તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 15th March 2026
અંકલેશ્વર GIDC પોલીસની મોટી કાર્યવાહી: સારંગપુર વિસ્તારમાં દરોડા :દેશી તમંચા અને જીવતા કારતૂસ સાથે બે શખ્સો ઝડપાયા
કાર્યવાહીને પગલે અંકલેશ્વરના અસામાજિક તત્વોમાં ફફડાટ :પોલીસે હથિયારોના સ્ત્રોત સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા

ભરૂચ :ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં ગુનાખોરી ડામવા માટે સક્રિય બનેલી GIDC પોલીસે ગેરકાયદેસર હથિયારોના સોદાગરો પર ત્રાટકી મોટી સફળતા મેળવી છે. સારંગપુર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને બે શખ્સોને દેશી તમંચા અને જીવતા કારતૂસ સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીને પગલે અંકલેશ્વરના અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને પોલીસે હથિયારોના સ્ત્રોત સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
અંકલેશ્વર GIDC પોલીસ મથકનો સ્ટાફ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે સારંગપુરના આદીનાથ પ્લોટ વિસ્તારમાં કેટલાક શખ્સો શંકાસ્પદ હાલતમાં હથિયાર સાથે ફરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે તુરંત જ આ વિસ્તારમાં ઘેરાબંધી કરીને વોચ ગોઠવી હતી. પોલીસને જોતા જ ભાગવાનો પ્રયાસ કરતા બે શખ્સોને આખરે પોલીસે કોર્ડન કરીને દબોચી લીધા હતા.
પોલીસે ઝડપાયેલા બંને શખ્સોની અંગઝડતી લેતા તેમની પાસેથી એક દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો. એટલું જ નહીં, હથિયારની સાથે પોલીસે 4 નંગ જીવતા કારતૂસ પણ જપ્ત કર્યા છે. પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલા આરોપીઓની ઓળખ પંકજ મંડલ અને શિવનંદન મંડલ તરીકે થઈ છે. પોલીસે હથિયાર અને કારતૂસ સહિતનો તમામ મુદ્દામાલ કબજે કરીને આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીઓ પાસેથી મળી આવેલા ગેરકાયદેસર હથિયાર બાદ હવે પોલીસ અનેક દિશાઓમાં તપાસ કરી રહી છે. મુખ્ય સવાલ એ છે કે આ શખ્સો દેશી તમંચો ક્યાંથી લાવ્યા હતા અને તેનો ઉપયોગ કઈ ગુનાહિત પ્રવૃત્તિ માટે કરવાનો હતો? શું તેઓ અંકલેશ્વરમાં કોઈ મોટી લૂંટ કે હુમલાની યોજના ઘડી રહ્યા હતા? આ તમામ પાસાઓ પર પોલીસ અત્યારે આરોપીઓની કડક પૂછપરછ કરી રહી છે. આ હથિયારના સોદામાં અન્ય કોઈ ગેંગ સામેલ છે કે કેમ તેની પણ વિગતો મેળવવામાં આવી રહી છે.
(8:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
