તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 14th March 2026
ગુજરાત હાઈકોર્ટનો પોલીસ આંતર-જિલ્લા બદલી અંગે ઐતિહાસિક ચુકાદો : ACB કેસના આધારે વર્ષો સુધી બીજા જિલ્લામાં ન રાખી શકાય : બદલીના આદેશો રદ
જસ્ટિસ મૌલિક જે. શેલતની અદાલતે પોલીસ મેન્યુઅલ અને બોમ્બે પોલીસ એક્ટની જોગવાઈઓ ટાંકીને સ્પષ્ટ કર્યું કે શિસ્તભંગના કારણોસર કરાતી બદલીઓ અનિશ્ચિત કાળ માટે હોઈ શકે નહીં : ચંદ્રવિજયસિંહ હરદેવસિંહ ઝાલા નામના જામનગરના હેડ કોન્સ્ટેબલને વડોદરાથી પરત મૂળ જિલ્લામાં મોકલવા આદેશ

અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટે પોલીસ કર્મચારીઓની આંતર-જિલ્લા બદલીઓ અંગે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે માત્ર ફોજદારી કેસ કે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ની તપાસ ચાલતી હોય તેવા કારણોસર કોઈ પોલીસ કર્મીને તેના મૂળ કેડર જિલ્લામાંથી બીજા જિલ્લામાં અનિશ્ચિત સમય માટે મોકલી શકાય નહીં. જસ્ટિસ મૌલિક જે. શેલતની અદાલતે ચંદ્રવિજયસિંહ હરદેવસિંહ ઝાલા નામના હેડ કોન્સ્ટેબલની પિટિશન ગ્રાહ્ય રાખતા વડોદરા ગ્રામ્યમાં તેમની બદલીના આદેશોને ગેરકાયદેસર ઠેરવી રદ કર્યા છે.
કેસની વિગત અને હાઈકોર્ટ સમક્ષની રજૂઆત:
અરજદાર ચંદ્રવિજયસિંહ હરદેવસિંહ ઝાલા જામનગર જિલ્લામાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. તેમની સામે જામનગરમાં એસીબીનો કેસ દાખલ થતા, વર્ષ ૨૦૨૦માં વહીવટી કારણોસર તેમની બદલી જામનગરથી વડોદરા હેડક્વાર્ટર (ગ્રામ્ય) ખાતે કરી દેવામાં આવી હતી. આ બદલીને અરજદારે એડવોકેટ જેટીન વી. યાદવ અને એડવોકેટ પી.પી. મજુમદાર મારફતે પડકારી હતી. તેમની મુખ્ય દલીલ હતી કે બોમ્બે પોલીસ એક્ટની કલમ ૨૮ અને ગુજરાત પોલીસ મેન્યુઅલના નિયમ ૧૫૨-૧૫૩ મુજબ, આવી બદલીઓ માત્ર તાત્કાલિક વહીવટી જરૂરિયાત (Emergent Exigency) માટે જ કરી શકાય.
અગાઉના ચુકાદાઓનો આધાર:
સુનાવણી દરમિયાન અરજદાર પક્ષે હારૂન યુસુફભાઈ કાડીવાલા વિરુદ્ધ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસના પ્રખ્યાત ચુકાદાનો સંદર્ભ આપ્યો હતો. હાઈકોર્ટે અવલોકન કર્યું કે:
* જ્યારે પણ કોઈ પોલીસ કર્મીની ઈમરજન્સીમાં બદલી કરવામાં આવે, ત્યારે સત્તાધિકારીએ એ સ્પષ્ટ કરવું જોઈએ કે તેની સેવાઓ ત્યાં કેટલા સમય માટે જરૂરી છે.
* જેવી વહીવટી જરૂરિયાત પૂર્ણ થાય, કે તુરંત જ પોલીસ કર્મચારીને તેના મૂળ જિલ્લા (Parent Cadre) માં પરત મોકલવો અનિવાર્ય છે.
* લોકરક્ષકથી માંડીને એએસઆઈ સુધીના કર્મચારીઓની સિનિયોરિટી જિલ્લા વાઈઝ હોય છે, તેથી તેમને કાયમી ધોરણે અન્ય જિલ્લામાં રાખવાથી તેમની સિનિયોરિટી અને હિતો પર અસર પડે છે.
સરકારની દલીલ અને કોર્ટની ફટકાર:
રાજ્ય સરકાર તરફથી એજીપી નિધિ વ્યાસે દલીલ કરી હતી કે અરજદાર સામે એસીબીનો કેસ હોવાથી શિસ્તના ભાગરૂપે અને વહીવટી સૂચનાઓ મુજબ આ બદલી કરવામાં આવી હતી. જોકે, કોર્ટે આ દલીલ ફગાવતા જણાવ્યું કે એક્ઝિક્યુટિવ સૂચનાઓ કે માર્ગદર્શિકા ક્યારેય વૈધાનિક કાયદા (Statutory Rules) થી ઉપર હોઈ શકે નહીં. કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી કે જે તપાસના બહાને કર્મચારીને અનિશ્ચિત કાળ માટે બીજા જિલ્લામાં રાખવાની મંજૂરી આપે.
અંતિમ આદેશ:
હાઈકોર્ટે ૧૮.૦૧.૨૦૨૦ અને ૨૧.૦૧.૨૦૨૦ ના બદલીના આદેશોને ક્વોશ (રદ) કર્યા છે. કોર્ટે આદેશ આપ્યો છે કે અરજદારને વડોદરાથી પરત જામનગર જિલ્લામાં નિયુક્ત કરવામાં આવે. જોકે, વહીવટી તંત્રને એટલી છૂટ આપી છે કે તેઓ તપાસને અસર ન થાય તે માટે અરજદારને જામનગર શહેરથી દૂર અથવા જ્યાં એસીબીનો સ્પેશિયલ કેસ નંબર ૧/૨૦૨૦ ચાલી રહ્યો છે તેનાથી દૂર કોઈ અન્ય સ્થળે મુકી શકે છે.
આ ચુકાદાથી રાજ્યના હજારો પોલીસ કર્મચારીઓ કે જેઓ એસીબી કે અન્ય તપાસના બહાને વર્ષોથી બીજા જિલ્લામાં સબડી રહ્યા છે, તેમના માટે પરત ફરવાનો માર્ગ મોકળો થયો છે.
(11:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
