<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

''સુરત કટ ડાયમંડ'ને GI ટેગ મળ્યો: વૈશ્વિક ઓળખ મળતા સમગ્ર હીરા ઉદ્યોગમાં આનંદની લહેર છવાઈ

અમદાવાદમાં EDII દ્વારા જીઆઈ ટેગ સર્ટીફિકેટ એનાયત :સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખને GI ટેગનું પ્રમાણપત્ર સોંપાયું

સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે. હવે સુરત તેમજ ગુજરાતમાં તૈયાર થતા ડાયમંડને 'સુરત કટ ડાયમંડ' (Surat Cut Diamond) તરીકે જીયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI TAG) પ્રાપ્ત થયો છે. આ સિદ્ધિ મળતા જ સમગ્ર હીરા ઉદ્યોગમાં આનંદની લહેર છવાઈ ગઈ છે.

તાજેતરમાં અમદાવાદ ખાતે EDII  દ્વારા GI TAGનું સર્ટીફીકેટ એનાયત કરવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારત સરકારના કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન એન્ડ ટ્રેડ માર્કસ (CGPDTM) પ્રો. ડૉ. ઉન્નત પંડિતજી અને EDIIના ડાયરેક્ટર જનરલ ડૉ. સુનીલ શુક્લાના હસ્તે સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ ખૂંટને સુરત કટ ડાયમંડનું આ GI ટેગ પ્રમાણપત્ર સોંપવામાં આવ્યું હતું. આ ગૌરવશાળી ક્ષણે એસોસિએશનના પૂર્વ ઉપપ્રમુખ ગૌરવ સેઠી, પૂર્વ મંત્રી દામજીભાઈ માવાણી અને કારોબારી સભ્ય ભૂપતભાઈ કનાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

GI એટલે Geographical Indication જેનો ગુજરાતીમાં અર્થ ભૌગોલિક સંકેત થાય છે. GI ટેગ કોઈ નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર કે ગામમાં ઉત્પાદિત થતી અથવા બનતી કોઈ ખાસ વસ્તુને આપવામાં આવે છે. એવી વસ્તુ કે જે કોઈ નિશ્ચિત ગામ કે એરિયામાં જ બનતી હોય અથવા ઉત્પાદિત થતી હોય, બીજે ક્યાંય બનતી ન હોય.

તેમજ આ વસ્તુ કોઈ વિશેષ ગુણવત્તા ધરાવતી હોય અને જે તે વિસ્તાર તે વસ્તુ માટે પ્રખ્યાત હોય, ઉદાહરણ તરીકે પાટણના પટોળા જામનગરની બાંધણી, કલકત્તાનું મિષ્ટી દહીં, દાર્જિલિંગની ચા વગેરે, એમ પોલિશ ડાયમંડ સુરત અને તેના આસપાસ વિસ્તારમાં અને ગુજરાતના અન્ય જિલ્લામાં તૈયાર થાય છે.

સુરતનો ડાયમંડ ઉદ્યોગ વૈશ્વિક બજારમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે અને ભારતના લગભગ 90 ટકા પોલિશ્ડ ડાયમંડનું ઉત્પાદન કરે છે. GI ટેગની ઓળખ દ્વારા પ્રદેશની કુશળ કારીગરી અને વારસાને માન્યતા આપવા માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે.

GI ટેગ થી ફાયદાઓ

GI ટેગ જે તે વસ્તુની વિશેષ ગુણવત્તા અને સ્પેશિયાલીટી, યુનિકનેસ દર્શાવે છે.

GI ટેગ પ્રાપ્ત થતાં જ વસ્તુને વિશેષ ઓળખ તો મળે જ છે પણ સાથે સાથે તેને કાનૂની સુરક્ષા પણ મળી જાય છે.

GI ટેગ પ્રપ્ત થતા વસ્તુને બનાવનાર એટલે કે ઉત્પાદકોને આર્થિક રીતે ઘણો ફાયદો થાય છે. વસ્તુની માંગ વધે છે તેમજ એનું વેચાણ રાજ્ય, દેશ અને આંતરરષ્ટ્રીય સ્તરે ફેલાય છે.

(10:07 PM IST)