તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 15th March 2026
વડોદરામાં અનોખા કૉન્સેપ્ટ સાથે ‘ધ બુલેટ રેસ્ટોરન્ટ' શરૂ:ફિલ્મ અભિનેત્રી શ્રદ્ધા ડાંગરના હસ્તે ઉદ્ઘાટન
રેસ્ટોરન્ટમાં બેસતાં જ ગ્રાહકોને 400 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેનમાં બેઠા હોય તેવો અનુભવ થાય, તે માટે ખાસ વ્યવસ્થા

વડોદરા શહેરમાં અનોખા કૉન્સેપ્ટ સાથે ‘ધ બુલેટ રેસ્ટોરન્ટ' શરૂ કરવામાં આવ્યું છે. ફતેગંજ વિસ્તારમાં આવેલા સેવન સીઝ મોલમાં શરૂ થયેલી આ રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને બુલેટ ટ્રેનમાં મુસાફરી કરતા હોય એવો અનુભવ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ગુજરાતી ફિલ્મ અભિનેત્રી શ્રદ્ધા ડાંગરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવેલ આ રેસ્ટોરન્ટનું ઈન્ટીરિયર ડેકોરેશન બુલેટ ટ્રેનના મોડેલ પર આધારિત છે. એટલે કે આ રેસ્ટોરન્ટમાં બેસતાં જ ગ્રાહકોને 400 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેનમાં બેઠા હોય તેવો અનુભવ થાય, તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ રેસ્ટોરન્ટમાં બારીની જગ્યાએ LED સ્ક્રીન લગાવવામાં આવી છે. જેમાં અમદાવાદથી મુંબઈ વચ્ચેના રોડના રિયલ દ્રશ્યો દર્શાવવામાં આવે છે. આ દ્રશ્યો કેપ્ચર કરવા માટે લગભગ 45 દિવસ સુધી શુટિંગ કરવામાં આવ્યું હતુ.
આ અંગે રેસ્ટોરન્ટના માલિક વિજય અગ્રવાલે જણાવ્યું કે, આજથી 10 વર્ષ અગાઉ મને ચીનમાં બુલેટ ટ્રેનમાં મુસાફરી કરવાનો અવસર મળ્યો હતો. જેના અનુભવ પરથી પ્રેરણા લઈને વડોદરામાં પણ આવો જ કૉન્સેપ્ટ ઉભો કરવાનો વિચાર કર્યો હતો.
ભારત સરકાર દ્વારા મુંબઈ-અમદાવાદ વચ્ચે 2030 સુધીમાં બુલેટ ટ્રેન સેવા શરૂ કરવાની યોજના છે. જેથી તેની પહેલા જ લોકોને બુલેટ ટ્રેન જેવી મુસાફરીનો અનુભવ મળે તે હેતુથી આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
આ પ્રોજેક્ટને સાકાર કરવા માટે લગભગ ત્રણ મહિના સુધી 100થી વધુ લોકોની ટીમે કામ કર્યું હતું. ટ્રેનનું મોડલ તૈયાર કરતી વખતે આવનારી બુલેટ ટ્રેન અંગે ઉપલબ્ધ માહિતીના આધારે તેની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી.
આ રેસ્ટોરન્ટમાં ‘ઓપન કિચન’ની વ્યવસ્થા રાખવામાં આવી છે, જેથી ગ્રાહકો ડાયરેક્ટ રસોઈ બનાવવાની પ્રક્રિયા જોઈ શકે અને સ્વચ્છતા અંગે વિશ્વાસ મેળવી શકે. અહીં મલ્ટી-ક્યુઝિન મેનુ ઉપલબ્ધ છે.
હાલ ગેસની અછતને કારણે લગભગ 30થી વધુ ‘નૉન-LPG’ વાનગીઓ સાથે મેનુ શરૂ કરવામાં આવ્યું છે. ગેસની નિયમિત સપ્લાય શરૂ થયા બાદ સંપૂર્ણ મેનુ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
જ્યારે અભિનેત્રી શ્રદ્ધા ડાંગરે જણાવ્યું કે, ગુજરાતમાં આવી નવીન વિચારસરણીવાળા કૉન્સેપ્ટ વિકસતા જોવા મળતા આનંદ થાય છે. પરિવાર સાથે ભોજનનો આનંદ માણતા સમયે બુલેટ ટ્રેનમાં મુસાફરી જેવી અનુભૂતિ કરાવતું આ સ્થળ શહેર માટે ખાસ આકર્ષણ બનશે.
(11:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
