<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

પાલનપુરના ચડોતર વેહિકલ ફિટનેસ સેન્ટરમાં એસીબીનો સપાટો: ૩૦૦૦ની લાંચ લેતા વિઝ્યુલ ઇન્સ્પેક્શન કરનાર રહેમતુલ્લા ઇબ્રાહીમખાન ઘોરી પકડાયા

પીઆઈ ડી.આર. ગઢવીની ટીમે રિક્ષાના ફિટનેસ સર્ટિફિકેટ માટે વધારાના નાણાં માંગતા કર્મચારીને રંગેહાથ ઝડપ્યા; કે.એચ. ગોહિલ અને બલદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ સફળ ડીકોય ટ્રેપ

પાલનપુર:બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ચડોતર ખાતે કાર્યરત GHV એનર્જી ફિટનેસ સેન્ટરમાં વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ આપવાના નામે ચાલતી ઉઘાડી લૂંટનો પાટણ એસીબીએ પર્દાફાશ કર્યો છે. વાહન વ્યવહાર વિભાગ પાસેથી ફિટનેસ ચકાસણીનું કામ મેળવનાર આ ખાનગી સેન્ટરના કર્મચારી રહેમતુલ્લા ઇબ્રાહીમખાન ઘોરી ૩,૦૦૦ રૂપિયાની લાંચ લેતા એસીબીના છટકામાં આબાદ ઝડપાઈ ગયા છે.
ખાનગી બાતમી બાદ ડીકોય છટકાનું આયોજન
પાટણ એસીબીને ખાનગી રાહે મજબૂત બાતમી મળી હતી કે પાલનપુર-ડીસા હાઇવે પર આવેલા GHV ફિટનેસ સેન્ટર ખાતે કોમર્શિયલ વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ આપવાના અવેજ પેટે અરજદારો પાસેથી નિયત ફી ઉપરાંત ૫૦૦ થી ૫,૦૦૦ રૂપિયા સુધીની ગેરકાયદેસર રકમ માંગવામાં આવે છે. આ બાતમીની ચોકસાઈ કરવા માટે એસીબીએ એક જાગૃત નાગરિકનો ડીકોયર તરીકે સહકાર મેળવી આજે એક સફળ છટકું ગોઠવ્યું હતું.
નિયત ફી ઉપરાંત ૩,૦૦૦ની લાંચ માંગી
ડીકોયર પોતાની બજાજ મેક્સિમો સીએનજી રિક્ષાના કોમર્શિયલ ફિટનેસ સર્ટિફિકેટ માટે તમામ જરૂરી દસ્તાવેજો સાથે સેન્ટર પર પહોંચ્યા હતા. ત્યાં હાજર વિઝ્યુલ ઇન્સ્પેક્શન કરનાર ૫૦ વર્ષીય કર્મચારી રહેમતુલ્લા ઇબ્રાહીમખાન ઘોરીએ સરકાર દ્વારા નિર્ધારિત ૯૮૦ રૂપિયાની ફી ઉપરાંત વધારાના ૩,૦૦૦ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ડીકોયર અને આરોપી વચ્ચે થયેલી હેતુલક્ષી વાતચીત બાદ જેવી લાંચની રકમ સ્વીકારવામાં આવી, કે તુરંત જ ટ્રેપ કરનાર અધિકારી ડી.આર. ગઢવી અને તેમની ટીમે ત્રાટકીને આરોપીને લાંચની પૂરેપૂરી રકમ સાથે સ્થળ પર જ દબોચી લીધા હતા.
ઉચ્ચ અધિકારીઓનું સુપરવિઝન
આ સમગ્ર કાર્યવાહી બોર્ડર એસીબી એકમ ભુજના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના સુપરવિઝન હેઠળ કરવામાં આવી હતી. રાજકોટ એકમના નાયબ નિયામક અને ઇન્ચાર્જ અધિકારી બલદેવસિંહ વાઘેલાના માર્ગદર્શનમાં આ ઓપરેશન પાર પાડી ભ્રષ્ટાચારી તત્વોમાં ફફડાટ ફેલાવી દીધો છે. એસીબીએ ૩,૦૦૦ રૂપિયા રિકવર કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

(6:06 PM IST)