<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

મધ્ય ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી બરોડા ડેરીના નિયામક મંડળની 4 મહત્વની બેઠકો માટે મતદાન શરૂ : રાત્રે જ પરિણામ

13 બેઠકો પૈકી 9 બેઠકો પર અગાઉ જ ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે, પરંતુ બાકી રહેલી 4 મહત્વની બેઠકો પર સવારથી જ ભારે ઉત્તેજના

વડોદરા :મધ્ય ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી બરોડા ડેરી (વડોદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ) ના નિયામક મંડળની ચૂંટણી માટે આજે રસાકસીભર્યું મતદાન યોજાઈ રહ્યું છે. 13 બેઠકો પૈકી 9 બેઠકો પર અગાઉ જ ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે, પરંતુ બાકી રહેલી 4 મહત્વની બેઠકો પર આજે સવારથી જ ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.

આજે સવારે 9 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થશે, જે બપોરે 3 વાગ્યા સુધી ચાલશે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તુરંત જ, એટલે કે સાંજે 4 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવશે. આશા છે કે રાત્રે 7 વાગ્યા સુધીમાં દૂધ સંઘની સત્તાનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને વિજેતા ઉમેદવારોનાં નામ જાહેર કરી દેવામાં આવશે.

સૌથી વધુ ચર્ચા ડેસર અને વડોદરા ઝોનની બેઠકોની છે. ડેસર બેઠક પર વર્તમાન ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી અને ધારાસભ્ય કેતન ઇનામદારના વિશ્વાસુ સુરપાલસિંહ પરમાર વચ્ચે કાંટાની ટક્કર છે. ભાજપે અહીં સુરપાલસિંહને મેન્ડેટ આપ્યો છે, જે કુલદીપસિંહ માટે મોટો પડકાર છે.

 

તેવી જ રીતે, વડોદરા ઝોનમાં પણ પક્ષની અંદરનો વિખવાદ સપાટી પર આવ્યો છે. ભાજપે શૈલેષ પટેલના પુત્ર પાર્થિવ પટેલને મેન્ડેટ આપીને મેદાને ઉતાર્યા છે, જેની સામે હિતેશ પટેલે બાયો ચઢાવી છે. અહીં સત્તાધારી પક્ષના જ બે જૂથો સામસામે હોવાથી પરિણામ કોની તરફેણમાં આવશે તે જોવું રસપ્રદ રહેશે.

 

જ્યારે ડેસર અને વડોદરામાં આંતરિક ખેંચતાણ છે, ત્યારે ડભોઈ અને પાવીજેતપુર ઝોનમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધો જંગ છે. પાવીજેતપુરમાં રણજીત રાઠવા અને ગેમલ રાઠવા વચ્ચેની લડાઈ પર સૌની નજર છે.

 

આ ચૂંટણી માત્ર ડેરીના વહીવટની નથી, પરંતુ જિલ્લાના સહકારી માળખા પર વર્ચસ્વ જમાવવાની લડાઈ છે. સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે કે પશુપાલકો અને મતદારોએ કોના પર વિશ્વાસ મૂક્યો છે

(1:29 PM IST)