<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

સુરતમાં રાંધણ ગેસના કાળાબજારથી શ્રમિકોની હાલત કફોડી: હજારો પરપ્રાંતિય શ્રમિકોએ વતનની વાટ પકડી

શ્રમિકોની હિજરત ચાલુ રહી, તો આગામી દિવસોમાં લૂમ્સ અને ડાઈંગ પ્રોસેસિંગ હાઉસમાં મશીનો બંધ રાખવાની નોબત આવી શકે:કારીગરોની અછત સર્જાતા ઉત્પાદન પર સીધી અસર પડશે,

સુરતના ઔદ્યોગિક વિસ્તારોમાં રાંધણ ગેસની અછત અને આસમાને પહોંચેલા કાળાબજારને કારણે શ્રમિકોની હાલત કફોડી બની છે. મોંઘવારીના માર વચ્ચે હવે જમવા બનાવવા માટેના ઈંધણના ફાંફા પડતા હજારો પરપ્રાંતિય શ્રમિકોએ વતનની વાટ પકડી છે. આ સામૂહિક હિજરતને કારણે સુરતના ધમધમતા ટેક્સટાઈલ ઉદ્યોગમાં મોટા પાયે કારીગરોની અછત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.

 

સુરતના પાંડેસરા અને અંજની ઇન્ડસ્ટ્રીયલ જેવા વિસ્તારોમાં રાંધણ ગેસની તીવ્ર અછત વર્તાઈ રહી છે. સામાન્ય રીતે મળતા ગેસ સિલિન્ડર મેળવવા માટે શ્રમિકોએ હવે કાળાબજારિયાઓનો સહારો લેવો પડે છે, જ્યાં કિંમતો સામાન્ય કરતા ઘણી વધારે વસૂલવામાં આવી રહી છે. મર્યાદિત આવક ધરાવતા શ્રમિકો માટે આટલો મોંઘો ગેસ ખરીદવો હવે ગજા બહારની વાત બની ગઈ છે. 'કમાણી કરતા ખર્ચ વધી જાય' તેવી સ્થિતિમાં શ્રમિકો પાસે વતન પરત ફરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.

 

સૌથી ચિંતાજનક દ્રશ્યો અંજની ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી સામે આવ્યા છે, જ્યાં અંદાજે 40થી 50 ટકા જેટલા શ્રમિકોએ પોતાનો સામાન બાંધીને વતન જવાનું શરૂ કરી દીધું છે. રેલવે સ્ટેશનો અને બસ સ્ટેન્ડો પર શ્રમિકોની ભીડ જોવા મળી રહી છે. જે શ્રમિકો સુરતની આર્થિક કરોડરજ્જુ ગણાય છે, તેઓ જ હવે ગેસના અભાવે ભૂખ્યા રહેવાને બદલે પોતાના વતનમાં ખેતી કે અન્ય મજૂરી કરવા તૈયાર થયા છે.

 

સુરતનો ટેક્સટાઈલ ઉદ્યોગ સંપૂર્ણપણે પરપ્રાંતિય કારીગરો પર નિર્ભર છે. જો આ રીતે શ્રમિકોની હિજરત ચાલુ રહી, તો આગામી દિવસોમાં લૂમ્સ અને ડાઈંગ પ્રોસેસિંગ હાઉસમાં મશીનો બંધ રાખવાની નોબત આવી શકે છે. ઉદ્યોગકારોના મતે, કારીગરોની અછત સર્જાતા ઉત્પાદન પર સીધી અસર પડશે, જેનાથી કરોડો રૂપિયાનું નુકસાન થવાની શક્યતા છે. કાપડના ઓર્ડર સમયસર પૂરા કરવા હવે પડકારજનક બની જશે.

 

શ્રમિકોના પલાયનને રોકવા માટે હવે સુરતના વિવિધ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનો અને ઉદ્યોગકારો મેદાને આવ્યા છે. ઉદ્યોગકારોએ વહીવટી તંત્ર અને ગેસ કંપનીઓ સમક્ષ રજૂઆત કરી છે કે શ્રમિકોને સરળતાથી અને વાજબી ભાવે રાંધણ ગેસ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે. જો તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ નહીં આવે, તો સુરતની આર્થિક ગાડી પાટા પરથી ઉતરી શકે છે.

(1:40 PM IST)