તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 17th March 2026
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 8,586 અને માધ્યમિક શાળાઓમાં 856 ઓરડાઓની ઘટ
સૌથી ખરાબ સ્થિતિ બનાસકાંઠા જિલ્લામાં જ્યાં 1,140 ઓરડા ખૂટે છે:વિપક્ષી ધારાસભ્યના સવાલના જવાબમાં સરકારે આ માહિતી આપી

ગાંધીનગર :ગુજરાત વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન રાજ્યની શિક્ષણ વ્યવસ્થાને લઈને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે લેખિતમાં સ્વીકાર્યું છે કે ગુજરાતની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં હજારો ઓરડાઓની ઘટ વર્તાઈ રહી છે. આ આંકડાઓએ રાજ્યના 'વિકાસ' અને શિક્ષણના દાવાઓ સામે અનેક પ્રશ્નાર્થ ચિન્હો ઊભા કર્યા છે.
સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતી મુજબ, રાજ્યભરની સરકારી પ્રાથમિક શાળાઓમાં કુલ 8,586 ઓરડાઓની ઘટ છે. આ ઓરડાઓની ગેરહાજરીમાં હજારો બાળકોને યોગ્ય સુવિધા વગર અભ્યાસ કરવો પડી રહ્યો છે. શિક્ષણના અધિકાર હેઠળ પૂરતી પાયાની સુવિધાઓ આપવી ફરજિયાત હોવા છતાં, આટલી મોટી સંખ્યામાં ઓરડાઓની અછત ચિંતાનો વિષય છે.
રાજ્યના વિવિધ જિલ્લાઓની સરખામણીમાં બનાસકાંઠા જિલ્લાની સ્થિતિ સૌથી વધુ કફોડી જોવા મળી છે. એકલા બનાસકાંઠાની પ્રાથમિક શાળાઓમાં જ 1,140 ઓરડાઓની ઘટ નોંધાઈ છે. સરહદી અને પછાત ગણાતા આ જિલ્લામાં આટલી મોટી અછતને કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય અને અભ્યાસ પર વિપરીત અસર પડી રહી છે. અન્ય જિલ્લાઓમાં પણ સ્થિતિ કંઈ ખાસ સારી નથી, જ્યાં વર્ષોથી નવા ઓરડાના બાંધકામની મંજૂરી અટકેલી છે.
માત્ર પ્રાથમિક જ નહીં, પરંતુ ઉચ્ચ શિક્ષણનો પાયો ગણાતી સરકારી માધ્યમિક શાળાઓમાં પણ ઓરડાઓની તીવ્ર અછત છે. સરકારી ડેટા મુજબ, રાજ્યની માધ્યમિક શાળાઓમાં 856 ઓરડાઓની ઘટ છે. જ્યારે સરકાર ડિજિટલ શિક્ષણ અને સ્માર્ટ ક્લાસરૂમની વાતો કરી રહી છે, ત્યારે બીજી તરફ બેસવા માટે પૂરતા વર્ગખંડો પણ ઉપલબ્ધ નથી.
વિધાનસભામાં આ આંકડાઓ સામે આવ્યા બાદ વિપક્ષે સરકાર પર પ્રહારો કર્યા છે. ધારાસભ્યોએ આક્ષેપ કર્યો છે કે સરકાર મસમોટા ઉત્સવો પાછળ કરોડોનો ખર્ચ કરે છે, પરંતુ રાજ્યના બાળકોના અભ્યાસ માટે ઓરડા બનાવવામાં ઉદાસીનતા દાખવે છે. જો સત્વરે આ ઘટ પૂરી કરવામાં નહીં આવે, તો ડ્રોપ-આઉટ રેશિયો વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
(9:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
