાંબો સમય બેરોજગાર રાખી શકાય નહીં. AMC એ 21 માર્ચ સુધીમાં તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી ફેરિયાઓને તેમની જગ્યા પર બેસાડવા પડશે.
કોર્ટે તેના ચુકાદામાં સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા સાથે ફેરિયાઓના હિતનું પણ રક્ષણ કર્યું છે. આદેશ મુજબ, હવે AMC ના અધિકારીઓ ભદ્ર પ્લાઝા એરિયામાંથી પાથરણા વાળાને બળજબરીપૂર્વક હટાવી શકશે નહીં. આ નિર્ણયથી સેંકડો પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જેઓ લાંબા સમયથી કોર્પોરેશનની કામગીરી સામે ન્યાયની આશા રાખતા હતા.
સુનાવણી દરમિયાન AMC ના અધિકારીઓ સામે પગલાં લેવાની પણ માંગ ઉઠી હતી. જોકે, હાઈકોર્ટે અત્યારે નરમ વલણ અપનાવતા સ્પષ્ટ કર્યું છે કે હાલના તબક્કે કોઈ અધિકારી સામે એક્શન લેવામાં આવશે નહીં. પરંતુ, જો ભવિષ્યમાં પાથરણા વાળા દ્વારા કોઈ ચોક્કસ રજૂઆત કરવામાં આવશે અથવા કોર્ટના આદેશનું ઉલ્લંઘન જણાશે, તો જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરના પગલાં લેવાની તૈયારી પણ કોર્ટે દર્શાવી છે.
આ કેસમાં હાઈકોર્ટે કાયદાકીય પાસાઓની સાથે માનવીય સંવેદનાને પણ મહત્વ આપ્યું છે. પાથરણા વાળાની આર્થિક સ્થિતિ અને તેમની રોજીરોટીને ધ્યાને રાખીને આ મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. ભદ્રના કિલ્લા પાસેના આ પરિસરમાં વર્ષોથી વેપાર કરતા લોકો માટે આ જીત સમાન છે. હવે જોવાનું એ રહેશે કે 21 માર્ચ સુધીમાં AMC આ આદેશનું પાલન કેવી રીતે કરે છે.
(12:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
