<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

સુરતના વરાછા વિસ્તારમાં મોબાઈલ એપ દ્વારા હીરા ખરીદીને રૂ. 1.27 કરોડની છેતરપિંડી આચરનાર આરોપી ઝડપાયો

આરોપી સુરેશ બેલડીયાની LCB ઝોન-1 દ્વારા ધરપકડ:આરોપીએ શરૂઆતમાં નિયમિત પેમેન્ટ કરી વેપારીઓનો વિશ્વાસ જીત્યો અને બાદમાં મોટો જથ્થો પડાવી પેમેન્ટ ચૂકવ્યું નહોતું

સુરતના હીરા બજારમાં વિશ્વાસ કેળવીને વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવાના મામલે સુરત પોલીસને મોટી સફળતા મળી છે. સુરત LCB ઝોન-1 દ્વારા ટેકનિકલ સર્વેલન્સના આધારે વરાછા  પોલીસ મથકમાં નોંધાયેલા રૂ. 1.27 કરોડની છેતરપિંડીના ગુનામાં મુખ્ય આરોપી સુરેશ બેલડીયાની ધરપકડ કરવામાં આવી છે. વર્ષ 2025 માં આરોપી વિરુદ્ધ બે અલગ-અલગ ગુનાઓ નોંધાયા હતા, જેમાં તેણે મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી હીરાની ખરીદી કરી પેમેન્ટ ન ચૂકવી વિશ્વાસઘાત કર્યો હતો. વરાછા પોલીસે હાલ આરોપીનો કબજો મેળવી આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરી છે.

 

પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી સુરેશ બેલડીયાએ હીરાના વેપારીઓને છેતરવા માટે એક સુવ્યવસ્થિત મોડસ ઓપરેન્ડી અપનાવી હતી. તેણે હીરાની ખરીદી માટે ખાસ મોબાઈલ એપ્લિકેશન G.A. ડાયમંડ  અને VBD ડાયમંડ નામનો ઉપયોગ કર્યો હતો. શરૂઆતના તબક્કે વેપારીઓ પાસેથી નાનો જથ્થો ખરીદી તેનું સમયસર પેમેન્ટ કરીને બજારમાં પોતાનો અતૂટ વિશ્વાસ ઊભો કર્યો હતો. એકવાર વેપારીઓનો ભરોસો જીતી લીધા બાદ, આરોપીએ અચાનક કરોડો રૂપિયાના હીરાનો મોટો જથ્થો ઉધારમાં મેળવ્યો હતો અને ત્યારબાદ પેમેન્ટ આપ્યા વગર ફરાર થઈ ગયો હતો.

 

 

વર્ષ 2025માં જ્યારે વેપારીઓને અહેસાસ થયો કે તેમની સાથે છેતરપિંડી થઈ છે, ત્યારે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે કુલ રૂ. 1.27 કરોડ ની રકમની ઠગાઈ આચરવામાં આવી છે. આ કેસની ગંભીરતા જોતા એલ.સી.બી. ઝોનની ટીમ તપાસમાં જોડાઈ હતી અને બાતમીદારો તેમજ સાયબર સેલની મદદથી મુખ્ય આરોપીને દબોચી લીધો હતો.

સુરતના વરાછા અને કાપોદ્રા જેવા હીરાના હબ ગણાતા વિસ્તારોમાં આ ધરપકડ બાદ છેતરપિંડી કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ અનેક વેપારીઓને નિશાન બનાવ્યા હતા.

(7:26 PM IST)