તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 17th March 2026
ગુજરાત સરકાર માત્ર રસ્તાઓ નથી બનાવતી, પરંતુ કરોડો નાગરીકોના સપનાઓને સાકાર કરતા સેતુ બનાવે છે: મંત્રી ઋષિકેશ પટેલ
માર્ગ અને મકાન વિભાગમાં 3100 નવી જગ્યાઓ ભરાશે: છેલ્લા ૨૫ વર્ષમાં રાજ્યનું રોડ નેટવર્ક એક લાખ કિમીથી વધીને ૧.૩૫ લાખ કિ.મી.થી વધુ થયું:રસ્તાની ગુણવત્તા જાળવવા OPRC પદ્ધતિ લાગુ થશે; હવે કોન્ટ્રાક્ટરોને રકમની ચૂકવણી જથ્થાને બદલે રસ્તાના પર્ફોમન્સના આધારે થશે: વેસ્ટ પ્લાસ્ટિક અને કોલ્ડ મિક્સ ટેકનોલોજીથી રસ્તા બનશે; જંબુસરમાં ૧૦ કિ.મી.નો પાયલોટ પ્રોજેક્ટ શરૂ: ઋષિકેશ પટેલ

ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ખાતે માર્ગ અને મકાન વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચા દરમિયાન મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસનો નવો રોડમેપ રજૂ કર્યો હતો. મંત્રી પટેલે જણાવ્યું હતું કે, કોઈપણ રાજ્યના વિકાસની સાચી ઓળખ એની રોડ કનેક્ટીવીટી અને મજબુત ઈન્ફ્રાસ્ટ્રકચરમાં દેખાય છે.જ્યાં રોડ નેટવર્ક સુદ્રઢ હોય છે ત્યાં મુસાફરી સરળ બનવાની સાથે જ રાજ્યના ઉદ્યોગ ધંધા, વેપાર, પર્યટનને નવી ગતી મળે છે.
મંત્રી ઋષિકેશ પટેલે “રાજ્યના અવિરત વિકાસને જ સર્વશ્રેષ્ઠ રાજનીતિ” ગણાવતા, ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવવા માટે મજબૂત રોડ કનેક્ટિવિટી પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, વર્ષ ૨૦૦૧માં રાજ્યનું રોડ નેટવર્ક ૧ લાખ કિ.મી. હતું, જે ૨૦૨૫ સુધીમાં વધીને ૧.૩૫ લાખ કિ.મી.થી વધુ થયું છે.
મંત્રીએ આઉટપુટ એન્ડ પરફોર્મન્સ બેઝ્ડ રોડ કોન્ટ્રાક્ટ પદ્ધતિ અને સ્માર્ટ મેઈન્ટેનન્સ અંગે જણાવ્યું હતું કે, રાજ્યના બજેટમાં રસ્તાઓની ગુણવત્તા અને આયુષ્ય વધારવા માટે કેટલીક ક્રાંતિકારી પદ્ધતિઓ જાહેર કરવામાં આવી છે. OPRC પદ્ધતિ માટે રૂ. ૨૦૦ કરોડની જોગવાઈ કરાઈ છે. જેમાં રકમની ચૂકવણી કામના જથ્થાને બદલે રસ્તાના પર્ફોમન્સના આધારે થશે, જે રાજ્ય સરકારનો ખર્ચ ઘટાડશે અને રસ્તાનું આયુષ્ય વધારશે.
આ ઉપરાંત રાજ્ય હસ્તકના સ્ટેટ હાઈવેની STMC-શોર્ટ ટર્મ મેઈન્ટેનન્સ કોન્ટ્રાક્ટ મુજબ જાળવણી માટે રૂ. ૧૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. એક નવી પહેલના ભાગરૂપે ૫૦ કિ.મી.ની લંબાઇના રસ્તાનું કલ્સટર બનાવી કોન્ટ્રાકટ કરવામાં આવશે. જેમાં મરામતની તમામ કામગીરીઓનો સમાવેશ કરવામાં આવશે.
માર્ગ અને મકાન વિભાગમાં વર્ષ 2025- 26 ના બજેટમાં 1180 તથા વર્ષ 2026-27 ના બજેટમાં 1930 મળીને વિવિધ સંવાદની કુલ 3110 નવી જગ્યાઓ મંજૂર કરાઈ છે જે ટૂંક સમયમાં ભરવામાં આવશે.
ગુજરાતમાં મુખ્યમંત્રી રોડ અને એસેટ મેઇન્ટેનન્સ પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવશે. રાજ્યમાં ૭૦ થી ૮૦ ટકા ટ્રાફીક વહન કરતા અગત્યના હાઇવેનું સુચારૂ મેઇન્ટેનન્સ થાય, માર્ગોની સતત ક્ષમતા વધારવા, રાઇડીંગ ક્વોલિટી સુધારવા, રોડ સેફ્ટી સુનિશ્ચિત કરવા તથા રાજ્યના હાઈવે નેટવર્ક અને એસેટ્સ માટે પદ્ધતિસર લાઇફ સાયકલ મેનેજમેન્ટ થાય તે હેતુથી રોડ અને એસેટ મેન્ટેનન્સ માટે એક સંકલિત પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે.
રાજ્યમાં હાલમાં મોટા પાયે માર્ગ નિર્માણની કામગીરી ચાલી રહી છે તેમ જણાવતા મંત્રીએ ઉમેર્યું હતું કે, પ્રગતિપથ યોજના હેઠળ રાજ્યના એક છેડેથી બીજા છેડે ૬ થી ૮ કલાકમાં પહોંચી શકાય તે માટે ૯ કોરિડોરનું ચાર માર્ગીયકરણ કરવામાં આવી રહ્યું છે. બજેટમાં આ માટે રૂ. ૨૪૦ કરોડની નવી જોગવાઈ કરાઈ છે.
તદુપરાંત, તાલુકા અને જિલ્લા કનેક્ટિવિટી અંગે કહેવામાં આવ્યું હતું કે, રાજ્યના ૨૬૭ તાલુકા મથકોને જોડતા રસ્તાઓના મજબૂતીકરણ માટે રૂ. ૯૨૭ કરોડની નવી જોગવાઈ કરવામાં આવી છે. મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજના હેઠળ “સમૃદ્ધ ગ્રામ થકી સમૃદ્ધ ગુજરાત”ના સંકલ્પ સાથે ગ્રામીણ રસ્તાઓ માટે રૂ. ૫,૬૦૩ કરોડની જંગી જોગવાઈ કરવામાં આવી છે.
નમો શક્તિ અને સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ-વે અંગે મંત્રીએ કહ્યું હતું કે, ડીસા-સુરેન્દ્રનગર-પીપાવાવને જોડતો ૪૩૧ કિ.મી.નો નમો શક્તિ એક્સપ્રેસ-વે કુલ ૯ જિલ્લાઓને સાંકળી લેશે. જેના પરિણામે મુસાફરીનો સમય ૭.૩૦ કલાકથી ઘટીને માત્ર ૪ કલાક થશે અને આશરે ૩ થી ૩.૩૦ કલાકની બચત થશે.
તેવી જ રીતે, રૂ. ૫૭,૧૨૦ કરોડના ખર્ચે ૬૮૦ કિ.મી. લંબાઈ ધરાવતો સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ-વે પણ કુલ ૯ જિલ્લાઓને જોડશે. જેના પરિણામે અમદાવાદથી દ્વારકા પહોંચવાનો સમય પણ ૩ કલાક ઘટશે. આ ઉપરાંત અમદાવાદ-મહેસાણા ૮-લેન પ્રોજેક્ટ હેઠળ રૂ. ૨,૬૩૦ કરોડના ખર્ચે ૪૮ કિ.મી.ના આ માર્ગ પર એલિવેટેડ ફ્લાયઓવર અને ૮ નવા ફ્લાયઓવર બનાવવામાં આવશે.
કોસ્ટલ હાઇવે અને પરિક્રમા પથ અંગે મંત્રીએ જણાવ્યું હતું કે, દેશના સૌથી લાંબા દરિયાકિનારાના વિકાસ માટે ઉમરગામથી નારાયણ સરોવર સુધીનો ૧૦ મીટર પહોળો કોસ્ટલ હાઈવે બનાવવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટથી મત્સ્ય ઉદ્યોગ, પ્રવાસન અને રાષ્ટ્રીય સુરક્ષાને બળ મળશે. સાથે જ, પરિક્રમા પથ યોજના હેઠળ એક્સ્ટ્રીમ આઉટર રિંગ રોડ અને ઈનર રિંગ રોડ દ્વારા આંતરરાજ્ય કનેક્ટિવિટી પણ સુદ્રઢ થશે.
તેમણે જણાવ્યું હતું કે, પર્યાવરણની સુરક્ષા સાથે રસ્તા નિર્માણ માટે ગુજરાત નવી ટેકનોલોજી અપનાવી રહ્યું છે. વેસ્ટ પ્લાસ્ટિક, કોલ્ડ મિક્સ અને સિમેન્ટ સ્ટેબિલાઈઝેશન જેવી પદ્ધતિઓથી ‘ગ્રીન રોડ’ બનાવવામાં આવશે. જંબુસર ખાતે ૧૦ કિ.મી.નો પાયલોટ પ્રોજેક્ટ રૂ. ૫૦ કરોડના ખર્ચે આ ટેકનોલોજીથી સાકાર થઈ રહ્યો છે, જે કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મદદરૂપ થશે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે મંત્રીએ કહ્યું હતું કે, દેશના પ્રથમ અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલ્વે પ્રોજેક્ટમાં ગુજરાત સરકારે ૨૫ ટકા હિસ્સા પેટે રૂ. ૫,૦૦૦ કરોડની ઈક્વિટી પૂરી પાડી છે. આ પ્રોજેક્ટ રાજ્યને વૈશ્વિક ઓળખ આપશે.
મંત્રીએ અંતમાં જણાવ્યું હતું કે, ગરવી ગુજરાત હાઈ-સ્પીડ કોરિડોર અંતર્ગત રાજ્યના ૧૨ કોરિડોરની અંદાજિત ૧૦૩૨.૮૨ કી.મી. લંબાઈને રૂ.૭૨૪૬.૭૮ કરોડના ખર્ચે હાઈ-સ્પીડ તરીકે વિકસાવવાની મંજૂરી મળી છે. આ ૧૨ હાઇ સ્પીડ કોરીડોર બનવાથી ગુજરાતના દરેક ખુણા જોડાશે અને એકધારી ઝડપે સલામતી સાથે મુસાફરી શકય બનશે. આ બજેટ માત્ર આંકડા નથી પરંતુ ગુજરાતના વિકાસ વિઝનની ગાથા છે.
ચર્ચાના અંતે માર્ગ અને મકાન વિભાગની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી હતી
(10:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
