તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th March 2026
પાવાગઢમાં મા મહાકાળીના ભક્તો માટે ખુશખબર: ચૈત્રી નવરાત્રીમાં વહેલી સવારે 5 વાગ્યાથી રોપ-વે અને નિજ મંદિરના દ્વાર ખુલશે!
ઉષા બ્રેકો દ્વારા ખાસ તિથિઓએ વહેલી સવારે 4 કલાકે ટિકિટ વિતરણ શરૂ કરાશે; ભીડને રોકવા અને યાત્રિકોની સુવિધા માટે વહીવટી તંત્રનું માસ્ટર પ્લાનિંગ.

પાવાગઢ: ચૈત્રી નવરાત્રીના પવિત્ર દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે જગવિખ્યાત શક્તિપીઠ પાવાગઢ ખાતે મા મહાકાળીના દર્શને આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. નવરાત્રી દરમિયાન ભક્તોના ભારે ધસારાને પહોંચી વળવા અને યાત્રિકો સુવ્યવસ્થિત રીતે દર્શન કરી શકે તે માટે મંદિર ટ્રસ્ટ અને રોપ-વે ઓપરેટર 'ઉષા બ્રેકો' દ્વારા સમયપત્રકમાં મહત્વના ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી છે.
આગામી ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસથી જ આ નવો સમય અમલી બનશે. ખાસ કરીને નવરાત્રીની મહત્વની તિથિઓ જેવી કે એકમ, ચોથ, આઠમ, અગિયારસ અને પૂનમ ના રોજ ભક્તોનો પ્રવાહ બમણો હોય છે. આ દિવસોમાં ભક્તોને ડુંગર પર ચઢવામાં અને દર્શન કરવામાં સરળતા રહે તે માટે વહેલી સવારથી જ સુવિધાઓ કાર્યરત કરી દેવામાં આવશે.
નવરાત્રી માટે રોપ-વે અને દર્શનનું નવું ટાઈમ-ટેબલ
દિવસો ટિકિટ કાઉન્ટર (રોપ-વે) રોપ-વે સેવા શરૂ મંદિરના દ્વાર (નિજ મંદિર)
ખાસ તિથિઓ (એકમ, ચોથ, આઠમ, ૧૧, પૂનમ) વહેલી સવારે 4:00 વાગ્યે સવારે 5:00 વાગ્યે સવારે 5:00 વાગ્યે
નવરાત્રીના સામાન્ય દિવસો સવારે 5:00 વાગ્યે સવારે 6:00 વાગ્યે સવારે 6:00 વાગ્યે
પદયાત્રીઓ અને માઈભક્તોને થશે મોટો ફાયદો
સમયમાં કરવામાં આવેલા આ ફેરફારને કારણે રાત્રિના સમયે ડુંગર ચઢીને આવતા પદયાત્રીઓ વહેલી સવારની મંગળા આરતીનો લાભ લઈ શકશે. સાથે જ જે વૃદ્ધો અને બાળકો રોપ-વે મારફતે મંદિરે પહોંચવા માંગે છે, તેમને પણ લાંબી કતારોમાં ઉભા રહેવું નહીં પડે. ઉષા બ્રેકો કંપની દ્વારા વહેલી સવારે ૪:૦૦ વાગ્યાથી ટિકિટોનું વિતરણ શરૂ કરી દેવામાં આવશે જેથી ૫:૦૦ વાગ્યે રોપ-વે શરૂ થતા જ ભક્તો ઉપર જઈ શકે.
ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા
ચૈત્રી નવરાત્રીમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણ મોટી સંખ્યામાં સંઘો આવતા હોય છે. આ ભીડને નિયંત્રિત કરવા માટે પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા પાવાગઢ ડુંગર અને તળેટી (ચાંપાનેર) ખાતે વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભક્તો શાંતિપૂર્ણ રીતે માના દર્શન કરી શકે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા પીવાના પાણી અને સ્વચ્છતાની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
