<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

અપરણિત યુવતીઓને મોબાઇલ વાપરવો નહીં જયારે યુવકો માટે નિયમો બનાવાયા :લગ્ન પ્રસંગમાં DJ સાઉન્ડ રાસ ગરબા પર પ્રતિબંધ

મહેંદી રસમ અને હલદી રસમ, લગ્નમાં પ્રિ-વેડિંગ પર સદંતર પ્રતિબંધ : થરાદ વાવ તાલુકાના 64 ગોળના આંજણા ચૌધરી સમાજનું બંધારણ ઘડાયું

થરાદ વાવ તાલુકાના 64 ગોળના આંજણા ચૌધરી સમાજનું બંધારણ ઘડવામાં આવ્યું છે. આ બંધારણમાં અપરણિત યુવતીઓને મોબાઇલ વાપરવા પર પ્રતિબંધ સાથે યુવકોને પણ મોબાઈલ વાપરવા પર નિયમો બનાવવામાં આવ્યા છે. સાથે જ ધોરણ 10ના અભ્યાસ બાદ મોબાઇલનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લગ્ન પ્રસંગમાં DJ સાઉન્ડ રાસ ગરબા પર પ્રતિબંધ, મહેંદી રસમ અને હલદી રસમ, લગ્નમાં પ્રિ-વેડિંગ પર સદંતર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

થરાદ ગાયત્રી વિદ્યાલય ખાતે વાવ થરાદ ચૌધરી આંજણા સમાજના વરિષ્ઠ અગોવાનોની હાજરીમાં આ બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું જેમાં, લગ્ન પ્રસંગમાં વીડિયો શૂટિંગ, ફોટોગ્રાફી કરવી પણ મોબાઈલથી વીડિયો અને રીલ બનાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. લગ્ન સમયે વર વધુએ સામાજિક દેશી પોશાક પહેરીને લગ્ન કરવા પડશે. લગ્નમાં દીકરીને તૈયાર કરવાવાળી ન લાવવી સાદી રીતે તૈયાર કરવી. લગ્ન સમયે વર રાજાએ દાઢી પણ ન રાખવી. લગ્નમાં 25થી વધુ ગાડીઓ ન લઈ જવી સાથે 100થી વધુ જાનૈયા ન લઈ જવા. મામેરું 1થી 11 લાખનું ભરવું. 64 ગામો દ્વારા ગ્રામ્ય સમિતિઓ બનાવી અમલવારી કરવા કમિટીઓ બનાવવી. મરણ જેવા શોક પ્રસંગને ત્રણ અને પાંચ દિવસમાં પૂર્ણ કરવો.

(9:49 PM IST)