તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 15th March 2026
ભરૂચના ફિલ્મ નિર્માણ ક્ષેત્રે ટેકનોલોજીની નવી ક્રાંતિ: ડો. તરુણ બેન્કરે બનાવી શહેરની સૌપ્રથમ એઆઈ જનરેટેડ ફિલ્મ ‘THE LAST CALL’
અપ્પુન કા અડ્ડા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર રિલીઝ થઈ માત્ર ૪૫ સેકન્ડની આધુનિક ફિલ્મ; કૃત્રિમ બુદ્ધિના ઉપયોગથી ઓછા ખર્ચે અને મર્યાદિત સાધનો દ્વારા ઉચ્ચ ગુણવત્તાસભર સર્જન શક્ય બન્યું

ભરૂચ:આજના આધુનિક યુગમાં જ્યારે ટેકનોલોજી દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી રહી છે, ત્યારે ફિલ્મ ઉદ્યોગ પણ તેમાંથી બાકાત રહ્યો નથી. એઆઈ (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) ફિલ્મમેકિંગ અત્યારે વૈશ્વિક સ્તરે એક ક્રાંતિકારી આયામ તરીકે ઉભરી રહ્યું છે. આ દિશામાં ભરૂચના જાણીતા ફિલ્મમેકર ડો. તરુણ બેન્કરે એક નવતર પ્રયોગ કરી શહેરની સર્વપ્રથમ સંપૂર્ણ એઆઈ જનરેટેડ શોર્ટ ફિલ્મ ‘THE LAST CALL’ બનાવીને કલા જગતમાં એક નવો ઇતિહાસ રચ્યો છે.
૪૫ સેકન્ડની અવધિ ધરાવતી આ ટૂંકી ફિલ્મ હાલમાં ‘અપ્પુન કા અડ્ડા’ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મ અંગે વિસ્તૃત માહિતી આપતા ડો. તરુણ બેન્કરે જણાવ્યું હતું કે, આ ફિલ્મ ટેકનોલોજી અને માનવીય સર્જનાત્મકતાનું ઉત્કૃષ્ટ સંયોજન છે. પરંપરાગત ફિલ્મ નિર્માણની પ્રક્રિયામાં મોટા બજેટ, વિશાળ ટીમ અને લાંબા સમયની જરૂરિયાત રહેતી હોય છે, ઉપરાંત કલાકારો અને ટેકનિશિયનો પાછળનો ખર્ચ પણ ઘણો મોટો હોય છે. આ તમામ પડકારોની સામે એઆઈ ટેકનોલોજી એક આશીર્વાદરૂપ વિકલ્પ તરીકે સામે આવી છે.
એઆઈ ફિલ્મમેકિંગનો મુખ્ય અર્થ કમ્પ્યુટર આધારિત બુદ્ધિશાળી સિસ્ટમોનો ઉપયોગ કરી ફિલ્મ નિર્માણની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. આ ટેકનોલોજીની મદદથી હવે એક રૂમમાં બેસીને માત્ર કોમ્પ્યુટર દ્વારા પણ એક જ વ્યક્તિ ઉચ્ચ ગુણવત્તાવાળી ફિલ્મ તૈયાર કરી શકે છે. ઓછા ખર્ચે અને ઓછા સમયમાં વધુ સારું નિર્માણ શક્ય બનતા નવા સર્જકો માટે આ સુવિધા અત્યંત ઉપયોગી સાબિત થઈ રહી છે.
ભરૂચમાં એઆઈ ફિલ્મમેકિંગના આ પ્રથમ કદમ બાદ હવે અન્ય કલાકારોમાં પણ આ વિષય પ્રત્યે કુતૂહલ જોવા મળી રહ્યું છે. જે કોઈ કલાકારો કે ઉત્સાહી યુવાનો આ પ્રકારના ફિલ્મમેકિંગ અથવા ફિલ્મ લર્નિંગના આધુનિક આયામો સાથે જોડાવા માંગતા હોય તેઓ ડો. તરુણ બેન્કરનો (૯૨૨૮૨૦૮૬૧૯) પર સંપર્ક સાધી શકે છે. આગામી સમયમાં એઆઈ ટેકનોલોજી ફિલ્મ નિર્માણની વ્યાખ્યા બદલી નાખશે તેવો આશાવાદ આ તબક્કે વ્યક્ત કરવામાં આવ્યો છે.
(9:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
