<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

ગુજરાત રાજ્યમાં શિક્ષણના સર્વાંગી વિકાસ માટે ₹૬૩,૧૮૪ કરોડનું સર્વાધિક બજેટ:શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા : ૫૦૦થી વધુ સંખ્યા ધરાવતી શાળાઓમાં ૧,૧૪૧ વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરાશે : આદિજાતિ વિસ્તારોમાં ધોરણ-૧૧ ના નવા ૫૦ વર્ગો અને ૨૫ સરકારી કોલેજો બનશે 'આદર્શ કોલેજ'

૧૧ લાખ દીકરીઓ માટે ₹૧,૨૫૦ કરોડની 'નમો લક્ષ્મી' યોજના અને શાળાઓમાં ૪૮,૦૧૩ નવા વર્ગખંડોનું નિર્માણ : ૧૬ નવી સરકારી કોલેજોની જાહેરાત અને 'i-Hub' મારફતે સ્ટાર્ટઅપ્સ માટે ₹૮૦ કરોડની ફાળવણી : ૧.૧૦ લાખ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ₹૪૦૦ કરોડની MYSY સહાય અને NCC એકેડેમી માટે ₹૩૯ કરોડની જોગવાઈ : એલ.ડી. ઈજનેરી કોલેજમાં 'રિસર્ચ પાર્ક' બનાવાશે: મોરબીની ઐતિહાસિક એલ.ઈ. કૉલેજનું હેરિટેજ રિસ્ટોરેશન કરાશે :વર્ષ ૨૦૨૬-૨૭ માટેની શિક્ષણ વિભાગની અંદાજપત્રીય માગણીઓ વિધાનસભામાં પસાર

અમદાવાદ તા.૧૪:વિધાનસભા ખાતે વર્ષ ૨૦૨૬-૨૭ માટેની શિક્ષણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પર ચર્ચા કરતાં શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'વિકસિત ભારત @૨૦૪૭'ના સ્વપ્નને સાકાર કરવાના ઉદ્દેશ સાથે રાજ્યનો શિક્ષણ વિભાગ નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યો છે.

તેમણે કહ્યું કે માનવ નિર્માણ અને વિકાસના પાયા મજબૂત કરવાના સંકલ્પ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય સરકાર કામ કરી રહી છે. આ માટે શિક્ષણ વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલી ₹૬૩,૧૮૪ કરોડની સર્વાધિક અંદાજપત્રીય માંગણીઓ એ માત્ર આંકડાકીય જોગવાઈ નથી, પરંતુ લાખો વિદ્યાર્થીઓના સપનાઓને સાકાર કરવાનું મહત્ત્વનું માધ્યમ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

રાજ્યમાં પ્રાથમિક શિક્ષણમાં કરવામાં આવેલા ક્રાંતિકારી સુધારા વિશે વાત કરતાં ડૉ. વાજાએ કહ્યું કે, રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ જેવા અભિયાનોને કારણે વર્ષ ૧૯૯૫માં જે ડ્રોપ આઉટ રેશિયો ૫૧.૨૨ ટકા હતો, તે ઘટીને ૨.૩૫ ટકા જેટલો નીચો આવ્યો છે. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ રાજ્યની શાળાઓને સ્માર્ટ ક્લાસરૂમ, ડિજિટલ લેબોરેટરી અને આધુનિક લાઈબ્રેરીથી સજ્જ કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે વર્ષ ૨૦૨૫-૨૬માં બાલવાટિકા અને ધોરણ-૧માં કુલ ૧૦ લાખથી વધુ વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે, જે સરકારી શિક્ષણ પરના વધતા વિશ્વાસનું પ્રતીક છે. શિક્ષકોની ઘટ પૂરી કરવા માટે વર્ષ ૨૦૧૦ થી ૨૦૨૩ સુધીમાં કુલ ૫૮,૮૦૧ વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવી છે અને આગામી સમયમાં ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડર મુજબ પ્રક્રિયા ચાલુ રહેશે.

આ જ પ્રકારે, કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા 'નમો લક્ષ્મી યોજના' હેઠળ ૧૧ લાખથી વધુ દીકરીઓ માટે ₹૧૨૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજનાના અમલીકરણથી દીકરીઓની સંખ્યામાં ૬.૭૫ ટકાનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

તેવી જ રીતે વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા 'નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના' હેઠળ ₹૨૫૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ અને રક્ષા શક્તિ સ્કૂલ્સ દ્વારા વિશ્વકક્ષાનું શિક્ષણ આપવાનું આયોજન છે.

ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણમાં રોજગાર અને સંશોધન પર ભાર મૂકતા તેમણે જણાવ્યું કે, ટેકનિકલ શિક્ષણમાં ગુજરાત દેશનું અગ્રેસર રાજ્ય બન્યું છે. 'મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના' (MYSY) અંતર્ગત ૧.૧૦ લાખ વિદ્યાર્થીઓ માટે ₹૪૦૦ કરોડની સહાય જાહેર કરવામાં આવી છે. જ્યારે રાજ્યની ૨૫ સરકારી કૉલેજોને 'આદર્શ કૉલેજ' તરીકે વિકસાવવા માટે ₹૫૦ કરોડની ફાળવણી કરાઈ છે. 

ડૉ. વાજાએ કહ્યું કે સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત સતત પાંચ વર્ષથી 'બેસ્ટ પરફોર્મર' રહ્યું છે. i-Hub મારફતે સ્ટાર્ટઅપ્સને આંતરરાષ્ટ્રીય એક્સપોઝર મળે તે માટે ₹૮૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. Startup Srujan Seed Support (S4) કાર્યક્રમ અંતર્ગત નવીનતા અને વ્યવસાયિક ક્ષમતાના આધારે ૪૪૯ સ્ટાર્ટઅપ્સને કુલ રૂ.૨૮ કરોડની નાણાકીય સહાય આપવામાં આવી છે.RTE Act – 2009 હેઠળ આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને પણ ગુણવત્તાસભર શિક્ષણ મળે તે માટે કુલ ૪.૮૯ લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે ₹૮૨૭ કરોડથી વધુની જોગવાઈ અને પ્રાથમિક શાળાના બાવન લાખથી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવા ₹૧૧૮ કરોડથી વધુની જોગવાઈ કરવામાં આવી છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ૪૮,૦૧૩ નવા વર્ગખંડોના નિર્માણ માટે ₹૮૨૦૨ કરોડના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હોવાનું શિક્ષણમંત્રીએ ઉમેર્યું હતું.

આ સિવાય, વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં શિક્ષણ વિભાગ માટેના મહત્વપૂર્ણ નવા પ્રસ્તાવો અને જોગવાઈઓ આ મુજબ છે.

 

વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી

 

 ૫૦૦થી વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી સરકારી પ્રાથમિક શાળાઓમાં ૧,૧૪૧ વ્યાયામ શિક્ષકોની કાયમી નિમણૂક માટે નવી મંજૂરી આપવામાં આવી છે.

 

આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ

 

 

 આદિજાતિ વિસ્તારોમાં ધોરણ-૧૧ માટે સળંગ એકમ હેઠળ નવા ૫૦ વર્ગો શરૂ કરવાની નવી બાબત મંજૂર કરવામાં આવી છે (જૂન-૨૦૨૬ થી અમલી).

 

        નવી સરકારી કૉલેજો

 

 

 

વર્ષ ૨૦૨૬-૨૭થી રાજ્યમાં કુલ ૧૬ નવી સરકારી કોલેજો શરૂ કરવામાં આવશે અને ૮ હયાત કોલેજોમાં નવા શૈક્ષણિક પ્રવાહો શરૂ કરવામાં આવશે (જેમાં રાણપુર ખાતે નવી કોલેજનો સમાવેશ થાય છે).

 

 

 

એલ.ડી. ઈજનેરી કૉલેજનું આધુનિકીકરણ

 

 

 

 

 અમદાવાદની એલ.ડી. ઈજનેરી કૉલેજમાં 'રિસર્ચ પાર્ક' અને નવા 'બોયઝ હોસ્ટેલ બ્લોક' માટે કુલ ₹૧૦૨ કરોડની ફાળવણી.

 

એલ.ઈ. કૉલેજ મોરબી (પ્લેટિનમ જયંતી)

 

 

 મોરબીની ઐતિહાસિક એલ.ઈ. કૉલેજના હેરિટેજ રિસ્ટોરેશન અને સ્ટેટ ઓફ ધ આર્ટ લેબોરેટરી માટે ₹૩૫ કરોડની ખાસ જોગવાઈ.

 

કૉલેજોમાં ફિટનેસ અને માનસિક સ્વાસ્થ્ય

 

 

 

 સરકારી કૉલેજોમાં પ્લેગ્રાઉન્ડ વિકાસ અને ઇન્ડોર જીમ માટે ₹૪૦ કરોડ તથા વિદ્યાર્થીઓના કાઉન્સેલિંગ માટે ₹૪.૬૯ કરોડની નવી જોગવાઈ

 

NCC એકેડેમી અને નગર

 

 

 રાજકોટમાં NCC એકેડેમી માટે ₹૩૦.૭૯ કરોડ અને આણંદમાં 'NCC નગર' વિકસાવવા માટે ₹૮.૪૦ કરોડનો પ્રસ્તાવ.રાજ્ય સરકાર પ્રતિભાશાળી ૧ લાખ વિદ્યાર્થીઓને વધુ આગળ વધવા માટે “મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના” હેઠળ અંદાજિત રૂપિયા ૧૦૦ કરોડની જોગવાઈ .રાજ્યમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ મજબૂત બનાવવા માટે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સલન્સ માટે ₹૨૨૨ કરોડની જોગવાઈ.રાજ્યમાં શિસ્ત, સુરક્ષા અને રાષ્ટ્રપ્રેમના મૂલ્યો સાથે સૈનિક સ્કૂલ જેવું શિક્ષણ આપવા માટે ૮ રક્ષા શક્તિ સ્કૂલ્સ માટે રૂપિયા ૧૮.૧૫ કરોડની જોગવાઈ કરી છે.

શહીદ જવાનોના સંતાનો, શ્રમિક પરિવારોના બાળકો, અનાથ બાળકો, વિધવા અથવા ત્યક્તા મહિલાઓના સંતાનો માટે મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનાના ૩૫૦૦ વિદ્યાર્થીઓ માટે રૂ. ૪૫ કરોડની જોગવાઈ.સંશોધનને પ્રોત્સાહન આપવા SHODH યોજના મટે રૂ. ૨૦ કરોડની જોગવાઈ.વિદ્યાર્થીઓમાં રોજગારક્ષમતા વધારવા માટે રાજ્યમાં Finishing School Project હેઠળ ૨૩,૦૦૦ વિદ્યાર્થીઓને તાલીમ આપવાના લક્ષ્યાંક સાથે રૂ. ૮.૫૦ કરોડની જોગવાઈ 

 

પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન (PM-USHA) માટે રૂ.૬૦.૮૯ કરોડની જોગવાઈ

 

 

 

 

(IMPACT) યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાથે સીધા જોડવા અને તેમની રોજગાર ક્ષમતા વધારવા IBM, Wadhwani, CIPET, IGTR અને ESSC જેવી ૧૭ પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે MOU કરવામાં આવ્યા

આમ, વિધાનસભા ગૃહમાં શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ રજૂ કરેલી શિક્ષણ વિભાગની ₹૬૩,૧૮૪ કરોડની અંદાજપત્રીય માગણીઓ પસાર કરવામાં આવી હતી.

(4:16 PM IST)