તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th March 2026
પોલીસ પર આવતા જાતજાતના ફોનઃ મારી પાછળ કૂતરા દોડે છે, પત્ની મને તેના હાથથી ખવડાવતી નથી
શું કરીએ અને શું ના કરીએ, પોલીસ માટે રોજ એક નવી મુસીબત : ‘હેલો પોલીસ કંટ્રોલ રૂમ...! તમે પોલીસ જલ્દી મોકલો' : પોલીસ કંટ્રોલને મળતાં ૧૦% જેટલા કોલ્સ ક્રાઈમ અને કાયદો વ્યવસ્થાને લગતાં હોય છે, ૯૦% કોલ્સને લો એન્ડ ઓર્ડર સાથે સંબંધ હોતો નથીઃ પોલીસનું મુખ્ય કામ બાજુ પર રહી જાય છે : રાજ્યના પાંચ મહા નગરોના પોલીસ કંટ્રોલ રૂમને મળતાં ફોન કોલ્સ પોલીસ માટે શીર દર્દ સમાન... : બિનજરૂરી કાર્યોનો ઉકેલ લાવવામાં પોલીસનો સમય વેડફાઈ જાય છે

વડોદરા તા.૧૬: વિકાસની હરણફાળ ભરી રહેલાં શહેરોમાં એક માત્ર પોલીસ ડિપાર્ટમેન્ટ એવું છે કે જે ૨૪ x ૦૭નાગરિકોની સુરક્ષા માટે સતત જાગતું અને દોડતું રહે છે. કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ અપાતકાલીન સ્થિતિમાં મદદ માટે પોલીસ કંટ્રોલ રૂમના નંબર જાહેર કરાયેલા છે. જે પહેલાં ડાયલ ૧૦૦ તરીકે ઓળખાતો હતો હવે ૧૧૨ જન રક્ષક તરીકે સેવામાં કાર્યરત છે. ગુજરાત રાજ્યના પાંચ મહા નગરોની વાત કરીએ તો રોજે રોજ હજારોની સંખ્યામાં પોલીસ કંટ્રોલ રૂમમાં સમસ્યાઓ અને અગવડોના ફોન કોલ્સ આવતાં હોય છે. જેમાં ૧૦%જેટલા કોલ્સ ક્રાઈમ અને કાયદો વ્યવસ્થાને લગતાં હોય છે. ૯૦% કોલ્સને લો એન્ડ ઓર્ડર સાથે સંબંધ હોતો નથી આમ છતાં પોલીસ રૂબરૂ સ્થળ ઉપર પહોંચે છે અને ફરિયાદ અથવા સમસ્યાનો ઉકેલ લાવીને રોજર... રોજર...!ની કંટ્રોલ રૂમને જાણકારી પૂરી પાડે છે. જન રક્ષક ૧૧૨ ઉપર મળતાં દરેક ફોન કોલ્સની નોંધ કરવા માટે ગુજરાત પોલીસ સેવા દળ દ્વારા રજિસ્ટર મેન્ટેન કરવામાં આવે છે. મારી પાછળ કૂતરું પડયું છે હું ઘેરાઈ ગયો છું. મારી પત્ની મને તેના હાથથી ખવડાવતી નથી.. તમે પોલીસ મોકલો... ધણાં આવા પ્રકારના રમૂજી કોલ્સ પણ આવે છે. મોટા ભાગના કિસ્સામાં પોલીસ સ્થળ પર પહોંચીને સમસ્યાનો ઉકેલ લાવે છે જયારે જૂજ કિસ્સામાં ફોન ઉપર જ કાઉન્સેલિગ કરીને સુખદ અંત લાવતી હોય છે.
આવી દુવિધાઓના કારણે સાચા અર્થમાં પોલીસનું જે કામ છે તે બાજુ પર રહી જાય છે અને કાયદો અને વ્યવસ્થા સિવાયના બિન જરૂરી કાર્યોનો ઉકેલ લાવવામાં પોલીસનો સમય વેડફાઈ જાય છે.
સિરીયસ ક્રાઈમ ઓફેન્સિસના બનાવોમાં ક્યારેક આ વધીઓ પણ કોર્ટમાં ન્યાયધીશ સમક્ષ મુકવામાં આવતી હોય છે અને વકીલો વચ્ચે દલીલો પણ થાય છે. આ વર્ધાને એવિડન્સ એક્ટના કાયદા મુજબ પણ ચાહ્ય ગણવામાં આવે છે. ઘણાં ક્રાઈમ ઓફેન્સિસની ટ્રાયલ વખતે પોલીસ કંટ્રોલ રૂમની વર્ધીઓ મુકદ્દમાને સ્પષ્ટ કરતી હોય છે.
કયા કંટ્રોલરૂમમાં રોજ કેટલા કોલ્સ મળે છે ?
વડોદરાઃ ૨૦૩ કોલ્સ
અમદાવાદઃ ૬૩૫ કોલ્સ
સુરતઃ ૪૧૦ કોલ્સ
રાજકોટઃ ૧૩૯ કોલ્સ
ભાવનગરઃ ૬૫ કોલ્સ
કૂતરા ભગાડીને ફોન કરનારને દીવાલ ઉપરથી ઉતારી ઘરે મૂકી આવ્યાં..! રોજર.. રોજર
પોલીસ વર્ધી ૦૧
હેલો પોલીસ કંટ્રોલ રૂમ, મારી પાછળ કૂતરા દોડી રહ્યા છે મારો જીવ બચાવવા હું દીવાલ ઉપર ચઢીગયો છું તમે પોલીસ મોકલો. પોલીસે સ્થળ પર પહોંચીને કામગીરી પુરી કરીને આ પ્રકારનો વળતો રિપ્લાય આપ્યો હતો કે વ્યક્તિએ કૃતરા પાછળ પડયાં હોવાથી પોલીસની મદદ માગી હતી. ફોન કરનાર દીવાલ પર ચઢીને બેસી ગયા હતા. જન રક્ષક પહોંચતા કૂતરાને ભગાડેલ તથા અને દીવાલ ઉપરથી નીચે ઉતારીને સલામત સ્થળ પર મુકી આવ્યા છે.
મેં કૂકર રિપેરિંગ માટે આપ્યું હતું દુકાનદારથી ખોવાઈ ગયું છે
પોલીસ વર્ધી ૦૨
હેલો, પોલીસ કંટ્રોલ... સાહેબ મે દુકાનદારને મારું કૂકર રિપેર કરવા માટે આપ્યું હતું જે કૂકર તેમનાથી ખોવાઈ ગયું છે તેની પાસેથી મને બીજું કૂકર અપાવો, આ વર્ધીના આધારે પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે વળતો રિપ્લાય નોંધાવ્યો હતો કે જૂનું કૂકર રિપેરિગમાં આપ્યું હતું જે દુકાનવાળાથી ખોવાઈ ગયું છે પોલીસે જગ્યા પર જઈને ફરિયાદીને નવું કૂકર અપાવી દીધેલ છે અને બંને પાર્ટી વચ્ચે સમાધાન થઈ ગયેલ છે.
મારી પત્ની મને તેના હાથથી ખવડાવાની ના પાડે છે એ ખવડાવશે તો હું જમીશ
પોલીસ વર્ધી ૦૩
હેલો પોલીસ કંટ્રોલ... હું જમવા બેઠો છું મારી પત્નીને મે તેના હાથથી ખવડાવવા કીધું તો મારી પત્ની મને તેના હાથથી ખવડાવાની ના પાડે છે અને મને કહે છે તમે તમારા હાથથી જમી લો, આ મુદ્દે અમારી વચ્ચે ઝઘડો થયો છે તમે પોલીસ મોકલો. પોલીસ સ્થળ પર પહોંચી હતી અને કંટ્રોલ રૂમને રિપ્લાય આપ્યો હતો કે સદર મેસેજમાં મેસેજ વાળી જગ્યાએ જઈને તપાસ કરી હતી. કોલર (ફોન કરનારને મળ્યા હતા) પતિ પત્ની વચ્ચે સમાધાન કરાવ્યું છે બંને જણાએ એક બીજાના હાથે ખવડાવીને સમાધાન કરાવ્યું છે. હવે કોલર ( ફોન કરનાર)ને સંતોષ થઈ ગયો છે તેઓ કોઈ ફરિયાદ કરવા ઈચ્છતા નથી.
લારીવાળાએ મને એક પાણીપૂરી ઓછી આપી છે હું રસ્તાની વચ્ચે બેઠી છું..!
પોલીસ વર્ધી ૦૪
હેલો પોલીસ કંટ્રોલ.... હું અત્યારે લેક પાસે પાણીપુરીની લારી ઉપર આવી છું મે પુરા પૈસા ચૂકવ્યા છે પણ લારીવાળાએ મને એક પાણીપુરી ઓછી આપી છે હું વિરોધ કરવા માટે રોડની વચ્ચોવચ્ચ બેસી ગઈ છું તમે પોલીસ મોકલાવો. મહિલા રોડની વચ્ચોવચ બેસી જતાં ટ્રાફિક જામ થયો હતો આ વર્ધીના MIPURI આધારે પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. લારીવાળા સાથે સમજાવટ કરીને મહિલાને એક પાણીપુરી અપાવી હતી આ પાણીપુરી ખાઈને મહિલા રાજી થઈ ગઈ હતી અને અનશન ઉપરથી ઊભી થઈ ગઈ હતી.
(2:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
