<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

આબુ પાર્ટીમાં લઇ જઇ યુવકે સગીરા પર રેપ કર્યોઃ અન્‍યએ અડપલાં કર્યા

સગીર દીકરીઓને મિત્રના ભરોસે ફરવા મોકલનારા વાલી માટે ચેતવણીરૂપ કિસ્‍સો - સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં પોલીસે ફરિયાદ નોંધી

અમદાવાદ,તા.૧૪: સગીર દીકરીઓને તેની મિત્રના ભરોસે ફરવા મોકલી દેનાર માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્‍સો પ્રકાશમાં આવ્‍યો છે. શહેરમાં રહેતી સગીરાને ઇન્‍સ્‍ટાગ્રામ મારફતે અન્‍ય સગીરા સાથે સંપર્ક થયો હતો. બાદમાં આ સગીરાને ૩૧ ડિસેમ્‍બરની પાર્ટી માટે માઉન્‍ટ આબુ લઇ જવામાં આવી હતી. જ્‍યાં ભોગ બનનાર સગીરાને કોલ્‍ડડ્રીંક પીવડાવતા તે બેહોશ થઇ ગઇ હતી. રૂમમાં રહેલા એક યુવકે સગીરા પર બળાત્‍કાર ગુજાર્યો હતો. જ્‍યારે ઇન્‍સ્‍ટાગ્રામથી ફ્રેન્‍ડ બનેલી સગીરાએ પણ ગુપ્ત ભાગોએ અડપલાં કર્યા હતા. થોડા સમય પહેલા આ વીડિયો વાયરલ થતાં ભોગ બનનાર સગીરાને સમગ્ર ઘટનાની જાણ થઇ હતી. જેથી આ મામલો પોલીસ સમક્ષ પહોંચતા રાણીપ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 

રાણીપમાં રહેતી ૧૭ વર્ષીય સગીરાને એકાદ વર્ષ પહેલા ઇન્‍સ્‍ટાગ્રામ મારફતે ૧૪ વર્ષીય સગીરા સાથે મિત્રતા થઇ હતી. બંને એકબીજા સાથે વાતચીત કરતા હતા. ત્‍યારે ગત ૩૦ ડિસેમ્‍બરે ૧૪ વર્ષીય સગીરાએ ભોગ બનનારને ફોન કરીને માઉન્‍ટ આબુ ખાતે થર્ટી ફર્સ્‍ટની પાર્ટી ઉજવવા મિત્રો સાથે જવા જણાવ્‍યું હતું. ભોગ બનનાર સગીરા તૈયાર થઇ ગઇ હતી અને રાત્રે રિક્ષામાં બેસીને ઝુંડાલ પહોંચી હતી. જ્‍યાં સગીરા તેના મિત્ર સાથે ભોગ બનનારને લેવા ગયા હતા. સગીરાને લઇને બંને કલોલ પહોંચ્‍યા હતા. ત્‍યાંથી બુક કરાવેલી ટ્રેનમાં બેસીને તમામ લોકો માઉન્‍ટ આબુ પહોંચ્‍યા હતા. ૩૧મીએ સવારે માઉન્‍ટ આબુ પહોંચીને બુક કરાવેલી હોટલમાં રોકાયા હતા. બપોરના સમયે ત્‍યાં હાજર તમામ લોકો પાર્ટી કરી રહ્યા હતા. ત્‍યારે સગીરા અને તેના મિત્રએ ભોગ બનનાર સગીરાને અલગ રૂમમાં પાર્ટી કરવાનું કહેતા ત્રણેય અલગ રૂમમાં ગયા હતા.

રૂમમાં ગયા બાદ સગીરા અને તેનો મિત્ર બિયર પીતા હતા અને ભોગ બનનારને કોલ્‍ડડ્રીંક્‍સ પીવા માટે આપ્‍યું હતું. જે પીધા બાદ સગીરાને ઘેન ચઢ્‍યું હતું. જ્‍યારે તે ભાનમાં આવી ત્‍યારે કપડાં વિખરાયેલા હતા અને પોતાની સાથે કંઈક અજુગતુ થયું હોવાનું લાગતા તે એકલી ટ્રેનમાં બેસીને પરત અમદાવાદ આવી ગઈ હતી. આ દરમિયાનમાં ગત તા. ૧૧ માર્ચે સગીરાની એક મિત્રએ ઈન્‍સ્‍ટાગ્રામમાં ન્‍યૂડ વીડિયો વાયરલ કર્યો હોવાની જાણ કરી હતી. ભોગ બનનાર સગીરાએ વીડિયો જોતા જ તેના હોશ ઉડી ગયા હતા. આ વીડિયો આબુનો હતો અને જે રૂમમાં તે તેની સગીર મિત્ર તથા યુવક સાથે બેઠી હતી ત્‍યારે તેની બેભાન અવસ્‍થાનો લાભ લઈને આરોપીએ દુષ્‍કર્મ ગુજાર્યું હતું. તેમજ ૧૪ વર્ષીય સગીરાએ ભોગ બનનારના ગુપ્ત ભાગો પર અડપલાં કર્યા હતા. ઘટનાનો વીડિયો જોયા બાદ તેણે પરિવારને જાણ કરી હતી. મામલો પોલીસ સમક્ષ પહોંચતા રાણીપ પોલીસે સગીરા અને તેના મિત્ર સામે ગુનો નોંધી નોંધી તપાસ હાથ ધરી છે.

(10:22 AM IST)