તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 15th March 2026
ધર્મ અને રાષ્ટ્ર ચેતનાનું આહ્વાન, નળકાંઠાના શાહપુર ખાતે હિન્દુ સંમેલન યોજાયું
મહેમાનો સહિત ગ્રામજનો દ્વારા ભારત માતાની સામૂહિક આરતી ઉતારવામાં આવી : મહિલા ધૂન મંડળો દ્વારા ધૂન - સત્સંગ કરાયો

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : નળકાંઠામાં આવેલ શાહપુર ગામ ખાતે ધર્મ અને રાષ્ટ્ર ચેતનાનું આહ્વાન, વિશાળ હિન્દુ સંમેલન યોજાયું હતું. આપણી સનાતન પરંપરાઓ, ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરવા સામાજીક સમરસતા, સદભાવના, સંસ્કાર અને હિન્દુ સ્વાભિમાનની જાગૃતિ અર્થે સમગ્ર હિન્દુ સમાજ દ્વારા શાહપુર ખાતે હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સાધુ-સંતો સહિતના મહેમાનો દ્વારા દિપપ્રાગટ્ય કરીને હિન્દુ સંમેલનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. શાહપુર ગામની દીકરીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો અને વિવિધ મહિલા ધૂન મંડળો દ્વારા ધૂન સત્સંગ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઓળકના સંત શ્રી રાધેશ્યામ બાપુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ ગ્રામજનોને શનિવારે હનુમાન ચાલીસા અને મહિલા મંડળોને અગિયારસના દિવસે સત્સંગ કરવા માટે આહ્વાન કર્યું હતું. વધુમાં બાપુએ જ્ઞાતિ જાતિના વાડાઓ ભૂલીને સૌ હિંદુ ભાઈ બહેનોને એક થવા માટે હાકલ કરી હતી.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઘુમંતુ કાર્યના સુરેન્દ્રનગર વિભાગ સંયોજક અને હિન્દુ સંમેલનમાં મુખ્ય વક્તા નીલકંઠભાઇ વાસુકિયા દ્વારા આપણે કોણ છીએ, સનાતન હિન્દુ ધર્મ, નળકાંઠાનો સ્થાનિક ગૌરવશાળી ઇતિહાસ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના પુર્વેની સ્થિતી, સંઘ દ્વારા કરવામાં આવતા કાર્યો, સમાજિક સમરસતા, પર્યાવરણ સંરક્ષણ, કુટુંબ પ્રબોધન, સ્વદેશીભાવ જાગરણ, નાગરિક કર્તવ્ય સહિતના વિષયો પર વક્તવ્ય આપવામાં આવ્યુ હતુ.
વિરાટ હિન્દુ સંમેલનમાં ઉપસ્થિત સાધુ – સંતો, મહેમાનો સાથે સૌ હિન્દુ ભાઇ બહેનો દ્વારા ભારતમાતાની સામુહિક આરતી ઉતારવામાં આવી હતી. કાર્યક્રમ બાદ સમુહ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. વિરાટ હિન્દુ સંમેલનમાં સેવા - યોગદાન આપનાર સૌ લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
(2:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
