<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

રીલ્સ બનાવવી મોંઘી પડી :નિવૃત્ત DG ગુરુદયાલ સિંગના ઘરેથી પિસ્તોલની ચોરી કરનાર યુવકને વસ્ત્રાપુર પોલીસે ઝડપી લીધો

સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવાની ઘેલછામાં એક ઘરઘાટીએ કાયદાની મર્યાદા ઓળંગી જેલના સળિયા ગણવાનો વારો આવ્યો

અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા વસ્ત્રાપુરમાં સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવાની ઘેલછામાં એક ઘરઘાટીએ કાયદાની મર્યાદા ઓળંગી જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. ગોયલ ઇન્ટરસિટીમાં રહેતા નિવૃત્ત DG ગુરુદયાલ સિંગના ઘરેથી પરવાનાવાળી પિસ્તોલની ચોરી કરનાર રાજસ્થાની યુવક મહિપાલસિંહ સિસોદિયાની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ આ ચોરી કોઈ આર્થિક લાભ માટે નહીં, પરંતુ માત્ર હથિયાર સાથે વીડિયો બનાવી વતનમાં પોતાનો વટ પાડવા માટે કરી હોવાની કબૂલાત કરતા પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે.

 

ઘટનાની વિગત મુજબ, નિવૃત્ત DGના પત્નીએ વર્ષ 2004માં સ્વરક્ષણ માટે .25 કેલિબરની કોલ્ટ પિસ્તોલ ખરીદી હતી. તેમના નિધન બાદ વારસદાર તરીકે અમનદીપ સિંગે જ્યારે આ હથિયાર પોલીસમાં જમા કરાવવા કબાટ તપાસ્યો, ત્યારે તે ગાયબ જણાયું હતું. આ મામલે શંકાની સોય ઘરઘાટી મહિપાલસિંહ તરફ જતા પોલીસે તેની અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરી હતી. પોલીસની ‘સ્પેશિયલ ટ્રીટમેન્ટ’ સામે ભાંગી પડેલા આરોપીએ સ્વીકાર્યું હતું કે તે આ પિસ્તોલ રાજસ્થાન ખાતે પોતાના વતનમાં લઈ ગયો હતો જેથી ત્યાં હથિયાર સાથે પ્રભાવશાળી રીલ્સ બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરી શકે.

 

વસ્ત્રાપુર પોલીસે રાજસ્થાન જઈ હથિયાર રિકવર કર્યું છે અને હાલ તેને બેલેસ્ટિક તપાસ માટે FSLમાં મોકલવામાં આવ્યું છે. નિષ્ણાતોના મતે, આજકાલ યુવાનોમાં સોશિયલ મીડિયા પર હથિયારોનું પ્રદર્શન કરવાનો ક્રેઝ ગુનાખોરી તરફ દોરી રહ્યો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપીએ આ હથિયારનો ઉપયોગ અન્ય કોઈ ગંભીર ગુનામાં કર્યો છે કે કેમ. આ કિસ્સો લાઈક્સ અને વ્યૂઝની આંધળી દોડમાં યુવાધન કેવી રીતે ગુનાહિત માનસ ધરાવતું થાય છે તેનું વરવું ઉદાહરણ પૂરું પાડે છે.

(7:37 PM IST)