News of Wednesday, 18th March 2026
સુરત કટ ડાયમંડને આખરે અનોખી ઓળખ મળી
સુરત કટ ડાયમંડને જીઆઇ ટેગ મળતા ઉદ્યોગકારોમાં ખુશીનો માહોલઃ અમદાવાદના સમારોહમાં સર્ટિફિકેટ એનાયત

સુરત તા.૧૮: સમગ્ર વિશ્વમાં સુરતમાં તૈયાર થતા પોલિશ્ડ ડાયમંડની માંગ સૌથી વધારે છે. તેના કારણે જ વિશ્વમાં વેચાણ થતા પોલિશ્ડ ડાયમંડ પૈકી ૯૦ ટકા ડાયમંડ સુરતના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવતો હોય છે. હવે તેમાં વધુ એક મોરપીછ ઉમેરાયું છે. કારણ કે અમદાવાદમાં યોજાયેલા સમારોહમાં સુરત ડાયમંડ એસોસિયેશનને સુરત ડાયમંડને અલગ ઓળખ મળી રહે તે માટે સુરત કટ ડાયમંડ તરીકેનું જીઆઇ ટેગ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે. તેના કારણે વિશ્વમાં હવે કોઈ પણ જગ્યાએ સુરતના પોલિશ્ડ ડાયમંડનું વેચાણ થશે તો તેને સુરત કટ ડાયમંડ તરીકે ઓળખવામાં આવશે.
ભારત સરકારના કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઈન્સ એન્ડ ટ્રેડ માર્ક્સ પ્રો.ડો. ઉન્નત પંડિતજી અને ઈડીઆઈઇના ડિરેક્ટર જનરલ ડો. સુનીલ શુકલાના હસ્તે સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ જગદીશ ખુંટને જીઆઈ ટેગનું સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું. આ સર્ટિફિકેટ મળવાને કારણે સુરતના હીરા ઉદ્યોગકારોને સૌથી વધુ ફાયદો થવાનો છે,
કારણ કે સમગ્ર વિશ્વમાં વેચાણ કરવામાં આવતા પોલિશ્ડ ડાયમંડમાં સુરતમાં જ ડાયમંડ તૈયાર કરવામાં આવ્યા છે તેની જાણકારી સરળતાથી મળતી નહોતી. જયારે હવે તેની અલગ ઓળખ મળવાના કારણે સુરતના ડાયમંડની અલગથી ઓળખ ઊભી થવાની છે. આ ઉપરાંત સુરતના હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરોની પણ માંગ વધવાની સાથે સાથે તેઓને લાંબા ગાળે આર્થિક ફાયદો થવાની પણ શક્યતા નકારી શકાય તેમ નથી, કારણ કે સુરતના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલા પોલિશ્ડ હીરાને હવેથી સુરત કટ ડાયમંડ તરીકે ઓળખવામાં આવનાર છે.(૩૮.૭)
જીઆઇ ટેગ મળવાથી થનારા ફાયદા
ગુજરાતમાં તૈયાર થતા હીરાને હવે આંતરરાષ્ટ્રીય સ્તરે કાનૂની સુરક્ષા અને અનોખી ઓળખ મળશે. હીરાના ઉત્પાદકોને આર્થિક રીતે મોટો ફાયદો થશે અને તેની માંગમાં વધારો થશે. હવે હીરાને સુરત કટ ડાયમંડના બ્રાન્ડ નામ સાથે વિશ્વભરમાં વેચી શકાશે. સુરતના હીરાઉદ્યોગ જે ભારતના ૯૦% પોલિશ્ડ ડાયમંડનું ઉત્પાદન કરે છે તેના કારીગરીને હવે વિશ્વકક્ષાએ માન્યતા મળી છે
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
