તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th March 2026
શું અમદાવાદ સુરક્ષિત છે? નિકોલમાં 'રોડ રેજ'નો આતંક: વૃદ્ધને કારના બોનેટ પર લટકાવી પાગલ ચાલકે મોતની સવારી કરાવી!
માનવતા મરી પરવારી: સમજાવવા ગયેલા વયસ્ક નાગરિક પર ગાડી ચડાવવાનો પ્રયાસ, વૃદ્ધની જીવ બચાવવા કાકલૂદી છતાં નિર્દય ચાલકે એક્સિલરેટર દબાવ્યું; CCTV વાયરલ.

અમદાવાદ: અમદાવાદના નિકોલ વિસ્તારમાં ધોળા દિવસે કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ભયાનક ઘટના સામે આવી છે. રસ્તા પર સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં એક કાર ચાલક એટલી હદે હેવાન બન્યો કે તેણે એક વૃદ્ધના જીવની પણ પરવા કરી નહીં. માનવતાને શરમાવે તેવા આ કિસ્સામાં, કાર ચાલકે વૃદ્ધને બોનેટ પર ફસાવીને પૂરઝડપે ગાડી દોડાવી હતી, જેના દ્રશ્યો જોઈને કોઈ પણ વ્યક્તિ ધ્રૂજી ઉઠે.
નિકોલના મુખ્ય માર્ગ પર બનેલી આ ઘટનાના પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કોઈ વિવાદમાં સમજાવવા ગયેલા વૃદ્ધ પર ચાલકે અચાનક ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. પોતાનો જીવ બચાવવા વૃદ્ધે ગાડીની સામે ઉભા રહી તેને રોકવા કોશિશ કરી, પરંતુ નિર્દય ચાલકે બ્રેક મારવાને બદલે એક્સિલરેટર દબાવી દીધું. વૃદ્ધ કારના બોનેટ પર ફસાઈ ગયા હોવા છતાં, ચાલકે એક 'સનકી'ની જેમ લાંબા અંતર સુધી કાર હંકારી હતી.
કરગરતા રહ્યા વૃદ્ધ, ચાલકના માથે લોહી સવાર હતું
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા હૃદયદ્રાવક વીડિયોમાં જોઈ શકાય છે કે વૃદ્ધ પોતાનો જીવ બચાવવા માટે બોનેટને મજબૂતીથી પકડી રાખવા મજબૂર બન્યા હતા. તેઓ વારંવાર ચાલકને ગાડી ઉભી રાખવા માટે વિનંતી કરી રહ્યા હતા, પરંતુ નિર્દય ચાલકે તેમની એક પણ વાત સાંભળી નહીં. આસપાસના વાહનચાલકો પણ આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા અને રસ્તા પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પોલીસ એક્શન મોડમાં: પાગલ ચાલકની શોધખોળ તેજ
આ ભયાનક રોડ રેજની ઘટના બાદ સ્થાનિક પોલીસ તાત્કાલિક હરકતમાં આવી છે. પોલીસે આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ કબજે કર્યા છે અને કારના નંબરના આધારે ફરાર ચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ શહેરીજનોમાં ભારે રોષ જગાવ્યો છે. લોકો સવાલ કરી રહ્યા છે કે શું આવી જ રીતે નબીરાઓ કે નિર્દય ચાલકો નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકતા રહેશે?
હાલ તો પોલીસે હત્યાના પ્રયાસ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે રસ્તા પર નાની વાતમાં ગુસ્સો કાબૂમાં ન રાખવો કોઈનો જીવ લઈ શકે છે.
(7:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
