તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th March 2026
ભરૂચમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂ. ૧૩૫૦ કરોડના ૧૩૯ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત: અંકલેશ્વર-રાજપીપલા હાઈસ્પીડ કોરિડોર તેમજ એર સ્ટ્રીપ ફેઝ-૨ સહિતના મેગા પ્રોજેક્ટ્સની ભેટ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસના કામો માટે નાણાની કમી નથી, ૨૦૦૧માં ૩૬ હજાર કરોડનું બજેટ આજે ૪ લાખ કરોડને પાર થયું: પ્રફુલભાઈ પાનશેરિયા, ઈશ્વરસિંહ પટેલ અને મનસુખભાઈ વસાવાની પ્રેરક ઉપસ્થિતિ

ભરૂચ:ભરૂચ જિલ્લાના સર્વાંગી વિકાસને નવી ગતિ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઝાડેશ્વર સ્થિત સ્વામિનારાયણ મંદિર સંકુલ ખાતેથી રૂ. ૧૩૫૦.૬૮ કરોડના કુલ ૧૩૯ વિકાસ પ્રકલ્પોની ભેટ નાગરિકોને ધરી હતી. આ કાર્યક્રમમાં રૂ. ૧૨૪૮.૫૭ કરોડના ૭૩ વિકાસ કાર્યોનું ખાતમૂહૂર્ત તેમજ રૂ. ૧૦૨ કરોડના ૬૬ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણ, આરોગ્ય, ખેતી અને ઉદ્યોગ જેવા ક્ષેત્રો માટે નાણાની ક્યારેય કમી ન રહે તેવું સુદ્રઢ આયોજન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે કર્યું છે.
મેગા પ્રોજેક્ટ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર
ભરૂચની એર અને રોડ કનેક્ટિવિટી વધારવા માટે અંકલેશ્વરમાં એરપોર્ટ ડેવલપમેન્ટ અને એર સ્ટ્રીપ ફેઝ-૨ની કામગીરી શરૂ કરાઈ છે. અંકલેશ્વર-રાજપીપળાના ૪૪ કિમી લાંબા રોડને રૂ. ૭૬૦ કરોડના ખર્ચે હાઇ-સ્પીડ કોરિડોરમાં અપગ્રેડ કરવાના કામનું ખાતમુહૂર્ત કરાયું છે, જેનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવું સરળ બનશે. આ ઉપરાંત ભરૂચ-દહેજ રોડને એક્સેસ કંટ્રોલ એક્સપ્રેસવે બનાવવાની કામગીરી પણ વેગવંતી છે. જંબુસરમાં ૧૦૦૦ એકરમાં દેશનો પ્રથમ બલ્ક ડ્રગ્સ પાર્ક આકાર લઈ રહ્યો છે.
યુવા શક્તિ અને રમત-ગમત
રમત-ગમત ક્ષેત્રે ભરૂચમાં નવા જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવશે, જેનાથી ૨ લાખથી વધુ યુવાનોને પ્લેટફોર્મ મળશે. મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ૨૦૩૦માં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે આવા કોમ્પ્લેક્સ પ્રતિભાશાળી યુવાનો તૈયાર કરશે. વળી, ભરૂચ, નેત્રંગ, રાજપારડી અને જંબુસરમાં રૂ. ૫૦ કરોડના ખર્ચે કોમર્શિયલ શોપિંગ સેન્ટર કમ રેસ્ટ હાઉસ બનાવવાની પણ જાહેરાત કરાઈ છે.
શ્રદ્ધાળુઓ અને ગ્રામીણ વિકાસ
નર્મદા પરિક્રમાર્થીઓની સુવિધા માટે ભરૂચ અને ઝઘડિયામાં ૮ વિશ્રામ હોલ બનાવવાની ભેટ આપવામાં આવી છે. ગ્રામીણ સ્તરે વહીવટી પ્રક્રિયાને સુદ્રઢ કરવા ૬૪ નવા પંચાયત ઘરો અને રૂ. ૧.૧૭ કરોડના ખર્ચે નવીનીકરણ પામેલા ૪ જનસેવા કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સુરત ઇકોનોમિક રિજીયન હબમાં ભરૂચનો સમાવેશ કરી તેના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂ. ૧૧૮૫ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.
અગ્રણીઓની ઉપસ્થિતિ
આ કાર્યક્રમમાં સાંસદ મનસુખભાઈ વસાવાએ ભુમાફિયાઓ પરની કડક કાર્યવાહી અને તેના દંડની રકમ વિકાસમાં વાપરવાના સરકારના નિર્ણયને બિરદાવ્યો હતો. આરોગ્ય રાજ્યમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ છેવાડાના માનવી સુધી યોજનાઓ પહોંચાડવાની સરકારની નેમ વ્યક્ત કરી હતી.
આ અવસરે પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, રિતેશભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, મુખ્ય ઈજનેર સી.પી. પટેલ, અગ્રણી પ્રકાશભાઈ મોદી, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, મારુતિસિંહ અટોદરિયા સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
(7:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
