<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th March 2026

સાબરકાંઠામાં લોખંડના ગડરનો આતંક: પ્રાંતિજમાં ત્રણ ડમ્પર વચ્ચેના ભયાનક અકસ્માતમાં બે લોકોના કમકમાટીભર્યા મોત

તંત્રની બેદરકારી કે અકસ્માત? જોખમી રીતે લટકતું લોખંડનું ગડર બન્યું કાળમુખું, ડમ્પરની કેબિનનો કચ્ચરઘાણ વળતા બેના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરું ઉડ્યા

પ્રાંતિજ: સાબરકાંઠાના પ્રાંતિજમાં બાબરીયા વીરના મંદિર નજીક ગત મોડી રાત્રે સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે. રેતીની હેરાફેરી કરતા ત્રણ ડમ્પરો એકબીજા સાથે ધડાકાભેર અથડાતા સર્જાયેલા આ અકસ્માતમાં ડમ્પરના ચાલક અને ક્લીનરનું કરુણ મોત નીપજ્યું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ડમ્પરની કેબિન સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી, જેને કારણે કેબિનમાં ફસાયેલા બંને યુવાનોના મૃતદેહોને બહાર કાઢવા માટે પ્રાંતિજ ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત ઉઠાવવી પડી હતી અને કટર મશીન વડે કેબિન કાપવી પડી હતી.

પ્રાથમિક તપાસ અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ અકસ્માત પાછળનું મુખ્ય કારણ માર્ગ પર લગાવાયેલું લોખંડનું હેવી ગડર છે. ગેરકાયદે રીતે ભારે વાહનોની અવરજવરને રોકવા માટે તંત્ર દ્વારા આ આર્ક લગાવવામાં આવ્યો હતો, પરંતુ અગાઉ કોઈ અજાણ્યા વાહનની ટક્કરને કારણે આ ગડર અર્ધ-તૂટેલી હાલતમાં જોખમી રીતે લટકી રહ્યું હતું. રાત્રિના અંધારામાં રેતી ભરેલા ડમ્પરના ચાલકને આ અર્ધ-તૂટેલું ગડર દેખાયું ન હતું, પરિણામે ડમ્પર સીધું તેની સાથે અથડાયું અને ગડરમાં ફસાઈ ગયું હતું.

ત્યારબાદ પાછળથી આવતા અન્ય બે ડમ્પરો પણ એકબીજા સાથે ભયાનક રીતે અથડાયા હતા, જેના કારણે રસ્તા પર લોખંડ અને ધાતુના કાટમાળનો ખડકલો થઈ ગયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ગમખ્વાર ઘટનાએ તંત્રની જાળવણી સામે પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે.

અવાર-નવાર આવી જોખમી રીતે લટકતી ફ્રેમ કે ગડર અનેક નિર્દોષ લોકોના જીવ લઈ રહ્યા છે, તેમ છતાં તંત્ર દ્વારા આવી જોખમી વસ્તુઓને સમયસર હટાવવામાં કે સમારકામ કરવામાં આવતું નથી. આ અકસ્માત તંત્રની ઘોર બેદરકારીનું પરિણામ હોવાનો આક્રોશ સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે શું પોલીસ તપાસમાં તંત્રની આ ભૂલ માટે જવાબદારી નક્કી કરવામાં આવશે કે પછી આ અકસ્માત માત્ર એક 'નસીબનો ખેલ' ગણીને ફાઈલ બંધ કરી દેવામાં આવશે.

(2:53 PM IST)