<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

ચાણસ્માના ઝીલિયા ગામે મંદિરના ફાળાના વિવાદમાં ભાવેશ રબારીના ઘર પર ટોળાનો હુમલો :પોલીસ વાન પર પથ્થરમારો

આ મામલે બે ફરિયાદો નોંધાઈ જેમાં પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી એક ગાડી કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામે અજાણ્યા શખ્સોના એક મોટા ટોળાએ ભાવેશ રબારીના ઘર પર પ્રાણઘાતક હથિયારો સાથે હિંસક હુમલો કર્યો હતો. રામાપીરના નવીન મંદિરના ફાળા બાબતે ચાલી રહેલા મનદુઃખને કારણે આરોપી જીતુભા અને તેના સાથીઓએ ગાડીઓમાં આવીને પથ્થરમારો અને તોડફોડ કરી હતી. આ હુમલા દરમિયાન બચાવવા આવેલી પોલીસની 112 વાન પર પણ હિંસક હુમલો કરવામાં આવતા અફરાતફરી મચી ગઈ હતી 

 મળતી જાણકારી મોડી રાત્રે અચાનક ગાડીઓમાં સવાર થઈને આવેલા 15 થી 20 શખ્સોનું ટોળું લાકડી અને ધોકા જેવા હથિયારો સાથે ભાવેશ રબારીના ઘર પાસે ધસી આવ્યું હતું. આ ટોળાએ ઘરની ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું. હુમલાના દ્રશ્યો સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થયા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે હુમલાખોરો કેટલા બેફામ બન્યા હતા. 

  ઘટનાની જાણ થતા તાત્કાલિક સ્થળ પર પહોંચેલી 112 પોલીસ વાન પર પણ ઉશ્કેરાયેલા ટોળાએ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ પોલીસની ગાડીઓને નિશાન બનાવી હતી. કાયદો અને વ્યવસ્થા જાળવનાર પોલીસ પરના આ હુમલાએ સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચાવી દીધો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ઝીલિયા ગામે બની રહેલા રામાપીરના નવીન મંદિરના ફાળાની ઉઘરાણી અને વ્યવસ્થા બાબતે ભાવેશ રબારી અને મુખ્ય આરોપી જીતુભા વચ્ચે અગાઉથી મનદુઃખ ચાલતું હતું. આ અદાવત રાખીને જીતુભાએ પૂર્વ આયોજિત કાવતરું રચીને આ હુમલો કરાવ્યો હોવાનું સામે આવ્યું છે

   આ મામલે ચાણસ્મા પોલીસ મથકે બે અલગ-અલગ ફરિયાદો નોંધાઈ છે. પ્રથમ ફરિયાદમાં પોલીસ પોતે ફરિયાદી બની છે, જ્યારે બીજી ફરિયાદ રોનક દેસાઈએ નોંધાવી છે. રોનક દેસાઈની ફરિયાદમાં 3 નામજોગ શખ્સો સહિત 15 થી 20 ના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા અત્યાર સુધીમાં ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા છે અને હુમલામાં વપરાયેલી એક ગાડી પણ ડિટેન કરવામાં આવી છે. હાલ અન્ય ફરાર આરોપીઓની શોધખોળ તેજ કરી દેવામાં આવી છે.

(7:25 PM IST)