News of Monday, 16th March 2026
અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે પક્ષીઓને બચાવવા આદિ ફાઉન્ડેશનની પહેલઃ રતનપોળ અને રિલીફ રોડ વિસ્તારમાં ૧૦૦૦થી વધુ માટીના કુંડાનું વિતરણ
જીવદયા પ્રેમીઓને ભીષણ ગરમીમાં પક્ષીઓની તરસ છીપાવવા પોતાના ઘરે પાણીના કુંડા રાખવા અપીલ

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં વધી રહેલી કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને, આદિ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદની રતનપોળ અને રિલીફ રોડ વિસ્તારમાં પક્ષીઓ માટે ૧૦૦૦થી વધુ માટીના જળપાત્રો (કુંડા)નું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના સભ્યો અને જીવદયા પ્રેમીઓએ એકત્ર થઈને નાગરિકોને પોતાના ઘરની અગાસી કે બાલ્કનીમાં પક્ષીઓ માટે નિયમિત પાણી રાખવા અપીલ કરી હતી, જેને લોકોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. શહેરમાં ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે. કાળઝાળ ગરમીના આ પ્રકોપ વચ્ચે અબોલ પક્ષીઓને પીવાનું શુદ્ધ પાણી આસાનીથી મળી રહે તેવા ઉમદા હેતુથી ‘આદી ફાઉન્ડેશન' દ્વારા એક અત્યંત પ્રશંસનીય જળ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના હાર્દ સમાન અને સતત ધમધમતા રતનપોળ તથા રિલીફ રોડ વિસ્તારમાં સંસ્થા દ્વારા નાગરિકોને ૧૦૦૦ થી વધુ માટીના કુંડા (જળપાત્રો) નું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક નાગરિકોએ સંસ્થાની આ જીવદયાલક્ષી પહેલની ભારે પ્રશંસા કરી હતી અને ગરમીની ઋતુમાં પોતાના ઘરની છત, અગાસી, બાલ્કની અને આસપાસના વિસ્તારોમાં પક્ષીઓ માટે નિયમિતપણે પાણી અને ચણ રાખવાનો સંકલ્પ લીધો હતો. આદિ ફાઉન્ડેશનના સભ્યોએ જણાવ્યું હતું કે ભીષણ ગરમીમાં પક્ષીઓને પાણીની ભારે અછતનો સામનો કરવો પડે છે અને ડિહાઇડ્રેશનનો શિકાર બને છે. આવા કપરા સમયે આપણા નાના પ્રયાસો પણ તેમનો જીવ બચાવવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
આ પુણ્ય કાર્યમાં આદિ ફાઉન્ડેશનની ટીમ સાથે શહેરના અનેક જીવદયા પ્રેમીઓ અને સામાજિક કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ સાથે મળીને આ નેક કાર્યમાં પોતાનો સહયોગ આપ્યો હતો.
આ સમગ્ર જળપાત્ર વિતરણ કાર્યક્રમને સફળ બનાવવા માટે હાર્દિક સંદ્યવી, અલ્પેશ શાહ, ચિરાગભાઈ અને રવિ ચૌહાણ સહિત સંસ્થાના અન્ય સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
અંતમાં, આદિ ફાઉન્ડેશન દ્વારા શહેરના તમામ નાગરિકોને એક વિશેષ અપીલ કરવામાં આવી છે કે તેઓ પણ પોતાના ઘરો અને આસપાસના સ્થળોએ જળપાત્ર રાખીને મૂંગા પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરે અને સમાજમાં જીવદયાનો આ સંદેશ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડે.
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
