News of Tuesday, 17th March 2026
પાલનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે કૌશલ પટેલની વરણી થતા ભડકો:કાર્યકરોમાં વિરોધનો સુર ઉઠ્યો
પૂર્વ પ્રમુખ અને 70 સભ્યોએ સાંસદ ગેનીબેન ઠાકોર અને જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ પર મનસ્વી વહીવટનો આરોપ લગાવી પ્રેસ કોન્ફરન્સ યોજી

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસ પક્ષમાં મોટું ભંગાણ અને અસંતોષ જોવા મળી રહ્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખની તાજેતરની વરણીને લઈને પક્ષના પાયાના કાર્યકરો અને હોદ્દેદારોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ વિવાદ એટલી હદે વકર્યો છે કે શહેર કોંગ્રેસના પૂર્વ હોદ્દેદારોએ જાહેરમાં આવીને પક્ષના વરિષ્ઠ નેતાઓ સામે મોરચો માંડ્યો છે.
તાજેતરમાં પાલનપુર શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને મંત્રી સહિતના આગેવાનોએ એક પત્રકાર પરિષદ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે સીધેસીધા આક્ષેપો બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત પર કર્યા છે. આક્ષેપ કરવામાં આવ્યો છે કે પક્ષના પાયાના અને વફાદાર કાર્યકરોની અવગણના કરીને મનસ્વી રીતે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.
મુખ્ય વિરોધ કૌશલ પટેલની પાલનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકેની નિમણૂક સામે છે. વિરોધ કરી રહેલા નેતાઓનું કહેવું છે કે જે વ્યક્તિ પક્ષના સત્તાવાર સભ્ય પણ નથી, તેમની સીધી નિમણૂક પ્રમુખ પદે કઈ રીતે કરી શકાય? આ નિર્ણયથી પક્ષના વર્ષો જૂના કાર્યકરોમાં અન્યાયની લાગણી જન્મી છે. અંદાજે 70 જેટલા સભ્યોને કોંગ્રેસના મુખ્ય આગેવાનોએ આ નિમણૂકનો સખત વિરોધ નોંધાવ્યો છે.
આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, જો આ વિવાદ વહેલી તકે ઉકેલવામાં નહીં આવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. કાર્યકરોએ ચીમકી આપી છે કે જો પક્ષ હાઈકમાન્ડ આ બાબતે દખલ નહીં કરે તો આગામી દિવસોમાં સામુહિક રાજીનામા પણ પડી શકે છે. હાલમાં આ મુદ્દો સમગ્ર બનાસકાંઠાના રાજકારણમાં ગરમાવો લાવી રહ્યો છે.
(8:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
