<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

ફૂટશે પ્રચારની ધાણી, તાપમાં થશે ઘાણી, મપાશે પાણી, નેતાઓની મોહક વાણી, સમજે પ્રજા શાણી

રૂમઝૂમ પગલા પડયા, રાજકારણીઓના હેત ઢળ્‍યા, લડવા કાર્યકરો ટોળે વળ્‍યા રે, ચૂંટણી તારા આવવાના એંધાણ થયા... : એક તરફ ઉનાળો જામશે, બીજી તરફ પાલિકા-પંચાયતોનો ચૂંટણી જંગઃ ઉમેદવારો અને કાર્યકરોની આકરી કસોટી

રાજકોટ તા. ૧૮ :..  ગુજરાતમાં રાજકીય ક્ષેત્રે નવો ઇતિહાસ સર્જનારી તાલુકા જિલ્લા પંચાયતો અને નગરો તથા મહાનગરોની ચૂંટણી એપ્રિલ મે મહિનામાં આવી રહી છે. ચૂંટણી પંચ રાજકીય પક્ષો અને ચૂંટણી લડવાની ઈચ્‍છા ધરાવતા કાર્યકરો તૈયારીમાં લાગી ગયા છે. રાજ્‍યમાં એક તરફ ઉનાળો બરાબર જામી ગયો હશે અને બીજી તરફ ચૂંટણીનો ગરમાવો દેખાશે . આકરા તાપમાનમા ઉમેદવારો અને પક્ષો માટે પ્રચાર કરવાનુ કઠિન બની જશે.

દર વખતે એપ્રિલ અને મે મહિનામાં જોરદાર તડકો હોય છે. આ વખતે માર્ચ મહિનાથી જ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીની ઉપર જતો રહ્યો છે. કુદરતી વાતાવરણ ગમે ત્‍યારે બદલાઈ શકે છે પરંતુ હાલની સ્‍થિતિ જોતા ચૂંટણી વખતે અસહ્ય ગરમી હોય તેવી ધારણા છે. બપોરના સમયે જાહેર પ્રચાર થઈ શકશે નહીં. રાત્રે માઈક વગાડવા માટે દસ વાગ્‍યા સુધીની સમય મર્યાદા છે. ચૂંટણી જાહેર થયા પછી મતદાન સુધીનો સમયગાળો એકદમ મર્યાદિત હોય છે .ઉનાળાના સમયમાં ચૂંટણી પ્રચાર કરવો કસોટીરૂપ થઈ જશે .

સામાન્‍ય રીતે સોશિયલ મીડિયા પ્રિન્‍ટ મીડિયા ઇલેક્‍ટ્રોનિક મીડિયા ઘર ઘર સંપર્ક પત્રિકા વિતરણ સભા સંમેલન વગેરે દ્વારા પ્રચાર થતો હોય છે .તાપમાનનો પારો પ્રચારમાં નીકળતા કાર્યકરોને અકડાવશે્‌ પ્રચારની સીધી અસર મતદારોના માનસ અને મતદાનના પ્રમાણ પર પડે છે. પર સેવા માટે નીકળનારા ઉમેદવારોને પરસેવો પડી જશે .

ખાસ મતદાર યાદી સુધારણા અને ૧૫ નવા મહાનગરો એક નવા જિલ્લાની અને કેટલાક નવા તાલુકાઓની રચના પછી પ્રથમ વખત ચૂંટણી આવી રહી છે. ૨૦૨૭ના વર્ષની ધારાસભાની ચૂંટણી પહેલાનો આ સૌથી મોટો જનાદેશ હશે. સરકારમાં સત્તા ક્ષેત્રે આ પરિણામથી સીધો કોઈ ફેર પડવાનો નથી પણ ગુજરાતની રાજકીય સ્‍થિતિનો ખ્‍યાલ આ જનાદેશ આપશે .ચૂંટણી પ્રચારમાં વિકાસ ભ્રષ્ટાચાર વહીવટી નિષ્‍ફળતા મોંઘવારી બેરોજગારી વગેરે મુદ્દા ગાજશે્‌ શહેરી અને ગ્રામીણ બંને ક્ષેત્રની ચૂંટણી છે. બંનેનું મતદાન અલગ અલગ તબક્કે કરવાની પ્રણાલીકા છે. પરિણામ એક સાથે આવશે કે અલગ અલગ તે ચૂંટણી પંચ ચૂંટણીની જાહેરાત વખતે સ્‍પષ્ટ કરશે.

સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓમાં મુખ્‍યત્‍વે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્‍ચે જંગ થશે અન્‍ય પક્ષોને પક્ષો પણ મેદાનમાં આવશે .સ્‍થાનિક ચૂંટણી હોવાથી ઉમેદવારની તાકાત સૌથી વધુ અસરકારક બનશે .આ ચૂંટણીમાં એક એક મત નિર્ણાયક હોય છે. 

(11:39 AM IST)