તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th March 2026
અમદાવાદના રાણીપમાં સગીરે ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કર્યું : સ્યુસાઇડ નોટમાં થયા ધડાકા
માતાની ફરિયાદના આધારે રાણીપ પોલીસે પિતા, દાદા-દાદી અને ફોઈ સામે નોંધ્યો ગુનો

અમદાવાદ: શહેરના રાણીપ વિસ્તારમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. અહીં માત્ર 17 વર્ષની ઉંમરના એક સગીરે 11 માર્ચે આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના માત્ર એક આત્મહત્યાનો કિસ્સો નથી, પરંતુ પારિવારિક કંકાસ અને માનસિક ત્રાસની પરાકાષ્ઠા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
ગઈ તા. 11 માર્ચના રોજ આ સગીરે અંતિમ પગલું ભર્યું હતું. જોકે, આત્મહત્યા કરતા પહેલા સગીરે એક સ્યુસાઇડ નોટ લખી હતી, જેમાં તેણે પોતાના જ પરિવારના સભ્યો સામે ગંભીર આક્ષેપો કર્યા છે. આ મામલે મૃતકની માતાએ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, મૃતક સગીરના પિતા, દાદા-દાદી અને ફોઈ દ્વારા તેને અને તેની માતાને સતત માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. સગીરે પોતાની સ્યુસાઇડ નોટમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે તે પિતા, દાદા અને દાદીના ત્રાસથી કંટાળી ગયો હતો. તેની માતાને અપાતા ત્રાસને જોઈને પણ તે ખૂબ જ વ્યથિત હતો.
રાણીપ પોલીસે સ્યુસાઇડ નોટ કબજે કરીને પરિવારના સભ્યો વિરુદ્ધ દુષ્પ્રેરણનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ પડોશીઓ અને સમગ્ર વિસ્તારમાં ચકચાર જગાવી દીધી છે, કારણ કે એક સગીરે પોતાના જ વડીલોના કારણે મોતને વહાલું કરવું પડ્યું છે. પોલીસ હાલમાં એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ત્રાસ કેટલા સમયથી ચાલતો હતો અને તેમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ.
(12:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
