તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th March 2026
મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાના વ્યાપમાં મોટો વધારો: ગૌશાળા-પાંજરાપોળની નોંધણીની સમયમર્યાદા લંબાવવાનો ભૂપેન્દ્રભાઈ પટેલનો ઐતિહાસિક નિર્ણય
૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી નોંધાયેલી સંસ્થાઓને મળશે પશુ દીઠ દૈનિક રૂ. ૩૦ની આર્થિક સહાય; રાજ્યની અનેક નવી સંસ્થાઓને લાભ આપવા નોંધણીની સમયમર્યાદામાં કરાયો ફેરફાર, પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીએ આપી વિગતવાર માહિતી

ગાંધીનગર:ગુજરાતના પશુપાલકો અને ગૌસેવા કરતી સંસ્થાઓના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને ઉમદા નિર્ણય લીધો છે. રાજ્યના પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, “મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના” હેઠળ સહાય મેળવવાની પાત્રતાના નિયમોમાં મહત્ત્વપૂર્ણ સુધારો કરીને રાજ્યની વધુમાં વધુ પાંજરાપોળ-ગૌશાળાને આ યોજના હેઠળ આવરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ સુધીની નોંધણીને પાત્રતા
પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીએ વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, આ યોજનાના જૂના નિયમ મુજબ જે સંસ્થાઓની નોંધણી પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ ૩૧ માર્ચ, ૨૦૨૨ પહેલા થઈ હોય તેમને જ સહાય મળવાપાત્ર હતી. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ પછી નોંધાયેલી ગૌશાળા-પાંજરાપોળને આ સહાય ન મળતી હોવાથી અનેક સંસ્થાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતોને હકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રીએ ઉદાર અભિગમ દાખવી મર્યાદા વધારવાનો નિર્ણય કર્યો છે. હવે આગામી નાણાકીય વર્ષ એટલે કે ૧ એપ્રિલ, ૨૦૨૬થી, જે સંસ્થાઓની નોંધણી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં થયેલી હશે, તેવી તમામ સંસ્થાઓ આ સહાય મેળવવા માટે પાત્ર ગણાશે.
ત્રણ વર્ષમાં ૧,૩૬૪ કરોડની માતબર સહાય
ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અંબાજી ખાતેથી વર્ષ ૨૦૨૨-૨૩માં આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત પાંજરાપોળ-ગૌશાળાને પશુ નિભાવ માટે એક પશુ દીઠ દૈનિક રૂ. ૩૦ની આર્થિક સહાય આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૨-૨૩થી સપ્ટેમ્બર-૨૦૨૫ સુધીમાં રાજ્યની ૧૬૦૦થી વધુ સંસ્થાઓના ૪.૫૦ લાખથી વધુ પશુઓ માટે અત્યાર સુધીમાં કુલ રૂ. ૧,૩૬૪ કરોડ જેટલી માતબર રકમની સહાય ચૂકવવામાં આવી છે.
સેવાભાવી સંસ્થાઓને આર્થિક બળ
પશુપાલન મંત્રીએ ઉમેર્યું હતું કે, નોંધણીની સમયમર્યાદા વધારવાના કારણે રાજ્યની અનેક નવી ગૌસેવી સંસ્થાઓ આ યોજનાનો લાભ લઈ શકશે. ગૌશાળા અને પાંજરાપોળ દ્વારા પશુઓની જાળવણીની જે સેવાભાવી પ્રવૃત્તિ થાય છે, તેને આર્થિક બળ પૂરું પાડવાનો રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય આ નિર્ણયથી સાચા અર્થમાં ચરિતાર્થ થયો છે. આ નિર્ણયને કારણે નવી નોંધાયેલી સંસ્થાઓમાં આશ્રય લેતા અસંખ્ય પશુઓના નિભાવ માટે પણ હવે સરકારી સહાયનો માર્ગ મોકળો થયો છે.
(6:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
