<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

બીલીમોરા પોલીસે ચિરાગ ગોટીનો કબજો મેળવ્યો :પોલીસે લોજપોલ જેલથી લાવીને રિકન્સ્ટ્રક્શન કર્યું

બિલિમોરામાં એક યુવકને ઢોર માર મારી તેનો વીડિયો વાયરલ કરવાના ગુનામાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

નવસારી જિલ્લાની બીલીમોરા પોલીસે આજે એક મહત્વપૂર્ણ કાર્યવાહીમાં સુરતના કુખ્યાત ગુનેગાર ચિરાગ ગોટીનો ટ્રાન્સફર વોરંટ દ્વારા કબજો મેળવ્યો છે. લોજપોર જેલથી લાવવામાં આવેલા આ શખ્સને તેના દ્વારા આચરવામાં આવેલા ગુનાના સ્થળે લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. બિલિમોરામાં એક યુવકને ઢોર માર મારી તેનો વીડિયો વાયરલ કરવાના ગુનામાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતનો કુખ્યાત શખ્સ ચિરાગ ગોટી અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે. આરોપ છે કે તેણે બીલીમોરા ખાતે તેની પાસે નોકરી કરતા એક યુવકને તેણે અત્યંત ક્રૂરતાપૂર્વક માર માર્યો હતો. આ મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી ગઈ હતી. પીડિત યુવકે હિંમત બતાવી બિલિમોરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે તપાસનો ધમધમતો દોર શરૂ કર્યો હતો.

 

ચિરાગ ગોટી અન્ય ગુનામાં સુરતની લોજપોર જેલમાં બંધ હતો. બિલિમોરા પોલીસે કોર્ટમાં ટ્રાન્સફર વોરંટની અરજી કરી તેનો કબજો મેળવ્યો હતો. આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેને બિલિમોરા લાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ચિરાગ સામે અગાઉ ખંડણી, અપહરણ , અને ડ્રગ્સ પ્લાન્ટ કરવા જેવા અનેક જઘન્ય ગુનાઓ નોંધાયેલા છે.

 

બીલીમોરા પોલીસે તપાસના ભાગરૂપે ચિરાગ ગોટીને જે સ્થળે મારપીટની ઘટના બની હતી ત્યાં લઈ જઈ તપાસ કરી હતી. રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસે પુરાવા એકત્રિત કર્યા હતા. આશ્ચર્યની વાત એ હતી કે ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવા છતાં પોલીસ કસ્ટડીમાં પણ ચિરાગ ગોટી મીડિયાર્મીઓને સલાહ આપતો જોવા મળ્યો હતો. તેની આ વર્તણૂક નગરજનોમાં ચર્ચાનો વિષય બની હતી.

 

ચિરાગ ગોટી સુરત અને દક્ષિણ ગુજરાતમાં ભયનું પ્રતીક માનવામાં આવે છે. તેના પર વેપારીઓને ધમકાવવા, ખોટી રીતે ફસાવવા અને હિંસક હુમલા કરવાના સંખ્યાબંધ કેસો છે. પોલીસે જણાવ્યું કે આ રિકન્સ્ટ્રક્શનથી કેસ વધુ મજબૂત બનશે અને પીડિત યુવકને ન્યાય અપાવવામાં મદદ મળશે.

(9:12 PM IST)