તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th March 2026
પાટણમાં ભાજપના શક્તિપ્રદર્શન સાથે કોંગ્રેસ પર આકરા પ્રહાર: કોંગ્રેસ પાસે નેતા, નીતિ અને નિયત ત્રણેયનો અભાવ - જગદીશ વિશ્વકર્મા
અગાઉની સરકારમાં પ્રોજેક્ટ અટકાવવાની રાજનીતિ ચાલતી હતી, ભાજપે વિકાસ અને સેવાના માર્ગે પાટણ સુધી નર્મદાના નીર પહોંચાડ્યા; બૂથ પ્રમુખના નિવાસે ભોજન કરી પ્રદેશ અધ્યક્ષે દેવદુર્લભ કાર્યકર્તાઓનું વધાર્યું મનોબળ

પાટણ:ઐતિહાસિક નગરી પાટણ ખાતે આજે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિમાં બૂથ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. કાળઝાળ ગરમી વચ્ચે પણ મોટી સંખ્યામાં ઉમટી પડેલા કાર્યકર્તાઓને સંબોધતા તેમણે કોંગ્રેસની ભૂતકાળની કાર્યશૈલી અને વર્તમાન સ્થિતિ પર આકરા પ્રહારો કર્યા હતા. સંમેલન પૂર્વે જગદીશ વિશ્વકર્માએ પાટણ વિધાનસભાના બૂથ નંબર ૨૪૦ ના પ્રમુખ શૈલેષભાઈ મગનભાઈ પટેલના નિવાસસ્થાને જઈ ભોજન ગ્રહણ કર્યું હતું અને બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કર્યું હતું.
વિકાસની રાજનીતિ વિરુદ્ધ ભ્રમિત કરવાની રાજનીતિ
સંબોધનની શરૂઆતમાં પાટણની પવિત્ર ધરતી અને સિદ્ધરાજ જયસિંહને વંદન કરતા જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, કોંગ્રેસના સમયમાં વિકાસકાર્યો અટકાવવા, લટકાવવા અને પ્રજાને ભ્રમિત કરવાની રાજનીતિ ચાલતી હતી. તેનાથી વિપરીત, ભાજપ સરકાર વિકાસ અને સેવાના માર્ગે કાર્ય કરી રહી છે. કોંગ્રેસે નર્મદા ડેમની ઊંચાઈ વધારવા જેવી બાબતોમાં વર્ષો સુધી અવરોધો ઉભા કર્યા હતા, પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સત્તા સંભાળ્યાના માત્ર ૧૭ દિવસમાં દરવાજા લગાવવાની મંજૂરી આપી પાટણના ડાર્ક ઝોન વિસ્તાર સુધી પાણી પહોંચાડવાનું ઐતિહાસિક કાર્ય કર્યું છે.
પાટણનું ગૌરવ અને ઉદ્યોગનો વિકાસ
પાટણના સાંસ્કૃતિક ગૌરવ અને પટોળાના જીઆઈ ટેગનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે આજે પાટણ વિશ્વના નકશામાં અંકિત છે. બહુચરાજી વિસ્તારમાં ઓટોમોબાઇલ હબ બનતા સવા લાખથી વધુ લોકોને રોજગારી મળી છે અને અહીં બનેલી કારનું નિકાસ વિશ્વભરમાં થઈ રહ્યું છે. ચારણકા સોલર પાર્ક દ્વારા ગ્રીન એનર્જી ક્ષેત્રે પાટણે દુનિયાને નવો રાહ ચીંધ્યો છે. આજે પાટણ મેડિકલ હબ તરીકે ઉભર્યું છે, જેના કારણે મેડિકલ ટુરિઝમને વેગ મળ્યો છે.
કોંગ્રેસના અસ્તિત્વ સામે સવાલ
વિરોધ પક્ષ પર નિશાન સાધતા પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે કોંગ્રેસ આજે અંદરના વિખવાદો અને સંકટોથી ઘેરાયેલી છે. કોંગ્રેસના નેતાઓને હવે અહેસાસ થઈ રહ્યો છે કે તેમણે ત્યાં પોતાના અમૂલ્ય વર્ષો બગાડ્યા છે. કોંગ્રેસ માત્ર ખોટો વિરોધ અને જુઠ્ઠું બોલવામાં જ પ્રથમ નંબરે છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની ટોચની પાંચ અર્થવ્યવસ્થાઓમાં સ્થાન પામી છે.
કાર્યકર્તાઓ એ ભાજપની તાકાત
જગદીશ વિશ્વકર્માએ કાર્યકર્તાઓને દેવદુર્લભ ગણાવતા કહ્યું કે, ભાજપમાં સામાન્ય કાર્યકર્તા પણ પ્રદેશ અધ્યક્ષ સાથે મંચ પર સ્થાન મેળવે છે તે જ આ પક્ષની ગરિમા છે. આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંધવ, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર અને પૂર્વ મંત્રી બળવંતસિંહ રાજપુત સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
(7:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
