તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 15th March 2026
રાજ્ય ગુપ્તચર વિભાગના સિનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર કેતન દવે ૮૦ હજારની લાંચ લેતા ઝડપાયા: ગાંધીનગર એસીબીની ટીમનું સફળ ટ્રેપ ઓપરેશન
સરગાસણ ચોકડી પાસે ફરિયાદી પાસેથી નાણાં સ્વીકારતા એસીબીના પીઆઈ એસ.ડી. ચાવડા અને ટીમે કેતન ગીરીશભાઈ દવેને દબોચી લીધા; પોલીસ પ્રોટેક્શનના રિપોર્ટ માટે માંગી હતી લાંચ

ગાંધીનગર:ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં અને ખાસ કરીને અત્યંત ગુપ્ત અને સંવેદનશીલ ગણાતી સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) શાખામાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારી કેતન ગીરીશભાઈ દવે લાંચના કેસમાં ઝડપાતા સમગ્ર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. ગાંધીનગર એસીબીની ટીમે એક જાગૃત નાગરિકની ફરિયાદને આધારે છટકું ગોઠવીને આ ભ્રષ્ટ અધિકારીને લાંચની રકમ સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે.
ઘટનાની વિગતો અનુસાર, અમદાવાદ સાણંદ સેન્ટર ખાતે સિનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર (વર્ગ-૨) તરીકે ફરજ બજાવતા કેતન ગીરીશભાઈ દવેએ એક અરજદારના પોલીસ પ્રોટેક્શન બાબતે લાંચની માંગણી કરી હતી. ફરિયાદીને અગાઉ ફાળવવામાં આવેલ પોલીસ પ્રોટેક્શન રિન્યુ કરાવવાની પ્રક્રિયા હાલ ચાલુ હતી. આ પ્રોટેક્શન ચાલુ રાખવા માટે ઇન્ટેલિજન્સ બ્યુરોનો અભિપ્રાય જરૂરી હોય છે. આ તપાસ સાણંદ સેન્ટરના અધિકારી કેતન દવે પાસે આવતા, તેમણે ફરિયાદીના પક્ષમાં હકારાત્મક અભિપ્રાય આપવાના અને પોઝિટિવ રિપોર્ટ મોકલવાના અવેજ પેટે ૮૦,૦૦૦ રૂપિયાની લાંચ માંગી હતી.
ફરિયાદી આ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તુરંત જ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) નો સંપર્ક સાધ્યો હતો. ફરિયાદના આધારે એસીબી ફિલ્ડ યુનિટ ગાંધીનગરના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. ચાવડા અને તેમની ટીમે છટકું ગોઠવ્યું હતું. ભ્રષ્ટ અધિકારી કેતન દવેએ ફરિયાદીને લાંચના નાણાં આપવા માટે ગાંધીનગરના સરગાસણ ચોકડી પાસે બોલાવ્યા હતા. સરગાસણ ચોકડી નજીક આવેલા સૌરાષ્ટ્ર ગાંઠીયા રથની સામે જાહેર રોડ પર જ્યારે કેતન દવે ફરિયાદીની ગાડી પાસે આવીને ૮૦,૦૦૦ રૂપિયાની રોકડ રકમ સ્વીકારી રહ્યા હતા, ત્યારે જ એસીબીની ટીમે ત્રાટકીને તેમને પકડી લીધા હતા.
એસીબી દ્વારા આરોપી કેતન ગીરીશભાઈ દવે પાસેથી લાંચની તમામ રકમ રિકવર કરવામાં આવી છે. નોંધનીય છે કે આરોપી પોતે પણ ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં જ રહે છે. ગાંધીનગર એસીબીના મદદનીશ નિયામક એ.કે. પરમારના સુપરવિઝન હેઠળ આ સમગ્ર કામગીરી પાર પાડવામાં આવી હતી. હાલમાં એસીબી દ્વારા આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને તેમના ઘરની ઝડતી તેમજ અન્ય મિલકતો અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે. ઇન્ટેલિજન્સ ઓફિસર કક્ષાના અધિકારીની ધરપકડથી ગુપ્તચર વિભાગમાં સન્નાટો વ્યાપી ગયો છે.
(8:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
