<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

ડાંગમાં ભાજપનું વિરાટ બૂથ કાર્યકર્તા સંમેલન: જગદીશભાઈ વિશ્વકર્માએ દીકરીઓ સાથે પંગતમાં બેસી સહભોજન કર્યું અને નોટબુક વિતરણ કરી આશીર્વાદ આપ્યા

કોંગ્રેસે આદિવાસીઓને વોટબેંક ગણી ગુલામીની માનસિકતામાં રાખ્યા, જ્યારે ભાજપે વિકાસની મુખ્યધારામાં જોડ્યા; આહવા ખાતે ‘જય જોહર’ના નાદ સાથે કાર્યકર્તાઓને વિકાસગાથા જન-જન સુધી પહોંચાડવા આહ્વાન

આહવા:ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની ગરિમામય ઉપસ્થિતિમાં ડાંગ જિલ્લાના આહવા ખાતે વિશાળ ‘બૂથ કાર્યકર્તા સંમેલન’ યોજાયું હતું. આ પ્રસંગે તેમણે આદિવાસી સમાજના ઉત્થાન માટે થયેલા કાર્યોનો ચિતાર રજૂ કરતા કોંગ્રેસની દાયકાઓ જૂની નકારાત્મક નીતિઓની આકરી ટીકા કરી હતી.
દીકરીઓ સાથે પંગતમાં ભોજન અને સ્નેહ
બૂથ સંમેલન પૂર્વે જગદીશભાઈ વિશ્વકર્માએ વાંસદા તાલુકાના જામલીયા સ્થિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની મુલાકાત લીધી હતી. પ્રદેશ અધ્યક્ષે ત્યાં અભ્યાસ કરતી દીકરીઓ સાથે પંગતમાં બેસીને સહભોજન કર્યું હતું અને વિદ્યાર્થિનીઓને નોટબુકનું વિતરણ કરી તેમને શ્રેષ્ઠ કારકિર્દી બનાવી રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા માટે ઉજ્જવળ ભવિષ્યના આશીર્વાદ પાઠવ્યા હતા.
ઐતિહાસિક અને સાંસ્કૃતિક ગૌરવની પુનઃસ્થાપના
આહવા ખાતે ‘જય જોહર’ના નાદ સાથે કાર્યકર્તાઓને સંબોધતા તેમણે જણાવ્યું કે, ડાંગની ધરતીનો ઇતિહાસ અતિ પ્રાચીન અને ગૌરવશાળી છે. ભગવાન શ્રી રામને આશરો આપનારી અને માતા શબરીના એંઠા બોરની સાક્ષી એવી આ શૌર્યવંત ધરતીનું મહાત્મ્ય ભાજપ સરકારે પુનઃસ્થાપિત કર્યું છે. તેમણે ઉમેર્યું કે વર્ષો સુધી ટેન્ટમાં રહેલા ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર અયોધ્યામાં બનવાથી સાંસ્કૃતિક ગૌરવ પુનઃસ્થાપિત થયું છે.
કોંગ્રેસની માનસિકતા પર આકરા પ્રહાર
કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, આઝાદીના દાયકાઓ સુધી કોંગ્રેસે આદિવાસી ભાઈ-બહેનોને માત્ર વોટબેંક તરીકે વાપર્યા છે. કોંગ્રેસની માનસિકતા એવી હતી કે જો આદિવાસી વર્ગ ભણી-ગણીને આગળ આવશે તો તેમની ગુલામી કોણ કરશે? પરંતુ નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલે આ સમાજને વિકાસની મુખ્યધારામાં લાવવાનું કાર્ય કર્યું છે. તેમણે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે, જ્યારે વિશ્વ યુદ્ધની સ્થિતિમાં છે ત્યારે કોંગ્રેસ માત્ર અફવાઓ ફેલાવી જનતાને ગેરમાર્ગે દોરી રહી છે.
૨૫ વર્ષમાં ડાંગનું પરિવર્તન
ડાંગની પ્રગતિનો ચિતાર આપતા તેમણે કહ્યું કે આજે ડાંગના દરેક ગામડા પાકા રસ્તાઓથી જોડાયેલા છે. આદિવાસી વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની આવક મર્યાદા ૨.૫ લાખથી વધારીને ૬ લાખ કરવામાં આવી છે. 'કમળના ફૂલ વાળી સરકાર' નળથી જળ, શૌચાલય, મફત અનાજ અને આયુષ્માન કાર્ડ દ્વારા ૧૦ લાખ સુધીની મફત સારવાર આપી રહી છે.
ભગવાન બિરસા મુંડાનું સાચું સન્માન ભાજપે કર્યું છે અને તેમના નામે યુનિવર્સિટી પણ બનાવી છે. ડાંગમાં પ્રવાસનને વેગ આપવા અને નાગલી પકવતા ખેડૂતોને યોગ્ય ભાવ અપાવવા સરકાર કટિબદ્ધ છે. ડાંગના વિકાસની ગાથા છેવાડાના માનવી સુધી પહોંચાડવા તેમણે કાર્યકર્તાઓને આહ્વાન કર્યું હતું.
આ સંમેલનમાં પ્રભારી મંત્રી જયરામભાઈ ગામિત, પ્રદેશ મહામંત્રી ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ, સાંસદ ધવલભાઈ પટેલ, જિલ્લા અધ્યક્ષ કિશોરભાઈ ગાવિત અને અન્ય આગેવાનો સહિત મોટી સંખ્યામાં બૂથ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(6:48 PM IST)