<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

સુરતમાં કાળઝાળ ગરમી વચ્ચે હૃદય હચમચાવતી ઘટના: "તડકામાં રમવા ન જતો" - માતાના આટલા ઠપકાથી માઠું લાગતા 14 વર્ષના કિશોરે કરી આત્મહત્યા

માતાની શિખામણ પુત્ર માટે કાળ બની: પાંડેસરામાં ધોરણ-8 ના વિદ્યાર્થીએ જીવ ટૂંકાવતા પરિવારમાં માતમ; નાની વાતે ઉશ્કેરાઈ જતી આજની પેઢીની માનસિકતા સામે મોટા સવાલો.

સુરત : સુરત શહેરમાંથી એક એવી ચોંકાવનારી અને આઘાતજનક ઘટના સામે આવી છે, જે સાંભળીને કોઈ પણ માતા-પિતાની આંખો ભીની થઈ જાય. શહેરના પાંડેસરા વિસ્તારમાં માત્ર તડકામાં બહાર રમવા જવાની ના પાડવા જેવી સામાન્ય બાબતે એક ૧૪ વર્ષના રુદ્રાંશે ગળેફાંસો ખાઈને પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. માતાએ પુત્રના ભલા માટે આપેલી શિખામણ તેને આટલી હદે માઠી લાગશે, તેવી કલ્પના પણ પરિવારે કરી ન હતી.
મળતી માહિતી મુજબ, પાંડેસરામાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા સંધ્યાબેન મિશ્રાનો પુત્ર રુદ્રાંશ ઉત્તર પ્રદેશમાં રહીને ધોરણ-૮ માં અભ્યાસ કરતો હતો અને થોડા સમય પહેલા જ સુરત આવ્યો હતો. શુક્રવારે બપોરે જ્યારે સુરતમાં આકરી ગરમી પડી રહી હતી, ત્યારે રુદ્રાંશ બહાર રમવા જવા માટે જીદ કરતો હતો. લૂ ન લાગે અને તબિયત ન બગડે તેવા હેતુથી માતાએ તેને ટોક્યો હતો. બસ, આટલી જ વાતમાં કિશોરે ઉશ્કેરાઈને ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો.
સહનશીલતા ખૂટી રહી છે?
જ્યારે માતાને આ કરૂણ ઘટનાની જાણ થઈ ત્યારે તેમના પર આભ તૂટી પડ્યું હતું. એકના એક લાડકવાયા પુત્રને ગુમાવનાર માતાની હાલત જોઈને પાડોશીઓ પણ હચમચી ઉઠ્યા હતા. પાંડેસરા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ શરૂ કરી છે. પરંતુ આ ઘટનાએ આજના ડિજિટલ યુગમાં બાળકોની ક્ષણિક આવેશમાં આવી જવાની વૃત્તિ અને ઓછી થઈ રહેલી સહનશીલતા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
તજજ્ઞોના મતે, આજના સમયમાં બાળકો સાથે મિત્રતાપૂર્ણ વ્યવહાર અને તેમની માનસિક સ્થિતિ સમજવી વાલીઓ માટે અનિવાર્ય બની ગઈ છે. માતા-પિતા બાળકોની સુરક્ષા માટે જ શિખામણ આપતા હોય છે, પણ તે ક્યારેક આવી ગંભીર કટોકટીમાં પરિણમે તે ખરેખર ચિંતાનો વિષય છે.

(7:06 PM IST)