News of Saturday, 14th March 2026
ધરમપુર સ્થિત આધ્યાત્મિક ધામ શ્રીમદ્ રાજચંદ્ર મિશનની પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ લીધી મુલાકાત
પૂજ્ય ગુરુદેવ રાકેશજીના માર્ગદર્શનમાં ચાલતી માનવ સેવા અને સાધનાની પ્રવૃત્તિઓને જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રેરણાદાયી ગણાવી; પવિત્ર ભૂમિ પર દિવ્ય શાંતિનો અનુભવ કર્યો

ધરમપુર: ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ તેમના પ્રવાસ દરમિયાન આધ્યાત્મિક ચેતનાના કેન્દ્ર સમાન ધરમપુર સ્થિત શ્રીમદ્ રાજચંદ્ર મિશનની મુલાકાત લીધી હતી. આ પાવન ધામ ખાતે તેમણે પરમ પૂજ્ય શ્રીમદ્ રાજચંદ્રજીના ચરણોમાં શીશ ઝુકાવી વંદન કર્યા હતા. મુલાકાત દરમિયાન તેમણે આશ્રમની વિવિધ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું અને આધ્યાત્મિક વાતાવરણમાં સમય વિતાવ્યો હતો.
માનવ સેવા અને ઉચ્ચ આદર્શોનો સંગમ
મુલાકાત બાદ પોતાના અનુભવો વ્યક્ત કરતા જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, આ પવિત્ર ભૂમિની દિવ્યતા અને અહીં વ્યાપ્ત અસીમ શાંતિનો અનુભવ મનને નવી પ્રસન્નતા અને જીવનને ધન્યતાની અનુભૂતિ કરાવે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, શ્રીમદ્ રાજચંદ્રજીએ આપેલા ઉચ્ચ આદર્શો અને પૂજ્ય ગુરુદેવ રાકેશજીના કુશળ માર્ગદર્શન હેઠળ અહીં જે રીતે સાધનાની સાથે સાથે માનવ સેવાની પ્રવૃત્તિઓ ધમધમી રહી છે, તે સમાજ માટે સાચા અર્થમાં પ્રેરણાદાયી છે. મિશન દ્વારા કરવામાં આવતા સેવાકીય કાર્યોની તેમણે મુક્ત કંઠે પ્રશંસા કરી હતી.
મંત્રી અને સાંસદ સહિતના આગેવાનોની ઉપસ્થિતિ
આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષની સાથે રાજ્ય સરકારના મંત્રી નરેશભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી ડૉ. પ્રશાંતભાઈ કોરાટ તેમજ સાંસદ ધવલભાઈ પટેલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સ્થાનિક સંગઠનના વિવિધ પદાધિકારીઓ, ભાજપના વરિષ્ઠ આગેવાનો અને અગ્રણીઓએ પણ મિશનની મુલાકાત લીધી હતી.
ગુજરાત પ્રદેશ ભાજપ મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, પ્રદેશ અધ્યક્ષના આ પ્રવાસમાં આધ્યાત્મિક મુલાકાતનું વિશેષ મહત્વ રહ્યું હતું. સંગઠનાત્મક કાર્યોની વ્યસ્તતા વચ્ચે તેમણે આધ્યાત્મિકતા અને સેવાનો સંદેશ આપતા આ કેન્દ્રની મુલાકાત લઈ કાર્યકરોને પણ લોકસેવાની પ્રેરણા પૂરી પાડી હતી. આ મુલાકાત દરમિયાન મિશનના હોદ્દેદારો દ્વારા તેમને સંસ્થાની વિવિધ સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા.
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
