News of Monday, 16th March 2026
નર્મદા પરિક્રમા ચાલુ થાય એ પેહલા જ કરોડો રૂપિયાના ખર્ચે બનેલો હંગામી પુલ ધોવાયો, અધિકારીઓમાં દોડધામ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં ચૈત્ર મહિના દરમિયાન યોજાતી ઉત્તરવાહી નર્મદા પંચકોશી પરિક્રમા આગામી 19 મી માર્ચથી શરૂ થવાની છે.તો બીજી બાજુ પરિક્રમાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે શેહરાવથી તિલકવાડા વચ્ચે બનાવાયેલો હંગામી પુલ અચાનક ધોવાઈ જતા અધિકારીઓમા દોડધામ મચી છે.ત્યારે હવે આ હંગામી પુલ બનાવનાર એજન્સી અને એની સાથે સબંધિત સરકારી વિભાગ પર જવાબદારી નક્કી કરી કડક પગલા લેવા જોઈએ એવી માંગ ઉઠી છે.
નર્મદા જિલ્લામાં ચૈત્ર મહિના દરમિયાન યોજાતી ઉત્તરવાહી નર્મદા પંચકોશી પરિક્રમાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.થોડા દિવસ પેહલા જ ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટર આર.વી.વાળા સહિત જિલ્લાના અધિકારીઓએ પરિક્રમા રુટનું અને પરિક્રમાવાસીઓને સામે પાર જવા માટે શેહરાવથી તિલકવાડા વચ્ચે બનાવાયેલા હંગામી પુલ પર ચાલીને નિરીક્ષણ કર્યું હતું.
હવે આ નિરીક્ષણના ગણતરીના કલાકોમાં જ હંગામી પુલ ધોવાઈ જતાં અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે પરિક્રમા ચાલુ થાય એ દિવસે આ જ હંગામી પુલ પરથી હજારો લોકો પસાર થાય છે ત્યારે એ વખતે જો આ પુલ ધોવાયો હોત તો કેવી અફરાતફરીનો માહોલ સર્જાયો હોત સાથે સાથે કેટલી મોટી જાન હાનિ થઈ હોત એ વિચારવુ પણ કમકમાટી ભર્યું છે.આ હંગામી પુલ કઈ એજન્સીએ બનાવ્યો, પુલ બન્યા બાદ કમ્પલીશન સર્ટિફિકેટ તંત્ર તરફથી એજન્સીને મળ્યું છે કે કેમ અને જો મળ્યું હોય તો પુલનું નિરીક્ષણ કરનાર અધિકારીઓએ આંખે પાટા બાંધી કમ્પલીશન સર્ટિફિકેટ એજન્સીને આપી દીધું હશે સહિત અનેક પ્રશ્નો હાલ ઉઠી રહ્યા છે
(9:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
