News of Saturday, 14th March 2026
ધરમપુરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માનું વિરાટ બૂથ સંમેલન: "મેરા બૂથ સબસે મજબૂત" ના મંત્ર સાથે કાર્યકરોને ચૂંટણીના મેદાનમાં ઉતરવા લલકાર
નરેન્દ્રભાઈ મોદીની સરકારે આદિવાસી સમાજને ગૌરવ અપાવ્યું; ૬૦ વર્ષ સુધી સમાજને માત્ર વોટબેંક ગણનારી કોંગ્રેસ પાસે હવે ઉમેદવારો પણ નથી

ધરમપુર: ગુજરાત પ્રદેશ ભાજપના ત્રિદિવસીય સંગઠનાત્મક પ્રવાસના બીજા દિવસે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આયોજિત વિશાળ બૂથ કાર્યકર્તા સંમેલનને સંબોધિત કર્યું હતું. "જય આદિવાસી" ના નાદ સાથે સંબોધનની શરૂઆત કરતા તેમણે બૂથ પ્રમુખો અને શક્તિ કેન્દ્રના સંયોજકોને મંચ પર સ્થાન આપી કાર્યકરોનું સન્માન વધાર્યું હતું. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ભાજપ માટે જિલ્લા પ્રમુખ અને બૂથ પ્રમુખ બંને સમાન મહત્વની બે આંખો સમાન છે.
આદિવાસી કલ્યાણ અને વિકાસના કામોની વિગતો
જગદીશભાઈ વિશ્વકર્માએ વિપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસે ૬૦ વર્ષ સુધી આદિવાસી સમાજને ભ્રમિત કરી માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કર્યો છે. આઝાદીના દાયકાઓ પછી પણ આદિવાસીઓ માટે અલગ મંત્રાલય નહોતું, જે વર્ષ ૧૯૯૮માં અટલ બિહાર વાજપેયીની સરકારે બનાવ્યું. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં આદિવાસી વિકાસ માટે ૩૫ હજાર કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. અંબાજીથી ઉમરગામ સુધીના પટ્ટામાં શિક્ષણ, કૃષિ અને સિંચાઈ ક્ષેત્રે ક્રાંતિ આવી છે. ગુજરાત દેશનું એવું પ્રથમ રાજ્ય બન્યું છે જેણે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની આવક મર્યાદા ૨.૫ લાખથી વધારી ૬ લાખ કરી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અપમાન મુદ્દે મમતા બેનર્જી પર પ્રહાર
પ્રદેશ અધ્યક્ષે આદિવાસી ગૌરવની વાત કરતા ભાવુકતા સાથે જણાવ્યું કે, ભાજપે એક સામાન્ય પરિવારની દીકરી દ્રૌપદી મુર્મુજીને દેશના સર્વોચ્ચ પદે બિરાજમાન કર્યા છે. જ્યારે ભાજપના કાર્યકરો તેમને મળવા ગયા ત્યારે તેઓ પોતાનું આંગણું સાફ કરી રહ્યા હતા, તે જ ભાજપનો સાચો આદર છે. જોકે, પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રોટોકોલ તોડી રાષ્ટ્રપતિનું જે અપમાન કર્યું છે, તેને દેશનો આદિવાસી સમાજ ક્યારેય માફ નહીં કરે. તેમણે વધુમાં ઉમેર્યું કે ભગવાન નરસિંહ મહેતાનું મામેરું કરવા આવ્યા હતા તેમ જનતાના દુઃખના સમયે હંમેશા 'કમળ' વાળો કાર્યકર જ મદદે દોડી આવે છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને બહુરૂપિયા તત્વોથી સાવધ રહેવા સૂચન
આગામી ૧૦ હજારથી વધુ બેઠકો પર યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાસે આજે લડવા માટે પૂરતા ઉમેદવારો કે કાર્યકરો પણ બચ્યા નથી. ચૂંટણી સમયે જ દેખાતા કોંગ્રેસ અને અન્ય પક્ષોના 'બહુરૂપિયા' તત્વોથી સાવધ રહેવા તેમણે સીતા માતાના અપહરણનું ઉદાહરણ આપી કાર્યકરોને ચેતવ્યા હતા. નેત્રંગ અને નર્મદામાં મોટી સંખ્યામાં આદિવાસીઓ ભાજપમાં જોડાયા હોવાનો ઉલ્લેખ કરી તેમણે દક્ષિણના કાશી સમાન ધરમપુરના વિલસન હિલને પણ ભવ્ય રીતે વિકસાવવાની ખાતરી આપી હતી.
આ વિશાળ સંમેલનમાં રાજ્ય સરકારના મંત્રી કનુભાઈ દેસાઈ, નરેશભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી ડો. પ્રશાંતભાઈ કોરાટ, સાંસદ ધવલભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા, જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ સહિત મોટી સંખ્યામાં ધારાસભ્યો અને હજારોની સંખ્યામાં બૂથ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે પ્રદેશ અધ્યક્ષે તમામ કાર્યકરોને સરકારની જનકલ્યાણકારી યોજનાઓ દરેક મતદાર સુધી પહોંચાડવા આહ્વાન કર્યું હતું.
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
