તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th March 2026
અમદાવાદ ગ્રામ્યના હોમગાર્ડ કણભા યુનિટ મુદ્દે RTIમાં મોટો ખુલાસો :દુષ્યંત ગોહેલ અને પ્રકાશ ગોહેલને કરાયા સસ્પેન્ડ
છેડતી, મારામારીની ફરિયાદને ગંભીરતાથી લેતાં અમદાવાદ ગ્રામ્યના જિલ્લા કમાન્ડર વી.સી. દવે દ્વારા તાત્કાલિક પગલાં લેવાયા

અમદાવાદ ગ્રામ્ય હોમગાર્ડઝ વિભાગમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી વહિવટી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના આક્ષેપોએ હવે જોર પકડ્યું છે. ખાસ કરીને અમદાવાદના કણભા યુનિટ મુદ્દે કરવામાં આવેલી એક RTI માં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો છે, જેને પગલે સમગ્ર વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.
હોમગાર્ડમાં ફરજ બજાવતા જવાન મહેશભાઈ તિરગર દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે યુનિટમાં જવાનોની ખોટી હાજરી બતાવીને સરકારી નાણાંનું મોટાપાયે કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ વિગતો બહાર આવતા જ શિસ્તભંગના ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. નિકોલ પોલીસ સ્ટેશનમાં છેડતીની અને મારામારી મામલે FIR નોંધાયા બાદ તપાસનો ધમધમાટ તેજ થયો છે.
છેડતી, મારામારીની ફરિયાદને ગંભીરતાથી લેતાં અમદાવાદ ગ્રામ્યના જિલ્લા કમાન્ડર વી.સી. દવે દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. વિવાદિત કંપની કમાન્ડર દુષ્યંત ગોહેલ અને પ્રકાશ ગોહેલને શિસ્તભંગ બદલ તાત્કાલિક અસરથી ફરજમોકૂફ કરાયા છે. વિભાગ દ્વારા આ બંને સામે આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ નિર્દેશો જારી કરવામાં આવ્યા છે.
કણભા યુનિટમાં શિસ્ત અને પારદર્શિતા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા નવા ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવી છે. કણભા યુનિટનો વહિવટી ચાર્જ હવે ચિંતનસિંહ પરમારને સોંપવામાં આવ્યો છે. વિભાગીય સૂત્રોના જણાવ્યા અનુસાર, જો આ મામલે તટસ્થ અને ઊંડી તપાસ કરવામાં આવે તો હજુ પણ અનેક મોટા માથાઓના નામ બહાર આવવાની અને અન્ય યુનિટોમાં પણ ચાલતી ગેરરીતિઓ ખુલ્લી પડવાની શક્યતાઓ છે.
RTI કરનાર અરજદારે માત્ર સસ્પેન્શનથી સંતોષ ન માનતા પ્રબળ માગ કરી છે કે, જે સરકારી નાણાંનો દુરુપયોગ થયો છે તેની રિકવરી કરવામાં આવે. દોષિતો સામે કાયદેસરના પગલાં ભરી તેમને કડક સજા કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ આવું સાહસ ન કરે. હવે જોવાનું એ રહે છે કે શું તંત્ર દ્વારા 'એક્શન ટેકન રિપોર્ટ' રજૂ કરીને ભ્રષ્ટાચારીઓ સામે કોઈ મોટી મિસાલ કાયમ કરવામાં આવશે કે કેમ?
(12:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
