<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th March 2026

રાષ્ટ્રીય રસીકરણ દિવસે ગુજરાતની ઐતિહાસિક સિદ્ધિ: ૩૫ લાખથી વધુ બાળકો અને શિશુઓને સુરક્ષા કવચ પૂરું પાડી રાજ્યએ નવો રેકોર્ડ સર્જ્યો

કિશોરીઓને ગર્ભાશયના કેન્સર સામે બચાવવા મોંઘી HPV રસી હવે સરકારી કેન્દ્રો પર નિઃશુલ્ક: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ‘ટીકા એક્સપ્રેસ’ અને ‘મોબાઇલ મમતા’ દ્વારા અંતરિયાળ વિસ્તારો સુધી રસીકરણ અભિયાન પહોંચ્યું

ગાંધીનગર:૧૬મી માર્ચ, 'રાષ્ટ્રીય રસીકરણ દિવસ' નિમિત્તે ગુજરાત સરકારે આરોગ્ય ક્ષેત્રે એક મોટી સફળતા જાહેર કરી છે. વર્ષ ૨૦૨૫-૨૬ના સત્તાવાર આંકડાઓ અનુસાર, રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ૧૧.૩૦ લાખથી વધુ શિશુઓ અને ૨૪ લાખથી વધુ બાળકોનું સફળતાપૂર્વક રસીકરણ કરીને કુલ ૩૫ લાખથી વધુ પરિવારોને ગંભીર બીમારીઓ સામે રક્ષણ પૂરું પાડ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે છેવાડાના વિસ્તારોમાં પણ રસીકરણ સુનિશ્ચિત કરીને દેશભરમાં એક મોડેલ પ્રસ્થાપિત કર્યું છે.
આ અભિયાનમાં સૌથી મહત્વનું પાસું કિશોરીઓના સ્વાસ્થ્યને લઈને લેવાયેલો નિર્ણય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ શરૂ કરેલા રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ અભિયાનનો ગુજરાતે અત્યંત અસરકારક અમલ કર્યો છે. જે રસીની કિંમત ખાનગી હોસ્પિટલોમાં ₹૩,૦૦૦ થી ₹૫,૦૦૦ સુધી હોય છે, તે HPV રસી હવે ૧૪ થી ૧૫ વર્ષની કિશોરીઓને ગર્ભાશયના મુખના કેન્સર (સર્વાઇકલ કેન્સર) સામે સુરક્ષા આપવા માટે સરકારી કેન્દ્રો પર સંપૂર્ણપણે મફત આપવામાં આવી રહી છે. આ પગલાથી સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોને મોટી આર્થિક રાહત મળી છે.
રાજ્યમાં પોલિયો મુક્ત સ્થિતિ જાળવી રાખવા માટે પણ વહીવટી તંત્ર કટિબદ્ધ દેખાઈ રહ્યું છે. વર્ષ ૨૦૦૭ થી ગુજરાત પોલિયો મુક્ત છે, તેમ છતાં આ કિલ્લેબંધી મજબૂત રાખવા માટે ૨૦૨૫માં ૧૪ જિલ્લાઓમાં વિશેષ ઝુંબેશ ચલાવી અંદાજે ૨૪.૬૫ લાખ બાળકોને પોલિયો વિરોધી ટીપાં પીવડાવવામાં આવ્યા છે. ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં પહોંચવું મુશ્કેલ છે, ત્યાં ‘ટીકા એક્સપ્રેસ’, ‘મોબાઇલ મમતા દિવસ’ અને ‘ખિલખિલાટ વાહન’ જેવી સુવિધાઓ દ્વારા ઘરબેઠાં રસી પહોંચાડવામાં આવી રહી છે.
આગામી તબક્કામાં ૧૬મી માર્ચ ૨૦૨૬થી ઓરી-રુબેલા નાબૂદી માટે સઘન અભિયાન શરૂ કરવામાં આવશે. આ માટે સરકાર VSIMS અને IDSP પોર્ટલ જેવા આધુનિક ટેકનિકલ માધ્યમોનો ઉપયોગ કરીને હાઈ-રિસ્ક વિસ્તારોની ઓળખ કરી રહી છે. ખાસ કરીને ૯ માસથી ૧૦ વર્ષની વયના બાળકો, શ્રમિકોના સંતાનો અને ઔદ્યોગિક વસાહતોમાં રહેતા પરિવારો પર રસીકરણ માટે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આમ, રાષ્ટ્રીય રસીકરણ દિવસે ગુજરાતે 'સ્વસ્થ બાળપણ, સુરક્ષિત ભવિષ્ય'ના સંકલ્પને ખરા અર્થમાં સાર્થક કર્યો છે.

(4:23 PM IST)