તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 17th March 2026
ઉના અત્યાચાર કાંડમાં વેરાવળ અદાલતનો મોટો ફેંસલો: ૫ મુખ્ય આરોપીઓ દોષિત ઠર્યા, જ્યારે ૩૭ નિર્દોષ જાહેર!
એટ્રોસિટી એક્ટ હેઠળ ૫ વર્ષની સજા છતાં આરોપીઓ જેલમુક્ત થશે : ૬ વર્ષ અગાઉ કાપી ચૂક્યા હોવાથી સજાની અવધિ પૂર્ણ : ચુકાદાથી પીડિત પરિવારમાં રોષ : હાઇકોર્ટ અને સુપ્રીમમાં લડતની તૈયારી

વેરાવળ:ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મોટા સમઢિયાળા ગામે ૨૦૧૬માં બનેલી ચકચારી દલિત અત્યાચારની ઘટનામાં ૧૦ વર્ષના લાંબા અંતરાલ બાદ આજે વેરાવળ સેશન્સ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. અદાલતે આ કેસમાં ૫ મુખ્ય આરોપીઓને પૂર્વનિયોજિત હુમલો કરવાના ગુનામાં કસૂરવાર ઠેરવી સજા ફટકારી છે, જ્યારે પુરાવાના અભાવે ૪ પોલીસકર્મીઓ સહિત ૩૭ અન્ય આરોપીઓને નિર્દોષ જાહેર કરીને મુક્ત કર્યા છે.
સજાની અવધિ અને ટેકનિકલ કારણોસર મુક્તિ:
કોર્ટે પાંચેય મુખ્ય આરોપીઓને એટ્રોસિટી એક્ટ અને આઈપીસીની વિવિધ કલમો હેઠળ મહત્તમ ૫ વર્ષ સુધીની સજા અને દંડની જોગવાઈ કરી છે. જોકે, આ કેસમાં એક મહત્વનું પાસું એ રહ્યું કે આ આરોપીઓ અગાઉ જ ૬ વર્ષથી વધુનો સમય જેલમાં વિતાવી ચૂક્યા છે. કાયદાકીય નિયમ મુજબ તમામ સજાઓ એકસાથે ભોગવવાની હોવાથી, તેમની સજાનો સમયગાળો પૂર્ણ થયેલો ગણવામાં આવશે અને આ આરોપીઓ હવે જેલની બહાર આવી શકશે.
ન્યાય માટે આગળ વધશે પીડિતો: જિજ્ઞેશ મેવાણીની એન્ટ્રી
અદાલતના આ નિર્ણય સામે પીડિત પરિવારે ઉગ્ર અસંતોષ વ્યક્ત કર્યો છે. ફરિયાદી વશરામ સરવૈયાએ જણાવ્યું છે કે, જે રીતે આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા છે તે જોતા આ ન્યાય અધૂરો છે. પરિવાર આ ચુકાદાને પડકારવા માટે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવવાની તૈયારી કરી રહ્યું છે. આ દરમિયાન રાજકીય ગલિયારાઓમાં પણ હલચલ મચી છે અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી દ્વારા આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજીને લડત આપવાની જાહેરાત કરવામાં આવી છે.
ઇતિહાસની એ કાળી ઘટના
૧૧ જુલાઈ ૨૦૧૬ના રોજ મોટા સમઢિયાળા ગામે મરેલી ગાયનું ચામડું ઉતારવાની બાબતે દલિત યુવાનો પર ગૌરક્ષકોના નામે આવેલા શખ્સોએ હુમલો કર્યો હતો. પીડિતોને કાર પાછળ બાંધીને નિર્દયતાથી ફટકારતા હોવાનો વીડિયો વાયરલ થતા સમગ્ર દેશમાં દલિતોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ વિરોધ પ્રદર્શનોમાં ગુજરાતમાં ૭૪ જેટલા હુલ્લડના બનાવો નોંધાયા હતા અને એક પોલીસ જવાનનું મોત પણ નીપજ્યું હતું. ૧૦ વર્ષની ન્યાયિક લડત બાદ આવેલા આ ચુકાદાએ ફરી એકવાર મામલો ગરમાવ્યો છે.
(12:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
