News of Tuesday, 17th March 2026
અંબાજી મંદિર ખાતે દારૂ અને નોનવેજ ની ઘટનામાં સામેલ ૬ શખ્સો સામે એફઆઇઆર થશે : જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા
અંબાજી મંદિરમાં દાનપેટીની આવક સાથે ચેડા કરી નાણાકીય ગેરરીતિ આચરનાર ૫ પાંચ શખ્સો સામે પણ પોલીસ ફરિયાદ થશે:અનઅધિકૃત રીતે મંદિરમાં રાત્રી રોકાણ કરી દારૂ -નોનવેજ(મટન)ના સેવન કરનાર ૬ શખ્સો અને દાનપેટીની આવક સાથે ચેડા કરી નાણાકીય ગેરરીતિ આચરનાર ૫ શખ્સો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરાશે : કુલ ૧૧ શખ્સો સામે પોલીસ ફરિયાદના આદેશ:જિલ્લા કલેકટર અનીલકુમાર રાણાવસિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી આપી જાણકારી

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ : ગિરનાર પર્વત પર સ્થિત સુપ્રસિદ્ધ અંબાજી માતાજીના મંદિર પરિસરમાં દારૂ અને નોનવેજનું સેવન કરનાર ૬ શખ્સો અને અંબાજી મંદિરમાં દાનપેટીની આવક સાથે ચેડા કરી નાણાકીય ગેરરીતિ આચરનાર ૫ પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે.
જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ આ ઘટના સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજી જાણકારી આપી હતી કે, અંબાજી મંદિર ખાતેની ઘટનાને રાજ્ય સરકારે પણ ગંભીરતાથી લીધી હતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ તટસ્થ તપાસ કરી કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
અંબાજી મંદિરની ઘટના અંગેના જે સમાચાર માધ્યમો દ્વારા અહેવાલ પ્રસિદ્ધ થયા હતા ત્યારબાદ તાત્કાલિક ધોરણે પ્રાંત અધિકારીશ્રીને તપાસ અધિકારી તરીકે નિમણૂક કરીને ઘટનાની જરૂરી તપાસ હાથ ધરી હતી.
આ તપાસ દરમિયાન આ સમગ્ર ઘટના તા.૨૨- ૧૦- ૨૦૨૫ની હોવાનું સામે આવ્યું છે, જેમાં મુખ્યત્વે ૬ લોકો સામેલ છે. જે પૈકી ૨ સગીર છે. આ ઘટનાના મુખ્ય વ્યક્તિ મંદિરના મુખ્ય પૂજારી કિશોરસિંહ ચૌહાણના પુત્ર અભિષેક કિશોરસિંહ ચૌહાણ છે. એ લગભગ આ ઘટના પૂર્વે એક અઠવાડિયા પહેલા ત્યાં જ હતા. અન્ય જે લોકો છે તે તેમના મિત્ર તરીકેની ઓળખાણ આપી રહ્યા છે. જેમાં છગનભાઈ ડાભી જે નોનવેજ અને દારૂ શહેર વિસ્તારમાંથી મંદિર સુધી લઈ જવામાં તેમનો મુખ્ય રોલ હતો. ઘટનામાં અન્ય લોકો છે એ સીડીના મારફતે મંદિરે પહોંચ્યા હતા. જે મંદિરની ગોખ છે એના આગળના ભાગમાં એ લોકોએ ત્યાં રાત્રિ દરમિયાન દારૂનું સેવન કર્યું હતું અને ત્યારબાદ અભિષેક ચૌહાણ તેમને મંદિરના ભંડાર ખાતે જમવા માટે લઈ ગયેલો હતો ત્યાં તેમણે મટનનું સેવન કરેલું હતું.
આ સમગ્ર ઘટનામાં વહીવટદાર તરફથી આ લોકોને કોઈપણ પ્રકારની મંદિરમાં જવાની, ત્યાં રાત્રિ રોકાણ કરવાની, પૂજા પાઠ કરવાની કોઈ પણ પ્રકારની મંજૂરી આપેલ ન હતી. તેમ છતાં આ તમામ લોકોએ અનઅધિકૃત રીતે ત્યાં પ્રવેશ કર્યો હતો અને અનઅધિકૃત રીતે ત્યાં રાત્રી રોકાણ પણ કર્યું હતું.
આમ, કરોડો લોકોનું આસ્થા કેન્દ્ર છે તેવા અંબાજી મંદિરમાં ગેરકાયદેસર કૃત્યો કરી લોકોની આસ્થાને ઠેસ પહોંચાડી છે. એટલે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઇ વહીવટદારને તમામ લોકો સામે એફઆઇઆર દાખલ કરવા સૂચના આપવામાં આવી છે.
જિલ્લા કલેકટરએ અંબાજી મંદિરમાં જ બનેલ અને વિવિધ સમાચાર માધ્યમો દ્વારા પ્રસારિત બીજી ઘટના સંદર્ભે જણાવ્યું કે, મંદિરમાં પૂજારીઓ દ્વારા દાનપેટીની આવક સાથે ચેડા કરી નાણાકીય ગેરરીતિ આચરતા હોવાના વિડિયો પુરાવા પરથી ફલિત થઈ રહ્યું છે. કેટલાક પૂજારીઓ દાનપેટી પર કપડું કે અન્ય વાસણ રાખી દાનના નાણાં ભેટ પૂજા તરીકે સ્વીકારી અને તેને દાનપેટીમાં કે મંદિરમાં ડિપોઝિટ ન કરાવી નાણાકીય અનિયમિતતા આચરેલ હતી. આ નાણાકીય અનિયમિતતાઓ આચરતા શખ્સો પૈકી માત્ર એક જ મંદિરનો અધીકૃત નિમાયેલો પૂજારી હતો બાકીના તમામ અનધિકૃત વ્યક્તિઓ હતા.
જિલ્લા કલેકટરએ જણાવ્યું કે, મહિનામાં એકવાર વહીવટદારશ્રી તરફથી દાન પેટી કર્મચારીઓ અને મંદિરના પૂજારીઓની હાજરીમાં ખોલવામાં આવતી હોય છે અને જે પણ દાનની રકમ એકત્ર થઈ હોય તેને બેન્ક એકાઉન્ટમાં જમા કરવામાં આવતી હોય છે. ત્યારબાદ જ મંદિરના રખરખાવ માટે અને અલગ અલગ પૂજારીઓના પગાર પેટે ખર્ચ કરવામાં આવતો હોય છે.
આ નાણાકીય અનિયમિતતા ધ્યાને લઈ યોગેશગીરી, દુષ્યંતગીરી, દેવગીરી, કુંદનગીરી, ભરતનાથ એમ ૫ વ્યક્તિઓ સામે પણ વહીવટદારને એફઆઇઆર દાખલ કરવા માટે સૂચના આપવામાં આવી છે.
જિલ્લા કલેકટરએ એમ પણ ઉમેર્યું હતું કે, આ ઘટનાની ગંભીરતા લઈને મંદિરના ચાર્જમાં રહેલા વહીવટદારને પણ નોટિસ આપીને ખુલાસો પૂછવામાં આવશે અને તપાસ દરમિયાન વહીવટદારશ્રીની બેદરકારી સામે આવશે, તો તેમની સામે પણ પગલાં લેવામાં આવશે.
આમ, પ્રથમ ઘટનામાં ૬ વ્યક્તિઓ અને બીજી ઘટનામાં ૫ એમ કુલ ૧૧ વ્યક્તિઓ સામે એફઆઇઆર કરવામાં આવશે.
જિલ્લા કલેકટરએ એમ પણ કહ્યું કે, અંબાજી મંદિર ખાતે તા.૨૯-૧૧- ૨૦૨૪થી દિવસથી વહીવટદારનું શાસન શરૂ થયું છે, જેમાં મંદિરના વહીવટ માટે ૧૨ વ્યક્તિઓને અધિકૃત રીતે નિમણૂક કર્યા હતા. જે પૈકી ૯ પુજારી, ૧ પી.આર.ઓ.,૧ રસોઈયો અને ૧ સફાઈ કામદાર છે. આ બધા કર્મચારીઓ પણ જુદા જુદા નિવેદનમાં સ્વીકાર કરે છે, જે જે ઘટના ઘટી છે અથવા આવી પ્રવૃત્તિ ન થાય એના માટે વહીવટદારને જે સહયોગ આપવો જોઈએ, તેમાં ઉણા ઉતરવાની સાથે નિષ્ફળ નીવડ્યા છે. એટલે તેમની પણ મંદિર ખાતે પ્રવેશબંધી કરવામાં આવી છે. આ માટે પણ જરૂરી તપાસ અને કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે.
વધુમાં જિલ્લા કલેકટરએ એમ પણ ઉમેર્યું હતું કે, અંબાજી મંદિર ખાતે મહંતની જે નિમણૂકની પ્રક્રિયા ચાલે છે તે હાલ પૂરતી રદ કરવામાં આવી છે અને આ બાબતે હાલની ઘટનાના સંદર્ભમાં નવેસરથી નિમણૂકની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આ ઘટના ફરી વખત ન બને તે માટે નવેસરથી મંદિરમાં અનુશાસન વાળી વ્યવસ્થા ગોઠવાઈ તે માટે મંદિરને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવા, મંદિરમાં ફરજ બજાવતા કર્મચારીઓનું રજીસ્ટર રાખવા, પરવાનગી વગર રાતે રોકાણ ન કરવા, વહીવટદાર દ્વારા દર અઠવાડિયે મંદિરની નિયમિત મુલાકાત લેવા, રાઉન્ડ ધી ક્લોક સિક્યુરિટી ગોઠવવા માટે વહીવટદાર અને મામલતદાર જૂનાગઢ શહેરને સુચના આપવામાં આવેલ છે અને તેનો સત્વરે અમલ કરવા આદેશ કરેલ છે.
આ સાથે જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ સ્પષ્ટ સંદેશ આપતા જણાવ્યું છે કે, જૂનાગઢ ખાતે આવેલા ભવનાથ ક્ષેત્ર અને ગિરનાર ક્ષેત્રના તમામ ધર્મસ્થાનો સાથે કોઈપણ પ્રકારની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચે અથવા મંદિરની ગરિમાને નુકસાન પહોંચે તે પ્રકારનું કોઈ પણ કૃત્ય ચલાવી લેવામાં આવશે નહીં અને આવું કશું પણ ધ્યાને આવશે તો તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે
(8:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
