<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

હવે એન્જિનિયરિંગ ભણવું મોંઘું :FRC દ્વારા રાજ્યની ટેકનિકલ કોલેજોની ફી જાહેર કરાઈ

522 ટેક્નિકલ કોલેજોની 5 ટકા સુધીના વધારાને મંજૂરી: 433 સંસ્થાઓનો 4 ટકાથી 5 ટકા સુધી વધારો કરાયો

ગુજરાત રાજ્યની ટેકનિકલ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ફી નિર્ધારણ સમિતિ( FRC) દ્વારા રાજ્યની ટેકનિકલ કોલેજો માટે વર્ષ 2026-27 થી 2028-29 ના બ્લોક પિરિયડ માટે ફી જાહેર કરવામાં આવી છે. આ નવું માળખું આગામી ત્રણ શૈક્ષણિક વર્ષો સુધી અમલમાં રહેશે, જેની અસર ડિગ્રી એન્જિનિયરિંગ, ડિપ્લોમા અને અન્ય ટેકનિકલ કોર્સ પર પડશે.

 

સમિતિ દ્વારા કુલ 522 જેટલી સંસ્થાઓની દરખાસ્તોનો અભ્યાસ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર હસ્તકની એફ.આર.સી. (FRC) એ આ વખતે મહત્તમ 5 ટકા સુધીના વધારાને મંજૂરી આપી છે. નોંધનીય છે કે કોલેજો દ્વારા સંચાલન ખર્ચ અને શૈક્ષણિક સુવિધાઓના આધારે ફી વધારાની માંગ કરવામાં આવી હતી, જેની સામે સમિતિએ મર્યાદિત વધારો મંજૂર કર્યો છે.

આંકડાકીય વિગતો મુજબ, રાજ્યની મોટાભાગની સંસ્થાઓમાં આંશિક વધારો જોવા મળ્યો છે. કુલ 433 શૈક્ષણિક સંસ્થાઓ એવી છે કે જેમાં 4 ટકાથી લઈને 5 ટકા સુધીનો ફી વધારો મંજૂર કરવામાં આવ્યો છે. જ્યારે 27 જેટલી કોલેજો એવી છે કે જેમની ફીમાં માત્ર 1 ટકાથી 2 ટકાનો નજીવો વધારો કરવામાં આવ્યો છે. સૌથી રાહતના સમાચાર એ છે કે 49 જેટલી સંસ્થાઓને ફી વધારો આપવામાં આવ્યો નથી. આ સંસ્થાઓએ જૂની ફી મુજબ જ પ્રવેશ પ્રક્રિયા ચાલુ રાખવી પડશે 

મોંઘવારીના સમયમાં ટેકનિકલ શિક્ષણ મોંઘું થતા મધ્યમ વર્ગના પરિવારો પર આર્થિક બોજ વધશે. જોકે, એફ.આર.સી. (FRC) એ સ્પષ્ટતા કરી છે કે આ વધારો શૈક્ષણિક ગુણવત્તા જાળવવા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ના વિકાસ માટે જરૂરી છે. અમદાવાદ, સુરત (Surat), અને રાજકોટ જેવી મુખ્ય જગ્યાઓ પર આવેલી ખાનગી કોલેજોમાં આ વધારો વધુ અસરકારક સાબિત થઈ શકે છે.

(11:24 PM IST)