તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th March 2026
સ્કાઉટ્સ-ગાઈડ્સ પ્રવૃત્તિ રાષ્ટ્રનિર્માણની પાઠશાળા, સેવા અને શિસ્ત જ યુવા જીવનનો સાચો શણગાર: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
લોકભવન ખાતે રાજ્ય પુરસ્કાર વિતરણ સમારોહમાં ૧૮૭૨ સ્કાઉટ્સ-ગાઈડ્સ સન્માનિત, નીતિનભાઈ પટેલ અને હસમુખભાઈ મોદીની ઉપસ્થિતિમાં યુવાનોને વ્યસનમુક્તિ અને પારદર્શક જીવનની શીખ અપાઈ

ગાંધીનગર:રાજધાની ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે ‘ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ્સ ગાઈડ્સ’ ના રાજ્ય સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિવિધ જિલ્લાઓમાંથી આવેલા પ્રતિભાશાળી સ્કાઉટ્સ-ગાઈડ્સ અને રોવર-રેન્જર્સને પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા. તેમણે સ્કાઉટ્સ-ગાઈડ્સની પ્રવૃત્તિને રાષ્ટ્રનિર્માણ માટેની મહત્વની પાઠશાળા ગણાવી હતી.
યુવા પેઢીને માર્ગદર્શન અને જીવનમંત્ર
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજના ડિજિટલ યુગમાં મોબાઈલ અને ટીવીના આભાસી વિશ્વ વચ્ચે પ્રકૃતિ અને રાષ્ટ્રની સેવામાં જોડાયેલા બાળકોને ભાગ્યશાળી ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સાતમા ધોરણથી કોલેજ સુધીની ઉંમર અત્યંત સંવેદનશીલ હોય છે, જેમાં લાગણીઓ પર નિયંત્રણ રાખી વિવેકબુદ્ધિથી નિર્ણય લેનાર યુવાનો જ સફળતાના શિખરો સર કરે છે. બાળકોને નિર્ભય બનવાની શીખ આપતા તેમણે ઉમેર્યું કે, ભૂલ થાય તો તેને છુપાવવાને બદલે માતા-પિતા કે ગુરુ સામે પારદર્શક રીતે સ્વીકારી લેવી જોઈએ, જેથી અપરાધના માર્ગે જવાથી બચી શકાય.
વ્યસનમુક્તિ અને પર્યાવરણ જતન
યુવા પેઢીમાં વધી રહેલા જંક ફૂડના ચલણ સામે લાલબત્તી ધરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ શુદ્ધ આહાર અને માતાના હાથે બનેલા ભોજનને સ્વાસ્થ્યનો આધાર ગણાવ્યો હતો. તેમણે દરેક યુવાનને વૃક્ષારોપણ અને વ્યસનમુક્તિને જીવનનો હિસ્સો બનાવવા આહવાન કર્યું હતું. 'કર્મ જ ધર્મ'નો સંદેશ આપતા તેમણે કહ્યું કે, આળસ એ મનુષ્યનો સૌથી મોટો શત્રુ છે અને સફળતા મેળવવા માટે સખત પરિશ્રમ અનિવાર્ય છે.
વિકાસ પ્રવૃત્તિઓ અને સંસ્થાની કામગીરી
ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ્સ ગાઈડ્સના પ્રમુખ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની સાદગી અને પ્રકૃતિ ખેતીના પ્રસાર માટેની તેમની કામગીરીને બિરદાવી હતી. તેમણે માહિતી આપી હતી કે અમદાવાદ ખાતે સ્કાઉટ-ગાઈડ માટે વિશાળ 'કોમ્યુનિટી હોલ'નું નિર્માણ થઈ રહ્યું છે. સંસ્થાના રાજ્ય આયુક્ત હસમુખભાઈ મોદીએ જણાવ્યું કે, વર્ષ ૨૦૨૫-૨૬માં કુલ ૧,૮૭૨ સ્કાઉટ-ગાઈડ્સે રાજ્ય પુરસ્કાર મેળવ્યો છે, જેમાં ૧,૦૩૨ સ્કાઉટ્સ, ૧૯ રોવર અને ૭૯૯ ગાઈડ્સનો સમાવેશ થાય છે. આજના સમારોહમાં ૧૭ જિલ્લાના ૮૧૫ બાળકોએ પ્રત્યક્ષ ભાગ લીધો હતો.
મહાનુભાવોની ઉપસ્થિતિ
આ ગરિમામય કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય કમિશનર સવિતાબેન પટેલ, ઓરિસ્સા હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ કલ્પેશભાઈ ઝવેરી, રાજ્ય આયુક્ત (ગાઈડ) અંજનાબેન ચૌધરી, ઉપાધ્યક્ષ દિલીપભાઈ ચૌધરી, ઉપાધ્યક્ષ ડાહ્યાભાઈ પટેલ તેમજ રાજ્ય કોષાધ્યક્ષ છનાભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સ્કાઉટ્સ-ગાઈડ્સ દ્વારા દેશભક્તિ અને સંસ્કારોને ઉજાગર કરતી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી.
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
